લોકસભાની ચૂંટણીમાં સતત બીજી વખત કારમી હાર ખાધા બાદ કોંગ્રેસ પાર્ટી હવે નવેસરથી બેઠી થવા માટે પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ પાર્ટી સોનિયા ગાંધીના નેતૃત્વમાં તેની તમામ જુની ભુલો શોધીને તેમાંથી બોધપાઠ લઇને આગળ વધવા માટે તૈયાર છે. કોંગ્રેસ પાર્ટી સામાન્ય પ્રજાથી દુર થઇ રહી છે. લોકોમાં વિશ્વાસ જગાવી શકી નથી ત્યારે હવે જમીની સ્તર પર કામ શરૂ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ફરી એકવાર પૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. આ જ કારણસર મોદી સરકારને આર્થિક મુદ્દા પર ભીંસમાં લેવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સોનિયા ગાંધી જુદા જુદા રાજકીય પક્ષો સાથે બેઠકો કરી રહ્યાછે. કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી લીધા બાદ સોનિયા ગાંધી પાર્ટીમાં નવા પ્રાણ ફુંકવા માટેના તમામ પ્રયાસ કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ પાર્ટીના પ્રમુખ તરીકે રહેતા કોંગ્રેસ પાર્ટીમાં નવા નવા ચહેરાઓને સામેલ કર્યા હતા. પાર્ટીને જીત અપાવી શકે તે માટે રણનિતી પણ તૈયાર કરવામાં આવી હતી. જો કે લોકસભાની ચૂંટણીમાં સફળતા મળી ન હતી. પાર્ટીમાં સંગઠનમાં મોટા પાયે ફેરફાર પણ કરવામાં આવ્યા હતા. વધુને વધુ યુવાનોને તક પણ આપવામાં આવી હતી. આના ભાગરૂપે જુદા જુદા રાજ્યોના વરિષ્ઠ હોદ્દેદારોની ઓફિસમાં તેમના સહાયકોના રૂપમાં ૪૪માંથી ૩૦ નવા સચિવ પણ ચૂંટી કાઢવામાં આવ્યા હતા.
જો કે રાહુલની તમામ ચાલ નિષ્ફળ ગઇ હતી. રાહુલ ગાંધી પાર્ટીને લોકસભાની ચૂંટણીમાં અપેક્ષા મુજબની સફળતા અપાવી શક્યા ન હતા. આખરે અપેક્ષા મુજબના પરિણામ ન મળતા રાહુલે લોકસભાની ચૂંટણી બાદ રાજીનામુ આપી દીધુ હતુ. સોનિયા ગાંધી હવે વધારે સક્રિય દેખાઇ રહ્યા છે. જો કેતેમની સામે સૌથી મોટો પડકાર તો પાર્ટીની છાપને મજબૂત કરવાનો રહેલો છે. લોકો પાર્ટીથી સતત દુર થઇ રહ્યા છે. પૂર્વ કેન્દ્રિત પ્રધાન ચિદમ્બરમ સહિતના નેતાઓ જેલમાં પહોંચ્યા બાદ પાર્ટીની છાપ વધારે ખરાબ થઇ છે. કોંગ્રેસ પાર્ટીની આ બાબતને લઇને હમેંશા ટિકા થતી રહી છે કે પાર્ટી સંગઠનમાં નિષ્ક્રિયતા આવી ગઇ છે. તેમાં એવા લોકોની કમી આવી ગઇ છે જે નવા જાશની સાથે સાથે સક્રિય રીતે કામ કરી શકે. રાહુલ ગાંધી જ્યારે પ્રથમ વખત સક્રિય થયા ત્યારે તેઓએ પાર્ટીમાં કેટલાક યુવા નેતાઓને સંગઠનમાં જગ્યા આપી દીધી હતી.
જો કેઆ પ્રક્રિયા એ વખતે જાર પકડી શકી ન હતી. કોંગ્રેસ પાર્ટી એક અડચણમાં મુકાઇ ગઇ હતી. કદાચ આ બાબતની ખચકાટ રહી હતી કે ઉપરથી નીચે સુધી એક જ વખતમાં જોરદાર ફેરફારના કારણે પાર્ટીમાં નારાજગી ફેલાઇ જશે. સાથે સાથે એક આંતરિક ખેંચતાણની સ્થિતી સર્જાઇ જશે. રાજીવ ગાંધીના સમયે પાર્ટીને આવી સ્થિતીમાંથી પસાર થવાની ફરજ પડી હતી. એ વખતે કેટલાક સિનિયર નેતા અલગ રસ્તે જતા રહ્યા હતા. જેથી રાહુલ ગાંધીએ પોતાના પગલાને રોકી દીધા હતા. અનુભવી રહેલા સોનિયા ગાંધી વધારે સક્રિય થતા હવે કોંગ્રેસના કાર્યકરો પણ ઉત્સાહિત દેખાઇ રહ્યા છે.