ગેરકાનુની ગતિવિધી અટકાયત સુધારા બિલ ૨૦૧૯ સંસદના વર્તમાન સત્રમાં પાસ થઇ ગયા બાદ હવે દેશના જાણકાર લોકો અને સામાન્ય લોકોમાં પણ ચર્ચા છે કે ત્રાસવાદ પર અંકુશ મુકવાની દિશામાં વધારે મજબુત પહેલ થઇ ચુકી છે. આ બિલ પસાર થઇ ગયા બાદ ત્રાસવાદ પર અંકુશ મુકાશે કે પછી તેનો દુરુપયોગ વધી જશે તેને લઇને હવે નવી ચર્ચા રાજકીય વર્તુળોમાં અને સામાન્ય લોકોમાં જોવા મળી રહી છે. આ બિલ વર્તમાન સત્રમાં પાસ કરી દેવામાં આવ્યુ છે. સરકાર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે આ કાયદામાં ફેરફાર કરવામા આવ્યા બાદ ત્રાસવાદી ગતિવિધીમાં સામેલ રહેલા લોકોની સરળ રીતે ધરપકડ કરી શકાશે. બીજી બાજુ વિપક્ષ અને માનવ અધિકાર સાથે જાડાયેલા લોકોનુ કહેવુ છે કે સરકાર આનો દુરુપયોગ કરનાર છે.
આનો વિરોધ કરનાર લોકોનુ એમ પણ કહેવુ છે કે નાગરિકોના અધિકાર આના માટે ઘટી જશે. કેટલીક બાબત હવે બદલાઇ ચુકી છે. યુએપીએ કાનુન ૧૯૬૭માં આવ્યુ હતુ. સમયની સાથે ત્રાસવાદના તૌર તરીકા બદલાઇ જવાના કારણે કાનુનમાં ૨૦૦૪માં પ્રથમ અને ૨૦૦૮માં બીજી વખત સુધારા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ૨૦૧૩માં ત્રીજી વખત પણ કાનુનમાં સુધારા કરવામાં આવ્યા હતા. આ તમામ સુધારા કોંગ્રેસના નેતૃત્વવાળી સરકારો દ્વારા કરવામાં આવ્યા હતા. પહેલાના કાનુનમાં ત્રાસવાદી ગતિવિધીમાં સામેલ રહેલી સંસ્થાને ત્રાસવાદી જાહેર કરવાની વ્યવસ્થા અને જાગવાઇ હતી પરંતુ વ્યક્તિને ત્રાસવાદી જાહેર કરવાની જોગવાઇ ન હતી. હવે સરકારની પાસે કોઇ વ્યક્તિને પણ ત્રાસવાદી જાહેર કરવાની સત્તા રહેશે. સરકારની રજૂઆત છે કે ઘટનાને અંજામ કોઇ સંસ્થા નહીં બલ્કે વ્યક્તિ આપે છે જેથી તેની સામે કાર્યવાહી કરવાની બાબત સૌથી ઉપયોગી છે. સરકારીની એવી રજૂઆત પણ રહી છે કે જો સંસ્થાને ત્રાસવાદી જાહેર કરવામાં આવે છે તો સંબંધિત સંસ્થા તેને બંધ કરીને નવી સંસ્થા ખોલી કાઢે છે.
તેના પર પ્રતિબંધ મુકવામાં આવે તો ત્રીજી સંસ્થા ખોલી નાંખે છે. જ્યાં સુધી વ્યક્તિને ત્રાસવાદી તરીકે જાહેર કરવામાં આવશે નહીં ત્યાં સુધી તેમના કામ અને તેમના ઇરાદા પર અંકુશ મુકવાની બાબત શક્ય રહેશે નહીં. સરકાર કોઇને પણ ત્રાસવાદી જાહેર કરી શકે છે તેવી આશંકા કરનાર લોકોના પ્રશ્નના જવાબમાં કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહનો જવાબ એ છે કે આના માટે પ્રક્રિયામાં ચાર મુદ્દા સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે કોઇ ત્રાસવાદી ગતિવિધીમાં ભાગ લે છે, ત્રાસવાદ માટે તૈયારી કરવામાં મદદ કરે છે અથવા તો ત્રાસવાદમાં વધારો કરે છે તેની કાર્યયોજનામાં મદદ કરે છે ત્યારે તે વ્યક્તિને ત્રાસવાદી જાહેર કરી શકાય છે. ગેરકાનુની ગતિવિધી નિવારણ કાનુનનો સરકાર હવે દુરુપયોગ કરશે તેવા પ્રશ્નના જવાબમાં શાહ કહે છે કે આ પ્રકારના આક્ષેપ આધારવગરના છે.
અપીલ માટે સરકારની કમિટી બનાવવામાં આવી છે. અહીં અરજી ફગાવી દેવામાં આવે તો હાઇકોર્ટના સેવાનિવૃત જજના નેતૃત્વમાં સમિક્ષા કમિટિ પણ બનાવવમાં આવી છે. જે તેના પર વિચારણા કરનાર છે. જો ત્યાં પણ સંતોષ ન થાય તો હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં સંબંધિત વ્યક્તિ અપીલ કરી શકે છે. એવી શંકા પણ કેટલાક લોકો રાખી રહ્યા છે કે એકાએક કોઇ પુછપરછ વગર પર ત્રાસવાદી જાહેર કરી દેવામાં આવશે. આ પ્રશ્નનો જવાબ શાહ આપતા કહે છે કે જો કોઇ ઉપલબ્ધ જ નથી તો તેની પુછપરછ કઇ રીતે કરી શકાય છે.
આવુ કરીશુ તો હાફિજ સઇદ અને દાઉદ ઇબ્રાહિમ જેવા અપરાધી અને ત્રાસવાદીઓને યુએનની જાહેરાત બાદ પણ ત્રાસવાદી ઘોષિત કરી શકાશે નહીં. પરંતુ જ્યારે વ્યક્તિ સામાન્ય રીતે હાજર હોય છે ત્યારે તેની પુછપરછના આધાર પર જ કોઇ નિર્ણય કરવામાં આવી શકે છે. પુરાવા એકત્રિત કરવામાં આવ્યા બાદ જ કાર્યવાહી કરવામાં આવનાર છે. એક આશંકા એવી છે કે તપાસ હવે એસપી અને ડેપ્યુટી એસપીના સ્તર પર થશે. જો કે કોર્ટમાં હાજર રહેવા માટે ઇન્સ્પેક્ટર સ્તરના અધિકારીને કામ સોંપાયુ છે. એનઆઇએમાં આશરે ૩૦ એસપી જ રહેલા છે. જેથી તપાસ અધિકારીના સ્તરને ઘટાડી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ પાયાવગરના છે.