લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત સાથે સતત બીજી વખત સત્તામાં આવેલા નરેન્દ્ર મોદી પહેલા કરતા વધારે ઝડપથી આગળ વધી રહ્યા છે. તેમની લોકપ્રિયતાની સામે વિરોધીઓની તમામ યોજનાઓ અને નિતીઓ પર પાણી ફરી વળ્યુ છે. મોદી અને તેમના નજીકના સાથી અને હાલમાં કેન્દ્રિય પ્રધાન અમિત શાહની જોડીની સામે વિરોધીઓની યોજના ફ્લોપ રહી છે. એક બાજુ સરકાર ખુબ ઝડપથી કામોને પૂર્ણ કરી રહી છે. સાથે સાથે વિપક્ષ પોતાની રીતે એકબીજાની સામે લડતા નજરે પડી રહ્યા છે. વિપક્ષની સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ પોતાના રાષ્ટ્ીય નેતૃત્વના સંકટમાંથી કોઇ રીતે બહાર નિકળી શકી છે.
જો કે કોઇ પણ મુદ્દા પર તેના કાર્યકરો અને તેમના નેતાઓ સક્રિય દેખાઇ રહ્યા નથી. તેમના નેતા માર્ગો પર પણ દેખાતા નથી. એટલામાં ઓછુ હોય તેમ કોંગ્રેસના કેટલાક નેતાઓ તો પાર્ટી લાઇનથી દુર થઇને મોદી સરકારની પ્રશંસા કરતા નજરે પડ્યા છે. મોદીના કેટલાક નિર્ણયની પ્રશંસા કરતા કોંગ્રેસી નેતાઓ દેખાયા છે. જેમાં પૂર્વ કેન્દ્રિય પ્રધાન શશી થરુરનો સમાવેશ થાય છે. ક્ષેત્રીય દળોની તો બોલતી જ બંધ થઇ ગઇ છે. ચૂંટણી પહેલા ભારે ચર્ચામાં રહેલા ચન્દ્રબાબુ નાયડુની કારમી હાર થઇ ગયા બાદ તેઓ નિષ્ક્રિય જેમ દેખાઇ રહ્યા છે. મમતા બેનર્જી જેવા નેતા પણ પહેલા જેવા આક્રમક દેખાઇ રહ્યા નથી. ચન્દ્રબાબુ નાયડુ પહેલા ખુબ કુદી રહ્યા હતા. જૉ કે હવે તેમની બોલતી બંધ થઇ ગઇ છે. સરકારી એજન્સીઓનો ભય હોય કે પછી પોતાની ઘટતી લોકપ્રિયતા હોય મમતા પણ સાવધાન થઇ ગઇ છે. વિપક્ષી એકતાની તો હવે ચર્ચા પણ થતી નથી.
કેટલાક બિલ પર તો સરકારને બિજુ જનતા દળ જેવી પાર્ટીનો ટેકો મળી ગયો છે. મમતા બેનર્જીની પાર્ટી, ચન્દ્રબાબુ નાયડુ અને ટીઆરએસ જેવી પાર્ટીનો પણ ટેકો મળી રહ્યો છે. છેલ્લી અવધિમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસમાં કોર્ટમાં હાજરીથી મુક્તિ ચોક્કસપણે મળી ગઇ છે પરંતુ તેમની સ્થિતી પણ સારી દેખાઇ રહી નથી. વિપક્ષ દ્વારા સરકારી તપાસ સંસ્થાઓનો ઉપયોગ કરવાનો ભલે આરોપ કરવામાં આવી રહ્યો છે પરંતુ સરકારે વિતેલા વર્ષોના કેટલાક દિગ્ગજ નેતાઓને સકંજામાં લઇ લીધા છે. આઇએનસેક્સ મિડિયા કેસમાં પૂર્વ નાણાંપ્રધાન પી. ચિદમ્બરમ તિહાર જેલમાં પહોંચી ગયા છે. લાલુ યાદવ પણ સકંજામાં આવી ગયા છે. ડીકે શિવકુમાર, અહેમદ પટેલના પુત્ર પર સકંજા મજબુત કરવામાં આવ્યો છે.