અમદાવાદ : જામનગરમાં શાક માર્કેટ પાસે આવેલા દેવુભાના ચોક વિસ્તારમાં આજે અચાનક બે માળનું એક મકાન ધરાશાયી થતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ધરાશયી થયેલા મકાના કાટમાળ નીચે સાત જણાં દબાઇ ગયા હતા, જે પૈકી બે જણાંના કરૂણ મોત નીપજયા હતા, જયારે અન્ય ચાર લોકને બચાવી લેવાયા હતા. જો કે, હજુ એક વ્યક્તિ દબાયેલો છે અને તેને બહાર કાઢવાની કામગીરી મોડી સુધી ચાલી હતી. સમગ્ર દુર્ઘટનાને લઇને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરીમાં મદદરૂપ બન્યા હતા. તો, સાથે સાથે ફાયરબ્રિગેડ અને પોલીસ જવાનોએ પણ આવી ત્યાં પરિસ્થિતિ સંભાળી લીધી હતી. જામનગરમાં શાક માર્કેટ પાસે આવેલા દેવુભાના ચોક વિસ્તારમા આવેલું આ મકાન બે માળનું હતું.
તે અન્ય કોઇ કારણોસર ધરાશાયી થયું હતું. પરંતુ મકાનનું રિનોવેશન કામ ચાલી રહ્યું હોવાથી મુસ્લિમ પરિવાર અને કડિયાઓ અંદર કામ કરી રહ્યા હતા. તે દરમ્યાન મકાન ધરાશયી થવાની ઘટના બની હતી. મકાન ધરાશયી થયા બાદ બચાવ કાર્યમાં એનડીઆરએફની ટીમ પણ જાડાઇ હતી. બચાવકાર્યમાં જોડાયેલા અને નજરે જોનાર મકાન માલિકના કૌટુંબિક ભાઇ સલીમભાઇએ જણાવ્યું હતું કે, આ મકાન મારા કૌટુંબિક ભાઇ અનવરભાઇ દાઉદભાઇ ગંઢારનું છે. મકાન ધરાશાયી થયું ત્યારે નીચે ટોટલ સાત લોકો દબાયા હતા.
જેમાં આગળના ભાગેથી ત્રણ છોકરીઓને બચાવી લેવાઇ હતી અને પાછળના ભાગેથી એક વ્યક્તિને બચાવી લેવાઇ હતી. મકાનનું રિનોવેશન ચાલી રહ્યું હોવાથી મારા ભાઇનો પરિવાર અને કડિયાઓ અંદર કામ કરી રહ્યા હતા. જેમાં મારા ભાઇ સહિત બે વ્યક્તિ દટાયા હતા. દરમ્યાન જામનગર ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઇએ જણાવ્યું હતું કે, બે માળની ઇમારત ધરાશાયી છે. જેમાં બે દબાયેલા બે વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે એક વ્યક્તિ જોવા મળી રહ્યો છે પરંતુ તેની ઉપર આખુ મકાન હોય તેથી કાટમાળ દૂર કરી રહ્યા છીએ. સાંકડી ગલી હોય જેસીબી કે ક્રેન અંદર આવી શકે તેમ નથી, આજુબાજુના મકાનો પણ જર્જરિત થઇ ગયા છે. તેને પણ સમારકામ કરવાની સૂચના આપી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટથી ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ પણ મદદે આવી પહોંચી હતી.