પાલનપુર : કરોડો માઇભક્તોની આસ્થાના પવિત્ર તીર્થસ્થાન અંબાજી ખાતે ભાદરવી મહામેળામાં શ્રદ્ધાળુઓનો જોરદાર ધસારો જારી રહ્યો છે. મેળાની શરૂઆત થયા બાદથી હજુ સુધી છેલ્લા પાંચ દિવસમાં જ ૧.૪૨ કરોડ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચુક્યા છે. આ આંકડો હજુ વધી રહ્યો છે. આવતીકાલે ૧૪મી સપ્ટેમ્બરના દિવસે આ મેળાની પૂર્ણાહુતિ થનાર છે. અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી આ આંકડો જારી કરવામાં આવ્યો છે. મેળો સોળે કળાએ જામ્યો છે.
અંબાજીમાં દિવસરાત લાખોની સંખ્યામાં ઉમટી રહ્યા છે. ભાદરવી પૂનમને લઇ જગપ્રસિધ્ધ અંબાજી માતાજીના દર્શન માટે લાખો ભકતોનું ઘોડાપૂર ઉમટયું છે, જે જોઇને જ પ્રતીતિ થઇ જાય છે કે, જગપ્રસિધ્ધ અંબાજીનો મહિમા અને ચમત્કાર અપરંપાર અને અનન્ય છે. ઉલ્લેખનીય છે કે, માત્ર ગુજરાતમાં જ નહી પરંતુ સમગ્ર પશ્ચિમ ભારતમાં ભરાતા મોટા મેળાઓમાં સ્થાન ધરાવતા ભાદરવી પૂનમના મહામેળામાં લાખો માંઇભક્તો દૂરદૂરથી ચાલતા આવી રહ્યા છે. દૂર-દૂરથી પદયાત્રા દ્વારા ચાલીને આવતા ઘણા યાત્રિકો ભક્તિભાવપૂર્વક મંદિર પર ધજા ચડાવી ધન્ય બનતા જોવા મળે છે. ચાચર ચોકમાં બોલ માડી અંબે… જય જય અંબે…ના જયઘોષ સતત ગુંજી રહ્યા છે. અંબાજીમાં ભક્તિભર્યા ભવ્ય માહોલની જમાવટ થઇ છે.
બનાસકાંઠા કલેક્ટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન સંદીપ સાગલેએ મેળામાં યાત્રિકોને સરળતાથી જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે અને આજે સ્થાનિક હોદ્દેદારો સાથે સ્વચ્છતા અભિયાન યોજયું હતું. અંબાજીમાં ચોમેર સરસ સ્વચ્છતા અને મેળામાં દોડતી મોટાભાગની નવી એસ.ટી.બસો જોઇને યાત્રિકોમાં ખુશીની લાગણી પ્રસરી છે. અંબાજીમાં ઉમટતા લાખો માઇભક્તોને પરત ઘેર જવામાં સરળતા રહે તે માટે એસ.ટી.વિભાગ દ્વારા ૧૧૦૦ જેટલી બસો દોડાવાઇ રહી છે. તો, મંદિર પરિસરમાં દર્શન માટે બે રેલીંગની સરસ સુવિધાઓ હોવાથી યાત્રિકોને લાંબો સમય લાઇનમાં ઉભા રહેવું પડતું નથી. અંબાજીના ગબ્બર મુકામે પણ યાત્રિકોની બહુ વિશાળ સંખ્યા જોવા મળી રહી છે. માતાજીના મૂળ પ્રાગટ્ય સ્થાન મનાતા ગબ્બર મુકામે નિર્માણ કરવામાં આવેલા ૫૧ શક્તિપીઠોના દર્શનનો લ્હાવો એક જ સ્થળે મળે છે. જેનાથી માઇભક્તો ધન્ય બની રહ્યા છે.
અંબાજી મંદિર પરિસર અને સમગ્ર અંબાજીમાં જિલ્લા વહીવટીતંત્ર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ ધ્વારા રોશની અને લાઇટીંગની સુંદર વ્યવસ્થા કરવામાં આવતા અંબાજી તીર્થ સ્થાનની ભવ્યતા અને સુંદરતામાં ચાર ચાંદ લાગ્યા છે. રોશનીને લીધે અંબાજી મંદિરની ભવ્યતા નિહાળી માઇભક્તોમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી છે.
અંબાજીના યાત્રિકો સરળતાથી દર્શન કરી શકે તેમજ પ્રસાદ વગેરે મેળવી શકે તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં સારી સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઇ છે. ખાસ કરીને સ્વચ્છતા, આરોગ્ય, પીવાના પાણીની સુવિધા, વિસામા કેન્દ્રો, સુરક્ષા, લાઇટીંગ, પરિવહન અને પાર્કિગ, વિનામૂલ્યે ભોજન, સરળતાથી સારા દર્શન કરવાની સુવિધા સહિત તમામ વ્યવસ્થાઓ યાત્રિકોને બહુ ઉપયોગી નીવડી છે.