જન્માષ્ટમી એ ભગવાન શ્રી ક્રીષ્ણનો જન્મ દિવસ છે. શ્રાવણ વદી આઠમના દિવસે રાત્રે બાર કલાકે મથુરામાં કંસના કારાગૃહમાં માતા દેવકીજીની કૂંખે ભગવાનનો જન્મ થયો હતો. શ્રીક્રીષ્ણના જન્મની કહાણી લગભગ દરેક હિન્દુ વ્યક્તિ સારી રીતે જાણતી જ હોય છે. આ અંગે થોડી ઘણી અજ્ઞાનતા હોય તો એ પણ ટીવી પર આવતી ધાર્મિક સીરીયલો અને લાઇવ સત્સંગ કથાઓ દ્વારા લોકો સરળતાથી જાણતા થઇ ગયા હોય છે. આ વર્ષે આ તહેવાર ૨૪મી ઓગષ્ટને શનિવારે આવે છે.
– આ દિવસે લોકો ઉપવાસ કરે છે
– ભગવાન શ્રીક્રીષ્ણના કે વિષ્ણુના મંદિરોમાં રાત્રે બરાબર બારના ટકોરે ભગવાનનો જન્મોત્સવ મોટી ધામ ધૂમથી ઉજવવામાં આવે છે.
– આ દિવસે ભગવાના ભક્તો મથુરા, દ્વારકા શામળાજી કે ડાકોરના મંદિરોમાં ભગવાનના દર્શન માટે જાય છે.
– કેટલેક ઠેકાણે શક્ય હોય તે રીતે પગપાળા પ્રવાસ પણ કરે છે.
– કેટલાંક મંદિરે તો આઠમના મેળા પણ ભરાય છે. લોકો આનંદ અને મસ્તીથી મેળાની મઝા માણતા હોય છે.
– ઘણી બધી ટીવી ચેનલો દ્વારા ક્રીષ્ણ જન્મોત્સવનું લાઇવ ટેલીકાસ્ટ પણ કરાય છે.
– બધાજ મંદિરોમા જૂદી જૂદી ભજન મંડળીઓ દ્વારા ભજન અને રાસની રમઝટ બોલાવાય છે. ભજન અને રાસ જેવાં કે–
” છોટી છોટી ગૈયા,
છોટે છોટે ગ્વાલ,
છોટો સો મેરો
મદન ગોપાલ;…..”
” ઓ ડાકોરના ઠાકોર , તારા બંધ દરવાજા ખોલ “
” લાલાને લાડ લડાવો લાલાને લાડ લડાવો..”
” છેલડા ઓ છેલડા , માખણના છેલડા…”
” મીઠે રસસે ભરી રાધા રાની લાગે
મને કારો કારો યમુનાજીનો પાની લાગે..”
ભગવાન શ્રીક્રીષ્ણની ભક્તિનાં તો અનેક ભજનો અને ગીત તેમ જ પદો જૂદા જૂદા ભક્ત કવિ અને કવયિત્રીઓએ રચેલાં છે. એને ગણવા બેસીએ તો પાર ન આવે એટલાં બધાં છે.
– રાત્રે મંદિરોમાં ઘંટારવની સાથે જ બરાબર બાર કલાકે ભગવાનનો જન્મ થાય છે અને જય રણછોડ માખણચોર ના નાદથી શહેરો અને ગામડાંની શેરીઓ ગૂજી ઉઠે છે.
– વહેલી સવારે લોકો મંદિરમાં જઇ ભગવાનને પારણે ઝૂલાવવાનો પણ આનંદ લે છે. મંદિરોમાં પંજરીનો પ્રસાદ વહેંચાય છે.
– કેટલીક જગાએ મંદિરમા પૂજારી કે મહંતને માટે સીધુ ( ભોજન માટેની સામગ્રી ) મોકલવાની પણ પ્રથા અમલમાં છે.
આ દિવસે હવે તો શહેરો જ નહિ પણ ગામડાઓમાં પણ મટકી ફોડ નો કાર્યક્રમ આનંદ અને ઉલ્લાસથી ઉજવાય છે.
લોકો આ દિવસે યથાશક્તિ દાન પૂણ્ય પણ કરે છે. આ દિવસે લોકો જૂદી જૂદી રીતે મંદિરો આકર્ષક લાગે તે પ્રમાણે શણગારે છે. કેટલાક લોકો પોતાના ઘેર પણ જન્મોત્સવની ઉજવણી કરે છે. ચાલો આપણે પણ આજના પવિત્ર દિવસે ભગવાન શ્રી ક્રીષ્ણને હ્રદયપૂર્વકના વંદન કરીએ અને સમગ્ર જગતનું ભગવાન કલ્યાણ કરે તેવી પ્રાર્થના કરીએ.
” જય રણછોડ માખણ ચોર ”
” હાથી ઘોડા પાલખી
જય કનૈયાલાલકી “
- – અનંત પટેલ