હાલમાં નવરાત્રીની રાજ્યભરમાં ધામધૂમ પૂર્વક ઉજવણી થઇ રહી છે ત્યારે અમદાવાદ ખાતે પણ દિવ્યાંગજનો માટે થીન્ક પોસીટીવ ગૃપ દ્વારા ભવ્ય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્યજનો મન મૂકી નવરાત્રીનો આનંદ માણતા હોય છે ત્યારે દિવ્યાંગજનો પણ ગરબે રમી નવરાત્રીનો આનંદ માણી શકે તેવા આશયથી આ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નવરાત્રીમાં દિવ્યાંગજનોએ ગરબા રમવાનો અનેરો લ્હાવો લીધો હતો. અને ગરબા રમી આનંદ વ્યક્ત કર્યો હતો.
આ નવરાત્રી મહોત્સવ દરમિયાન અમદાવાદ શહેર તેમજ રાજ્યભરમાંથી ૬૩૦ થી ૭૦૦ જેટલા દિવ્યાંગજનોએ હોંશભેર ભાગ લીધો હતો. તેમજ નવરાત્રીના ગરબા આયોજનની સાથે ઇનામ વિતરણ અને ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રીમાં દિવ્યાંગજનો રંગબેરંગી ચણિયાચોળી તેમજ કેડીયા સાથે મન મૂકીને ગરબા રમતા જોવા મળ્યા હતા. આ નવરાત્રીમાં વિ હેલ્પ ફાઉંડેશન તેમજ ચેરીટી બીગેંસ ફ્રોમ હોમ જેવી સંસ્થાઓના વોલીંટીયર દ્વારા સેવા આપવામાં આવી હતી.