હિંદુઓના નવ વર્ષનું પ્રારંભ ચૈત્ર શુક્લ પ્રતિપદાથી થાય છે કારણ આ દિવસે બ્રમ્હાજીએ સૃષ્ટિનું સર્જન કર્યું હતું. તેથી હિંદુઓ આ દિવસે બ્રમ્હાજી તથા તેમના દ્વારા નિર્મિત સૃષ્ટિના પ્રમુખ દેવી દેવતાઓ, યક્ષ રાક્ષસો, ગંધર્વો, ઋષિમુનિઓ, નદીઓ, પર્વતો, પશુ-પક્ષીઓ અને જીવજંતુઓની સાથેસાથે રોગો તથા તેના ઉપચારોનું પણ પૂજન કરે છે! ચૈત્ર જ એક એવો મહિનો છે કે જેમાં વૃક્ષો નવપલ્લવિત તથા વેલાઓ પુષ્પિત થવાની શરૂઆત થાય છે. આમ આ દિવસથી નવું સંવત્સર શરૂ થાય છે અને તેથી જ તો આ તિથીને “નવસંવત્સર” પણ કહેવાય છે. શુક્લ પ્રતિપદા ચંદ્રમાની કલાનો પ્રથમ દિવસ છે તેથી જ આ દિવસને વર્ષારંભ ગણવામાં આવ્યો છે. હિંદુઓ માટે વર્ષ પ્રતિપદાનો તહેવાર કેટલો મહત્વનો છે તે જાણવા ઈતિહાસ પર એક નજર કરીએ….
ઇતિહાસમાં વર્ષ પ્રતિપદાનું મહત્વ
- બ્રમ્હ પુરાણ અનુસાર બ્રમ્હા દ્વારા સૃષ્ટિનું સર્જન
- યુગાબ્દ (યુધિષ્ઠિર સંવત)નો પ્રારંભ
- વિક્રમ સંવત (વિક્રમાદિત્ય)નો પ્રારંભ
- શાલિવાહન શક સંવત એટલે ભારત સરકારના રાષ્ટ્રીય પંચાગનો પ્રારંભ
- શ્રી યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક
- મર્યાદા પુરષોત્તમ શ્રીરામનો રાજ્યાભિષેક
- માં દુર્ગાની ઉપાસનાની નવરાત્ર વ્રતનો પ્રારંભ
- મહર્ષિ દયાનંદ દ્વારા આર્ય સમાજની સ્થાપનાનો દિવસ
- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં સસ્થાપક કેશવ બલીરામ હેડગેવારજીનો જન્મદિવસ
- શીખોના દ્વિતીય ગુરૂ અંગદ દેવજીનો જન્મદિવસ
- સિંધ પ્રાંતના પ્રસિદ્ધ સમાજ રક્ષક વરુણાવતાર સંત ઝૂલેલાલજીનો પ્રગટ દિવસ
આટઆટલા મહત્વ ધરાવતા હિન્દુ વર્ષ પ્રતિપદાને ભારતમાં જુદી જુદી જગ્યાએ વિવિધ રીતે ખૂબ આનંદ અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે. જેમકે મહારાષ્ટ્રના કોકણ વિસ્તારના લોકો આ તહેવારને “સંવત્સર પાડવો” નામે ઉજવે છે જયારે કશ્મીરમાં તે નવરેહ નામથી ઓળખાય છે. આંધ્રપ્રદેશ અને કર્નાટકમાં યુગાદી કે ઉગાદી તરીકે ઉજવાય છે. યુગાદી શબ્દ યુગ અને આદિ શબ્દોની સંધિથી બનેલો છે. જયારે મહારાષ્ટ્રમાં ગુઢી પાડવા તરીકે તે ઉજવાય છે. આ દિવસે ઘરે ઘરે ગુઢી ઉભી કરવામાં આવે છે. મરાઠીમાં ગુઢીનો અર્થ વિજય પતાકા એમ થાય છે. જયારે તેલગુમાં ગુઢીનો અર્થ લાકડી કે લાઠી એમ થાય છે.
એક માન્યતા એવી છે કે આ દિવસે શ્રી રામજીએ વાનરરાજ બાલીના અત્યાચારી શાસનથી દક્ષિણની પ્રજાને મુક્તિ અપાવી હતી. બાલીના ત્રાસથી મુક્ત થયેલી પ્રજાએ ઘરે ઘરે ઉત્સવ ઉજવી ધ્વજ કે પતાકા (ગુઢી) ફરકાવ્યા હતા.
(વાલ્મિકીકૃત રામાયણનો શ્લોક)
ततोऽभयवकिरंस तव अन्ये लाजैः पुष्पैश च सर्वतः
समुच्छ्रितपताकास्तु रथ्याः पुरवरोत्तमे ||
ततो हय अभ्युच्छ्रयन पौराः पताकास्ते गृहे गृहे
ऐक्ष्वाकाध्युषितं रम्यम् आससाद् पितुर्गृहम् ||
મધ્યયુગમાં આ ઉત્સવ રાજા અથવા જેના આધિપત્યમાં સાત ગામ હોય તેવા અધિપતિ દ્વારા ગુઢી ઉભી કરવામાં આવતી પરંતુ વર્તમાન સમયમાં ઘરે ઘરે અને આંગણે આંગણે ગુઢી ઉભી કરવા આવે છે અને તેથી આ દિવસ ગુઢી પાડવા તરીકે ઓળખાય છે.
આંધ્રપ્રદેશમાં આ દિવસે તીર્થ રૂપે “પચ્ચડી/પ્રસાદમ” વહેંચવામાં આવે છે. જયારે મહારાષ્ટ્રમાં પણ ગુઢી ઉભી કરી પ્રસાદ સ્વરૂપે ગોળ, ધાણા અને લીમડાના પાન વહેંચવામાં આવે છે. આપણા પ્રાચીન આયુર્વેદના નિયમોનુસાર ઉપરોક્ત વસ્તુઓના સેવનથી મનુષ્ય નીરોગી બને છે, તેનું પાચન તંત્ર સુધરે છે. પિત્તનાશ થાય છે. તથા ચર્મરોગ પણ દુર થાય છે. મહારાષ્ટ્રમાં આ દિવસે ઘરે ઘરે પૂરણપોળી બનાવવામાં આવે છે. આજકાલ બજારમાં બારેમાસ કેરી મળે છે. પરંતુ આંધ્રપ્રદેશ, કર્નાટક અને મહારાષ્ટ્રમાં તેને ખાવાની શરૂઆત વર્ષ પ્રતિપદાથી જ થાય છે.
ગુઢી પાડવાનો દિવસ
ચૈત્ર સુદ પ્રતિપદાના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન ઈત્યાદી કર્મ કરી સૂર્યોદય પછી ગુઢી ઉભી કરવામાં આવે છે. ગુઢી માટે ઊંચા અને સ્વચ્છ બાંબુ કે લાઠીનો ઉપયોગ થાય છે. તેના ઉપરના છેડે રેશમી વસ્ત્ર અથવા સાડી પરિધાન કરી. ફૂલોનો હાર અને પતાશાની માળા વડે લીમડાની ડાળી અને આંબાના પાનને બાંધવામાં આવે છે. ત્યારબાદ તેની ઉપર તાંબા કે ચાંદીનું પાત્ર મુકવામાં આવે છે.
ગુઢી જ્યાં ઉભી કરવાની હોય તે જગ્યાને સ્વચ્છ કરી ત્યાં સુંદર રંગોળી બનાવી તેના પર આસન મૂકી તે ઉપર ગુઢીને ઉભી કરવામાં આવે છે. આજકાલ ફ્લેટમાં રહેતા લોકો ગુઢીને અગાશીમાં કે બાલ્કનીમાં પણ ઉભી કરતા હોય છે.
ગુઢીને આસન પર ઉભી કર્યા પછી તેની સામે દીવો, અગરબતી લગાવી તેની ગંધ, ફૂલ અને અક્ષતા વડે પૂજા કરવામાં આવે છે ત્યારબાદ તેને ભાવપૂર્વક દૂધ ખાંડ કે પેડાનો નૈવેધ બતાવવામાં આવે છે. સાથે વિઘ્ન હર્તા ગણેશજી તથા કુળદેવતાનું સ્મરણ કરવામાં આવે છે તથા ગુરૂ ને વડીલોના પગે લાગી તેમનો આશીર્વાદ લેવામાં આવે છે. આ દિવસે બ્રામ્હણ પાસેથી પંચાગ શ્રવણ એટલે વર્ષફળ શ્રવણ કરવામાં આવે છે. જે આ મુજબ હોય છે.
“तिथेश्च श्रीकरं प्रोक्तं वारादायुष्यावर्धनम् |
नक्षत्राद्धरते पापं योगाद्रोगनिवारणम् ||
करणाच्चिन्तितं कार्यं पञ्चाङ्गफ़लमुत्तमम् |
एतेषां श्रवणान्नित्यं गङ्गास्नानंफलं लभेत्||”
અર્થ : તિથિના શ્રવણથી લક્ષ્મી પ્રસન્ન થાય છે. વારના શ્રવણથી આયુષ્ય વધે છે. નક્ષત્ર શ્રવણથી પાપનાશ થાય છે. યોગ શ્રવણથી રોગ જાય છે. કરણ શ્રવણથી ઈચ્છિત કાર્ય સફળ થાય છે. આમ આ પંચાગ શ્રવણ ઉત્તમફળ આપે છે. તેના શ્રવણથી ગંગા સ્નાન જેટલું પુણ્ય મળે છે.
બપોરે ગુઢીને પૂરણપોળી કે બીજી મીઠી વાનગીઓથી સજ્જ ભોજનના થાળનો નૈવેધ અર્પણ કરવામાં આવે છે અને સાંજે સુર્યાસ્ત સમયે ફરી એકવાર ગુઢીને હળદર-કંકુ, ફૂલ તથા અક્ષતા વડે પૂજા કરી તેને શ્રદ્ધાપૂર્વક આસન પરથી ઉતારી લેવામાં આવે છે.
ખરેખર ચૈત્ર શુક્લનો આ પવિત્ર દિવસ માત્ર વૃક્ષોને નવપલ્લવિત કે લતાઓને પુષ્પિત કરતો નથી પરંતુ આપણા હૃદયને પણ અનેરા ચૈતન્યથી સંચિત અને હર્ષિત કરતો હોય છે. વડોદરા ખાતે અમારા “એકદંત રંગોળી ગ્રુપ” દ્વારા વર્ષ પ્રતિપદા નિમિતે સહુના હ્રદયમાં આનંદ ને ઉત્સાહના રંગો ભરી દેવા ભવ્ય દિવ્ય રંગોળીનું આયોજન કરવામાં આવે છે. ઈ.સ. ૨૦૧૭માં બનાવેલ ૫૧ મીટર લાંબી રંગોળીનો વિડીયો આપેલ લીંકને ક્લિક કરી નિહાળી શકો છો.
આપ સહુને ખબર પત્રી પરિવાર તરફથી વર્ષ પ્રતિપદાની હાર્દિક શુભેચ્છાઓ
પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે