” અલવિદા કહેવાનો અવસર છે ‘ચિનુ’,
ચાલ ઉભો થા અને શણગાર કર.
– ચિનુ મોદી
દરેક જીવંત વ્યક્તિ કે પ્રાણી માટે મૃત્યુ નિશ્ર્ચિત છે. કોઇને અમરપટો અપાયો નથી. તમે આખી જીંદગી તમારા સુખ સંપત્તિ માટે કે તમારા કુટુંબ સમાજ કે દેશ માટે સતત કંઇનું કંઇ કરતા જ રહો છો.સંસારની માયામાં સતત વ્યસ્ત રહો છો.કોઇ સ્નેહીનું અવસાન થાય છે ત્યારે સામાજિક જવાબદારીથી તેની સ્મશાનયાત્રામાં જાવ છો,એ વખતે તમને સ્મશાન વૈરાગ્ય જાગે છે. બે કલાક માટે તમે દેહની નશ્વરતા પાપ-પૂણ્યના વિચારે ચઢી જાવ છો પણ પછી પાછા જીવનની નિત્ય ઘટમાળમાં પરોવાઇ જાઓ છો.
આ શેરમાં કવિ આપણને મૃત્યુના અસ્તિત્વને, મૃત્યુની આવનારી ઘટનાને આનંદથી સ્વીકારીને સહુ પ્રિયજનોને અલવિદા કહેવા માટે તૈયાર થવાનું સમજાવે છે. તમે નિરાશ થશો, રોદણાં રડશો, દુ:ખના દરિયામાં ડૂબી રહેશો ,તમારું મોંઢુ સોગિયું રાખશો તો એ બધું જોઇને કંઇ મૃત્યુ ડરી જવાનું નથી,અર્થાત એવું કરવાથી મૃત્યુને ટાળી શકાતું નથી.તેથી કવિ કહે છે કે ભાઇ તારી અંતિમ ઘડીઓ આવી રહી છે,તારે દુનિયાને વિદાય કરવાનું હવે નજીકમાં છે તો આવા સમયે તું આળસ છોડી દે,નિરાશા ખંખેરી દે.ઉઠ ઉભો થા અને મૃત્યુને આવકારવા માટે તૈયાર થા. તું તેનું સ્વાગત કરવા શણગાર કર. જેમ કોઇ મોંઘેરા મહેમાન માટે આપણે ઘરને શણગારીએ છીએ તેવી જ રીતે મૃત્યુને આવકારવા મટે પોતાની જાતને સજ્જ કરવાનું કવિ કહે છે. અહીંયાં દૈહિક શનગાર નથી કરવાના,પરંતુ ઇશ્વરની ભક્તિ-ભજન અને સત્સંગ તેમ જ સત્કર્મરૂપી શનગારોધારણ કરવાની કાઆવિ સમજણ આપે છે. તમે આવું કશું નહિ કરો તો ય મૃત્યુ તો તમને લઇજ જવાનું છે તો પછી પ્રેમથી સામેથી તેને આવકારી તેને આવકારીને તેની સાથે જતા પહેલાં સાત્વિક જીવન જીવી પ્રભૂને પામવાની તૈયારી કરી જ લેવી જોઇએ.
- અનંત પટેલ