પર્યુષણ પર્વની શરૂઆત થઇ ચુકી છે જેના કારણે જૈન શ્રદ્ધાળુઓ દેરાસરમાં પૂજન કરવા પહોંચ્યા હતા.
ભારત પર્વ અને તહેવારો નો દેશ છે. એક એવો જ તહેવાર છે પર્યુષણ મહાપર્વ. આ પર્વ માત્ર જૈનોનો જ નથી આ એક સાર્વભોમ પર્વ છે, વિશ્વ માટે એક ઉત્તમ અને ઉત્કૃષ્ટ પર્વ છે. કેમકે આમા આત્માની ઉપાસના કરવામાં આવે છે. જૈન સમાજ નો આ મહાકુંભ પર્વ એકતાનો પ્રતીક પર્વ છે.
પર્યુષણ એ જૈનત્વના બે સૌથી મોટા પર્વમાંનો એક છે. અન્ય મહત્ત્વનો તહેવાર છે દિવાળી. સામાન્ય રીતે શ્વેતાંબર ફિરકાના લોકો આને પર્યુષણ તરીકે સંબોધે છે જ્યારે દિગંબર ફિરકાના લોકો આને દસ લક્ષણા તરીકે સંબોધે છે. શાબ્દિક રીતે પર્યુષણનો અર્થ થાય છે, “જોડાવું” અથવા “સાથે આવવું”. આ એવો સમય છે જે દરમ્યાન સામાન્ય જન સમુદાય ટૂંક સમય માટે સાધુ જેટલી તીવ્રતાથી આધ્યાત્મનો અભ્યાસ અને તપ આદિ કરવાના પ્રત્યાખ્યાન (પ્રતિજ્ઞા) કરે છે. પર્યુષણનો સમય ગાળો આઠ દિવસનો હોય છે. અને આ પર્વ ચોમાસાના ચાતુર્માસ (ચાર મહિના) દરમ્યાન આવે છે જ્યારે સાધુ સાધ્વીજીઓ ચાર માસના કાળ માટે એક સ્થળે સ્થિરવાસ રહે છે.
આ સમય દરમ્યાન જૈન ઉપવાસ રાખે છે અને આત્માને પવિત્ર કરે તેવી આધ્યાત્મિક ક્રિયાઓમાં જોડાય છે. ઉપવાસનો સમયગાળો ૧ દિવસ થી લઈને ૩૦ દિવસ સુધી નો હોઈ શકે છે. જે લોકો ઉપવાસ કરે છે તેઓ માત્ર ઉકાળેલું પાણી પીએ છે અને તે પણ માત્ર સૂર્યોદય અને સૂર્યાસ્તની વચ્ચે જ પી શકાય છે.
આ પર્વની સમાપ્તિએ બધા શ્રાવકો એક બીજા પાસે ગિતેલ વર્ષ દરમ્યાન પોતાની દ્વારા કરેલા દુષ્કૃત્યો કે મન દુઃખ બદ્દલ ક્ષમા માંગે છે. શ્વેતાંબરો માટે આ દિવસ પર્યુષણનો દિવસ હોય છે. અને દિગંબરો માટે આ દિવસ આસો વદ એકમનો દિવસ હોય છે. “મિચ્છામિ દુક્કડં” બોલીને એકબીજાની ક્ષમા માંગવામાં આવે છે. તેનો અર્થ એવો થાય છે કે “જો જાણતા – અજાણતા મારા કોઈ કૃત્ય કે શબ્દ દ્વારા કે અન્ય કોઈ પણ રીતે આપનુ મન દુભાયું હોય તો હું આપની ક્ષમા માંગુ છું.”