વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુનામીમાં તમામ રાજકીય પક્ષોનો લોકસભાની ચૂંટણીમાં સફાયો થયા બાદ હવે વિધાનસભાની ચૂંટણી આવી પહોંચી છે. મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચૂંટણી માટેની તારીખ જાહેર થયા બાદ રાજકીય પક્ષો ફરી લડાયક મુડમાં છે. જો કે ભાજપની વધતી જતી તાકાતની સામે કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોની કસોટી બંને રાજ્યોમાં ચૂંટણી દરમિયાન દેખાનાર છે. કલમ ૩૭૦ની નાબુદી થયા બાદ પ્રથમ વખત કોઇ ચૂંટણી યોજાઇ રહી છે. કોંગ્રેસ સહિતના પક્ષો અસ્તિત્વની લડાઇ હાલમાં લડી રહ્યા છે. ચૂંટણીના પરિણામ ૨૪મી ઓક્ટોબરના દિવસે આવનાર છે. કોંગ્રેસ સહિતના તમામ વિરોધ પક્ષોની હાલત કફોડી દેખાઇ રહી છે. તમામ વિરોધ પક્ષોમાંથી સભ્યો બહાર નિકળી રહ્યા છે.
વિપક્ષ ખંડ ખંડ નજરે પડે છે. લોકસભાની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ વિપક્ષમાં ભારે ઉથલપાથલ જારી છે. કોંગ્રેસ પાર્ટીમાં જ્યાં એકબીજા પર દોષારોપણનો સિલસિલો જારી છે. જ્યારે સેક્યુલર છાવણીની અન્ય પાર્ટીઓ અલગ અલગ રસ્તા મારફતે કરેક્શનમાં લાગેલી છે. કેટલાક પક્ષો તેમના સાથી પક્ષોની સાથે છેડો ફાડી રહ્યા છે. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીએ ભાજપને પરાજિત કરવા માટે લોકસભાની ચૂંટણી પહેલા મહાગઠબંધન બનાવીને ભાજપની સામે મોટો પડકાર ફેંકયો હતો. તમામ રાજકીય પંડિતો પણ માની રહ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીને ભારે નુકસાન થશે પરંતુ આ ગણતરી પંડિતોની ખોટી સાબિત થઇ હતી. લોકસભાની ચૂંટણીમાં મહાગઠબંધનની હાલત કફોડી બની હતી.
ભારતીય જનતા પાર્ટીએ જોરદાર સપાટો બોલાવીને મોટા ભાગની સીટો જીતી લીધી હતી. સમાજવાદી પાર્ટી માત્ર પાંચ સીટો જીતી શકી હતી. માયાવતીની પાર્ટી પણ કોઇ ખાસ દેખાવ કરી શકી નથી. પ્પરિણામ આવ્યા બાદ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી દ્વારા પણ એકબીજા સામે પ્રહારો કરવામાં આવી રહ્યા છે. લોકસભાની ચૂંટણી બાદ હવે યોજાનારી પેટાચૂંટણીમાં એકલા હાથ લડવાની માયાવતી જાહેરાત કરી ચુક્યા છે. બંને પાર્ટી વચ્ચે સંબંધોનો અંત આવી ગયો છે. પેટાચૂંટણી એકલા હાથે બંને પાર્ટી મેદાનમાં ઉતરનાર છે. આ સ્થિતી ભાજપ માટે વધારે આદર્શ રહી શકે છે. કારણ કે તેમના મતવિભાજન થનાર છે. જેનો લાભ ભારતીય જનતા પાર્ટીને મળી શકે છે. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી પણ તેમની યોજનામાં સફળ સાબિત થયા છે.
માયાવતી અને અખિલેશ યાદવ તેમની છાપને મજબુત કરી શક્યા નથી. આગામી દિવસોમાં વિરોધ પક્ષોમાં વધારે ગાબડા પડી શકે છે. ખાસ કરીને કોંગ્રેસમાં વધારે ગાબડા પડી શકે છે. રાજસ્થાન, મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સામે મોટી સમસ્યા ઉભી થઇ છે. બંને રાજ્યોમાં બળવાની સ્થિતી દેખાઇ રહી છે. કેટલાક પક્ષો અન્ય પાર્ટી સાથે જાડાણ કરવાના પ્રયાસમાં છે. કોંગ્રેસમાં સૌથી વધારે વિવાદ રાજસ્થાન એકમમાં છે. મુખ્યપ્રધાન અશોક ગહેલોતે પોતાના પુત્રની હાર માટે નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલોટને જવાબદાર ઠેરવી દીધા બાદ કોંગ્રેસમાં ભારે ખેંચતાણની સ્થિતી છે. સચિન ગહેલોતને હાર માટે જવાબદાર ગણે છે.