અમદાવાદ: લોકો પોતાના જન્મ દિવસની ઉજવણી યાદગાર બની રહે તે માટે વિવિધ રીતે વર્ષગાંઠ ઉજવતા હોય છે. જન્મ દિવસ વ્યક્તિ માટે અનેક શુભેચ્છાઓ અને ભેટ-સોગાદ લઇને આવે છે, પરંતુ અમદાવાદ ખાતે રહેતા વરિષ્ઠ નાગરિક બિપીનભાઇ ખત્રીએ પોતાના 71મા જન્મ દિવસ ઉજવણી એ રીતે કરી કે પ્રાપ્ત શુભેચ્છાઓ અને અમૂલ્ય ભેટ-સોગાદો કરતાં પણ ઉજવણી મૂલ્યવાન બની ગઇ.
જિંદગીના સાત દાયકા પૂર્ણ કરી 71માં વર્ષમાં પ્રવેશ કરી રહેલા બિપીનભાઇ ખત્રીએ અનોખી રીતે જન્મ દિવસની ઉજવણી કરવાનો નિર્ણય કરી શહેરની એનજીઓ વિ હેલ્પ ફાઉન્ડેશનનો સંપર્ક કર્યો હતો. જેના ભાગ રૂપે વિ હેલ્પ ફાઉન્ડેશનના પ્રોજેક્ટ વાત્સલ્ય અંતર્ગત અમદાવાદ શહેરને અડીને આવેલા સાણંદમાં દાદાગ્રામ ખાતે આવેલ આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ સાથે જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી. દાદાગ્રામ ખાતે આવેલ ઋષિ આશ્રમ શાળામાં 350 જેટલા બાળકો અભ્યાસ કરે છે.
શાળાના 350 વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા કર્મચારીઓ, બિપીનભાઇના પરિવારજનો અને વિ હેલ્પ ફાઉન્ડેશ સંસ્થાના કાર્યકરો તમામે સાથે મળી કેક કટિંગ અને સંગીતની મઝા સાથે બિપીનભાઇના 71માં જન્મ દિવસની ઉજવણીને યાદગાર બનાવી હતી. બિપીનભાઇના પરિવાર તરફથી આશ્રમ શાળાને માઇક સાથેના સ્પીકરની ભેટ આપવામાં આવી હતી.