અમદાવાદ : અર્થશાસ્ત્ર અભ્યાસ વર્તુળના ઉપક્રમે ૮મી સપ્ટેમ્બર વિશ્વ સાક્ષરતા દિનની ઉજવણી સાથે છાત્ર-શિક્ષણ સન્માન સમારંભ સ્કાઉટ ભવન પાલડી ખાતે બપોરે-૨ કલાકે યોજાશે. અર્થશાસ્ત્ર વિષયના કઠિન મુદ્દાઓને સરળતાથી કેવી રીતે વર્ગખંડમાં શાળા કક્ષાએ ભણાવવા અંગેનું માર્ગદર્શન નિર્ષણાતો સવારે ૧૦થી ૧ કલાક દરમિયાન યોજાનારા શૈક્ષણિ સંવાદ કાર્યક્રમમાં ૮ સપ્ટેમ્બરના રોજ અપાશે. અર્થશાસ્ત્ર અભ્યાસ વર્તુળના પ્રમુખ અને ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. જગદીશ ભાવસાર અને મંત્રી મનીશ શાહે આ અંગેની માહિતીમાં જણાવ્યુંછે કે, શૈક્ષણિક પરિસંવાદનું ઉદ્ઘાટન શિક્ષણવિદ્ ડોક્ટર કિરીટભાઈ જાશી કરશે. આ પ્રસંગે શિક્ષણ સમિતિ અમદાવાદના ચેરમેન ધીરેન્દ્રસિંહ તોમર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
અર્થશાસ્ત્ર અભ્યાસ વર્તુળના ઉપક્રમે બપોરે યોજાનારા છાત્ર-શિક્ષક સન્માન સમારંભમાં ૯૬ ગુણથી વધારે ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષામાં અર્થશાસ્ત્રમાં પ્રાપ્ત કરનાર છાત્ર અને તેમને અભ્યાસ કરાવનાર શિક્ષકનું સન્માન કરાશે. ૭૫થી વધારે છાત્રો સાથે ૪૪ શિક્ષકોનું આ પ્રસંગે સન્માન કરાશે. ધોરણ ૧૨ અર્થશાસ્ત્ર માં ૧૦૦માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કરનાર બે છાત્રોનું વિશેષ સન્માન કરાશે. વિશિષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરનાર શિક્ષકો, નિવૃત્ત શિક્ષકોનું પણ આ પ્રસંગે સન્માન કરાશે. આ એક દિવસીય પરિસંવાદ અને સન્માનના કાર્યક્રમમાં વર્તમાન આર્થિક સ્થિતિનું નિષ્ણાતો શિક્ષકોને માર્ગદર્શન કરશે.