નવી દિલ્હી : તાજેતરમાં જ કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પેકેટમાં ઉપલબ્ધ દૂધ બીમારીને આમંત્રણ આપી શકે છે. જાણકાર નિષ્ણાંતો અને અભ્યાસમાં જાણવા મળ્યું છે કે યોગ્ય તાપમાનની જાળવણી નહીં હોવાની સ્થિતિમાં પેકેજમાં ઉપલબ્ધ દૂધમાં અનેક પ્રકારના બેક્ટેરિયા ઉત્પન્ન થઈ જાય છે.
તાજેતરમાં જ કરાયેલા આ અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે પેકેજિંગ પ્લાન્ટમાંથી દૂધ નીકળ્યા બાદ કન્ઝ્યુમર સુધી આ દૂધ પહોંચે તે વચ્ચેના ગાળામાં દૂધ માટે યોગ્ય તાપમાન જાળવણી થતી નથી. અલબત્ત દૂધને ગરમ કરવાથી આ સમસ્યા દૂર થઈ શકે છે પરંતુ ડેરી સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે તેમના પ્રોડેક્ટ ૨૧ ટેસ્ટ મારફતે પસાર થાય છે. લોકોને સેફ અને સુરક્ષિત દુધ મળે તે માટે પગલાં લેવામાં આવે છે. ખોટી ચકાસણીથી ખોટા પરિણામ આવી શકે છે.
કન્ઝ્યુમર વોઇસ સંસ્થા દ્વારા તાજેતરમાં જ દિલ્હીમાં વેચાતાં ૧૨ બ્રાન્ડના પેકેજ દૂધના સેમ્પલ લીધા હતા. ત્યારબાદ તેમાં અભ્યાસની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પેકેટમાં રહેલા દૂધમાંથી સાત ડિગ્રી તાપમાનને આદર્શ ગણવામાં આવે છે પરંતુ આ બાબતનું ધ્યાન વધારે રાખવામાં આવતું નથી. દુકાનો સુધી પહોંચવાના ગાળા દરમિયાન આ બાબતનું ધ્યાન આપવામાં આવતું નથી. દુકાનોમાં પહોંચ્યા બાદ પણ તાપમાન મામલે ગંભીરતા રાખવામાં આવતી નથી. નિષ્ણાંતોનું એમ પણ કહેવું છે કે સ્વાસ્થ્ય સાથે સંબંધિત મામલાઓ અને ધારાધોરણની અવગણના કરવામાં આવી રહી છે. કોલીફોર્મ બેક્ટેરિયા ૪૬ ડિગ્રી તાપમાન પર નષ્ટ થઈ જાય છે.
આનો મતલબ એ થયો કે દૂધને ખૂબ સારી રીતે ગરમ કરવાની સ્થિતિમાં તેમા રહેલા બેક્ટેરિયાનો ખતરો રહેતો નથી. અલબત્ત કન્ઝ્યુમર વોઈસનું કહેવું છે કે વધારે ગરમ કરવાથી દૂધમાં રહેલા પોષક તત્વોનું પ્રમાણ ઘટી જાય છે.