લોકસભામાં ભારે વિરોધ વચ્ચે ગ્રેજ્યુટી સંશોધન બિલ 2017 પસાર થઈ ગયું છે. આ બિલ હજી કાયદાનું રૂપ ધારણ કરશે ત્યાર બાદ ખાનગી ક્ષેત્રમાં કામ કરનાર લોકોને તેનો લાભ મળવાનું શરુ થશે. જેના પગલે રૂ. 20 લાખ સુધીની ગ્રેજ્યુટીની રકમ ટેક્સ ફ્રી થઈ જશે. તેનાથી ખાનગી એકમ અને સરકાર આધીન સાર્વજનિક ઉપક્રમ કે સ્વાયત્ત સંગઠનોના કર્મચારીઓની ગ્રેજ્યુટીની મહત્તમ મર્યાદામાં વૃદ્ધિ થશે, જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ મુજબ સીસીએસ (પેન્શન) નિયમોમાં સામેલ નથી. લોકસભામાં શ્રમ મંત્રી સંતોષ કુમાર ગંગવારે પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી અમેન્ડમેન્ટ બિલ 2017ને પાસ કરવા માટે રજૂ કર્યું.
ગ્રેજ્યુટી ચુકવણી બિલ, 1972 ને ફેકટરી, ખાણ, બંદરો સહિત અન્ય કંપનીઓમાં કામ કરનાર કર્મચારીઓને લાગુ કરવામાં આવતું હતું. આ કાયદો એવી કંપનીઓ પર લાગુ પાડવામાં આતો હતો, જે કંપનીમાં ઓછામાં ઓછા 10 કર્મચારી કામ કરી રહ્યા હોય. આ સાથે જ કર્મચારીએ 5 વર્ષ કે તેથી વધુ સમય માટે કામ કર્યું હોવું જરૂરી છે.
આ બિલ લાંબા સમયથી લોકસભાની મંજૂરી માટે પડ્યું હતું, જેને આખરે મંજૂરી આપવામાં આવી છે, તે સાથે જ રૂ. 20 લાખની ગ્રેજ્યુટી ટેક્સ ફ્રી કરવાનો રસ્તો ખુલી ગયો છે. અત્યાર સુધી ખાનગી એકમોમાં 5 વર્ષથી વધુ સમય માટે નોકરી કરી ચુકેલા કર્મચારીઓને નોકરી છોડવા અથવા નિવૃત થયા પછી રૂ. 10 લાખ સુધીની ટેક્સ ફ્રી ગ્રેજ્યુટી માટે યોગ્ય ગણવામાં આવતાં હતા. પરંતુ આ બિલને કાયદો બનવાની સાથે જ તેની મર્યાદા બે ગણી થઈ જશે.