” સમયની લાજ રાખીને ઘડીભર તો તમે આવો,
કે પળભરના ભરોસા પર અહીં આખો જમાનો છે.”
— મરીઝ.
શાયરની માશૂકા તેમને ત્યજી ગઇ છે તેથી તે તેને સમયની સંજોગોની લાજ જાળવવા ખાતર વધારે નહિ તો એકાદ ક્ષણ માટે પણ આવી જવા વિનવે છે અને એના માટે એવી દલીલ રજૂ કરે છે કે આ સમગ્ર જગત પણ એકબીજા ઉપરના વિશ્વાસ અને ભરોસાથી જ ચાલી રહ્યું છે. જો કોઇને કોઇ ઉપર વિશ્વાસ જ ન રહે તો જગતનો એક પણ વ્યવહાર આગળ વધી શક્તો નથી. કુટુંબમાં , ઘરમાં કે સમાજમાં કે કોઇ સંસ્થામાં જ્યાં પણ તમે જશો ત્યાં એક મેક ઉપર વિશ્વાસ મૂકવાનું તો આવે જ છે.
જો તમે ભરોસો નામની ચીજ હટાવી લો તો પછી કશું બચતું જ નથી. વળી ક્યારેક એવું પણ બનતું હોય છે કે કોઇને કોઇની જરૂર વારે ઘડીએ ન પડે પણ ક્યારેક એવી તાતી જરૂરિયાત ઉભી થતી હોય છે કે તે સમયે તે વ્યક્તિએ આવવું અનિવાર્ય બની જતું હોય છે, અરે એના ન આવવાથી પેલા માણસની જીંદગીની બાજી ખોરવાઇ જતી હોય છે. ઇતિહાસમાં આપણે ઘના એવા કિસ્સા વાંચ્યા છે કે જ્યારે કોઇ એ કોઇની અણીના સમયે આવી પહોંચીને મદદ કરેલી હોય.
દોસ્તની દોસ્તીની પણ આવા ખરા સમયે જ કસોટી થઇ શકે છે. કોણ કેટલા પાણીમાં છે તે પણ આવા કપરા કાળમાં જ જાણી શકાય છે. કાયમને માટે તમારી સાથે હસી મજાક કે મસ્તી કરનારા વ્યક્તિ પર તમે ભરોસો મૂકીને કશું સાહસ કરો અને જો એ તમને તમારી ધારણા કે વિશ્વાસ મુજબ સાથ ન આપે તો એની કિંમત તમારા માટે કોડીને પણ રહેતી નથી. આવી જ બાબત કોઇએ આપણા પર ભરોસો મૂકવા સંબંધમાં બની શકે છે. કોઇ આપણે ભરોસે મદદનો હાથ લંબાવે અને આપણે જો એ વખતે સાથ ન આપીએ તો એ આપણા માટે ખૂબ જ શરમજનક કહેવાય.
શાયર જમાનાના અનુભવી છે. એમને ખૂબ જ સાચી વાત કહી છે. જમાનો વિશ્વાસથી જ ચાલે છે. જો એક યાર બીજા યારને ખરા સમયે મદદ કરીને બચાવે નહિ તો એની યારી અને જીંદગી વ્યર્થ છે.
- અનંત પટેલ