અત્યાર સુધી….
અંજામ અને સ્વીકૃતિનું બોન્ડિંગ મજબૂત થઈ રહ્યું હતું. એકલતા અને ગમગીનીના સંજોગોમાં મળેવા બે તૂટેલા દિલ એકબીજાને જોડી તો રહ્યા હતા પણ સ્વીકારી રહ્યા ન હતા. થોડા સમય પછી અંજામના જન્મદિનની ઊજવણીનું સિક્રેટ પ્લાનિંગ થઈ રહ્યું હોય છે. બર્થ ડે સેલિબ્રેશનની પાર્ટીમાંથી પાછા વળતી વથતે રાજશ્રી અંજામને આગળ વધવા કહે છે, જ્યાં તેનો ઈશારો સ્વીકૃતિ સાથે પ્રભુતામાં પગલા પાડવા સંબંધી હોય છે. જે બાબતે એ ત્રણેય વચ્ચે નાની તકરાર જેવું થઈ જાય છે. સ્વીકૃતિ સમયની નજાકત અને માંગ સમજીને પોતાને સાબિત કરવા 10 દિવસની માંગ કરે છે અને અંજામ તેના મામટે તૈયાર થઈ જાય છે. હવે આગળ…..
પ્રકરણ 11
એ પછીના 10 દિવસો ખૂબ જ આનંદમય રહ્યાં, ખાસ કરીને સ્વીકૃતિ માટે. સવારથી સાંજ સુધી અંજામ અને સ્વીકૃતિ સાથે જ રહેતા. સ્વીકૃતિને આપેલા વચન પ્રમાણે તે પોતે પણ સ્વીકૃતિને સહકાર આપી રહ્યો હતો. ધીમે ધીમે હવે તેનામાં પણ ક્યાંક ને ક્યાંક ફરીથી જીવવાની ઈચ્છાની કૂંપળ ફૂટી હતી. હવે બંને સાંજે ઓફિસથી છૂટી ક્યાંક ને ક્યાંક ફરવા નીકળી જતા. ક્યારેક રિવરફ્રન્ટ તો ક્યારેક કોટેશ્વર મહાદેવ, ક્યારેક આલ્ફા વનમાં શોપિંગ માટે તો ક્યારેક લાલદરવાજા ભદ્રકાળી દર્શન કરવા જતા. દિવસ દરમિયાનનો થાક બંનેને એકબીજાની કંપનીમાં ક્યાંય ગુમ કરી દેતો. ક્યારેક સ્વીકૃતિ અંજામને ગળે લાગવાના ઈરાદાથી તેની જાણ બહાર તેની નજીક આવવાનો પ્રયાસ કરતી પણ અંજામ તેને દૂર ખસેડી દેતો. તે કહેતો કે હજી પણ તેને સ્વીકૃતિને અને તેની સાથેના બોન્ડિંગને સમજવા થોડો સમય જોઈએ છે. બીજી તરફ સ્વીકૃતિ પણ રાજીખુશીથી કોઈ પણ વિતર્ક કે દલીલ વગર તેને પૂરેપૂરો સમય આપતી.
ધીમે ધીમે સ્વીકૃતિની મહેનત રંગ લાવી રહી હતી. તેના પ્રેમની અસર વર્તાઈ રહી હતી. આખરે એ દિવસ આવી ગયો, જેના માટે કદાચ સ્વીકૃતિ પણ જીવતા શીખી ગઈ હતી. 25 સપ્ટેમ્બરે સ્વીકૃતિનો જન્મદિવસ હતો. અંજામે ઓફિસના તમામ સ્ટાફને 2 વાગ્યા સુધી જ ઓફિસ ચાલુ રહેશે એમ જણાવી દીધેલું. સવારથી તે સ્વીકૃતિને ઓફિસ ડ્રોપ કરીને ક્યાંક ચાલ્યો ગયો હતો. ઓફિસમાં બધાએ આવતાવેંત તેને બર્થડે વિશ કર્યુ હતું પણ અંજામને જાણે યાદ જ ન હતું. તમામ સ્ટાફ પણ એકાદ વાગતા સુધીમાં ઓફિસથી નીકળી ગયા હતા. લગભગ બાર વાગ્યે સ્વીકૃતિને તેણે ફોન કર્યો અને જણાવ્યુ, “બે વાગ્યે હોટેલ પાઈન સિલ્વરમાં એક મીટિંગ છે તો તારે ત્યા આવવાનું છે. હું કેબ બુક કરાવી દઉં છું. ત્યાં પહોંચીને મને કોલ કરજે.”
*******
બપોરના પોણા બે થયા હતા. સ્વીકૃતિ હોટલ પાઈન સિલ્વર પહોંચી ચૂકી હતી. તેણે તરત જ અંજામને કોલ કરીને તેના કરન્ટ લોકેશન વિશે જણાવ્યું. અંજામે તે પછી કોલ ડિસક્નેક્ટ કરીને તેને એક મેસેજ વોટ્સએપ કર્યો.
“રિસેપ્શન કાઉન્ટર પરથી તારા નામ પર એક પાર્સલ છે. તેમાં મીટિંગના ડ્રેસ કોડ પ્રમાણેનો ડ્રેસ છે. એ પહેરીને સેકન્ડ ફ્લોર પર ગોલ્ડન પર્લ કોન્ફરન્સ હોલ છે એમાં આવજે.”
સ્વીકૃતિએ તરત રિસ્પ્શન પરથી પાર્સલ લીધુ અને ડ્રેસ ચેન્જ કરવા વોશરૂમ તરફ ગઈ. પાર્સલમાં એક પીચ કલરનું નેટવાળું ફુલ સ્લીવ વનપીસ હતું. પહેલા તો સ્વીકૃતિ સમજી ન શકી પણ તેણે બાકી બધું પડતું મૂકીને અંજામની વાતને અનુસરવું જરૂરી સમજ્યું. પોતા પર્સમાં રહેલી મિની મેકઅપ કીટમાંથી લિપસ્ટિક કાઢીને તેણે હોઠ પર લગાવી અને એકદમ લાઈટ મેકઓવર કર્યો. હોટલની પરફેક્ટ લાઈટિંગ કન્ડિશનમાં સ્વીકૃતિ કોઈ પરી જેવી લાગી રહી હતી. સેકન્ડ ફ્લોર પર આવીને તેણે સામે જ ગોલ્ડન પર્લ કોન્ફરન્સ રૂમ જોયો. રૂમને એકાદ બે વાર ખખડાવી જોયું પણ કોઈ રિપ્લાય ન મળતા તે અંદર ગઈ. કોન્ફરન્સ રૂમની બધી જ લાઈટો બંધ હતી. સામેની ચેર પર કોઈ બેઠું હોય તેવું તેને જણાયું જોકે રૂમની પીઓપી સિલિંગની લાઈટના એકદમ ડીમ અજવાળામાં તેને કઈં ખાસ દેખાયું નહીં. સૌથી પહેલા સ્વીકૃતિએ સ્વિચબોર્ડ શોધવાનું કામ હાથ ધર્યુ. જેવી તેણે સ્વિચ ચાલુ કરી કે તરત જ એક સાથે બધાએ જોરથી “સરપ્રાઈઝ” કરીને ચીસ પાડી અને એ પછીની પાંચ મિનિટ માટે તો સ્વીકૃતિ જાણે મૂર્તિ બની ગઈ હતી. ઓફિસનો વહેલો નીકળેલો તમામ સ્ટાફ અહીં હાજર હતો. ખાન, જાનવી, નૈનેષ, નેહા, હેલી, રાજશ્રી બધા જ હાજર હતા. સ્વીકૃતિ પોતાના મોં પર હાથ દબાવીને જ બેસી ગઈ કારણ કે તેને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે તેને આવું સરપ્રાઈઝ મળશે. તેની ધડકન તેજ થઈ ગઈ હતી અને સામે અંજામ બેઠો બેઠો મંદ મંદ મુસ્કુરાઈ રહ્યો હતો. સ્વીકૃતિની આંખમાં ખુશીના આંસુ આવી ગયા. હવે એ આંસુ આ સરપ્રાઈઝ માટે હતા કે જે સ્મિત તે અંજામના ચહેરા પર લાવવા માટે મથી રહી હતી, એ સ્મિત આવવાની ખુશીમાં હતા એ નક્કી કરવું મુશ્કેલ હતું. ત્યાર પછી બધાએ ભેગા મળીને કેક કાપી. હવે વારો ગિફ્ટનો હતો. સ્ટાફમાં દરેકે કઈંક ને કઈંક ગિફ્ટ આપી હતી પણ અંજામ હજી સુધી ચૂપ હતો. તેના ચહેરાના ભાવ હજી પણ એવા જ હતા…મંદ સ્મિત સાથે મંત્રમુગ્ધ કરી દે એવા…
“ગિફ્ટ નહી આપે મને ???”, સ્વીકૃતિએ અંજામને પૂછ્યું.
“નહિ ચાલે એના વગર ???”, અંજામે સામો પ્રશ્ન કર્યો.
“જરાય નહિ”, ઉડતી દલીલ આવી.
“પણ ટેમ્પરરી જ છે. બે મિનિટ જ ચાલે એવી”, અંજામે ફરી સવાલ મૂક્યો.
“તુ આપીશ તો બે સેકન્ડ માટે હશે તો પણ ચાલશે”, વળતા પ્રહારમાં વધુ મજબૂત જવાબ મળ્યો.
“આંખ બંધ કર”.
સ્વીકૃતિએ આંખો બંધ કરી. બે સેકન્ડ પછી તેને પોતાના શરીરની આજુબાજુ કોઈ ઘેરાવો મહેસૂસ થયો અને એ જ સેકન્ડે જોર જોરથી તેના કાનમાં સિટીઓ વાગવાનો અને ચીસોનો અવાજ સંભળાયો. જેવી તેણે આંખ ખોલી કે પોતાને તેણે અંજામના બાહુપાશમાં ઘેરાયેલી જોઈ. છેલ્લા દસેક મહિનાની ઓળખાણ અને ચારેક મહિનાની નજદીકી ઉપરાંત છેલ્લા દસેક દિવસના યાદગાર સમય બાદ પહેલી વાર અંજામે તેને સ્પર્શ કર્યો હતો. તે પોતાની જાતને રોકી ન શકી. વરસોથી વરસાદની રાહ જોતું ચાતક જેમ મોસમના પહેલા વરસાદની પહેલી બૂંદને ઝીલવા તત્પર હોય, એમ તે અંજામને વળગી પડી હતી. કોઈ તરસ્યા હરણને જાણે ભટકતા ભટકતા જંગલમાં જેમ જળ મળી જાય અને જે આહ્લાદક આનંદની અનુભૂતિ થાય તેની અનુભૂતિ સ્વીકૃતિના ચહેરા પર જણાઈ રહી હતી. શક્ય તેટલા જોરથી તેણે અંજામને પકડી રાખ્યો હતો જાણે કે તે એ બે મિનિટ દરમિયાનની એક એક પળને કેદ કરી લેવા માંગતી હોય. ત્યાં ઊભેલા દરેક લોકોના ચહેરા પર અંજામ અને સ્વીકૃતિ માટે ખુશીના ભાવ હતા. ધીમે ધીમે તેઓ કોન્ફરન્સ રૂમની બહાર જવા લાગ્યા. બીજી તરફ સ્વીકૃતિની આંખો અવિરતપણે વહી રહી હતી અને અંજામ મંદ સ્મિત સાથે તેના માથે પ્રેમથી હાથ ફેરવીને તેને શાંત પાડી રહ્યો હતો. ધીમે રહીને તેણે સ્વીકૃતિને પોતાનાથી દૂર કરી અને ગોળ ફરવા કહ્યું. સ્વીકૃતિ હજી પણ જાણે કોઈ સ્વપ્નમાં જ હોય તેમ સ્થિર હતી તેથી અંજામે જાતે જ તેને ફેરવીને તેના વાળ પીઠ પરથી તેના ખભા તરફ આગળ કર્યા. પોતાના કોટના જમણા પોકેટમાંથી તેણે એક સુંદર દિલ આકારવાળું લોકેટ કાઢ્યું, જેમાં તેની સાથે બે નાની ઈયરરિંગ્સ પણ હતી. પોતાના હાથેથી તેણે સ્વીકૃતિને લોકેટ પહેરાવ્યું અને ફરીથી તેનો ચહેરો પોતાની તરફ લાવીને તેના હાથમાં ઈયરરિંગ્સ મૂકી તેને પહેરવા ઈશારો કર્યો. સ્વીકૃતિએ ત્યારે જ એ ઈયરરિંગ્સ પહેરી લીધી અને એક માદક સ્મિત લહેરાવ્યું. અંજામે તેનો ચહેરો પોતાના બંને હાથમાં પકડ્યો, પોતાની નજીક લાવીને હળવેકથી તેના કપાળ પર એક નાનું ચુંબન કર્યું અને ફરીથી સ્વીકૃતિ એક વાર તેને ગળે વળગી પડી.
“એક નાનકડી ભેટ એ જિંદગી માટે, જેણે પોતાની તમામ જિંદગી મારા નામે કરી દીધી છે. સ્વીકૃતિ, સમય જોઈશે હજી પણ મને. આ ફક્ત એક પળ હતી જેમાં કદાચ તને મારા પ્રેમની અનુભૂતિ થઈ હશે. હજી આખી જિંદગી છે તારી અને મારી પાસે પણ મને જરૂર છે હજી થોડા સમયની. આપી શકીશ….”, અંજામે સ્વીકૃતિને પૂછ્યું.
“જો તુ જીવવા તૈયાર હોય તો આખી જિંદગી સમય આપવા તૈયાર છું.” સ્વીકૃતિએ હજી પણ અંજામને જકડી રાખ્યો હતો.
“સારુ ચાલ, વન્સ અગેઈન હેપ્પી બર્થ ડે. ખાનએ કેબ બોલાવી દીધી છે. મારે હજી પેમેન્ટ અને બીજી ફોર્માલિટિઝ હજી પૂરી કરવામાં વાર લાગશે. હું સાંજે મળું છું તને.”, એમ કહીને અંજામે સ્વીકૃતિને જવા કહ્યું. –અને હા, થોડી વાર રહીને વોટ્સએપ ચેક કરી લેજે… જે નથી કહી શક્યો એ મેસેજમાં કહી દીધુ હશે.”
અને સ્વીકૃતિ કેબ તરફ રવાના થઈ તો અંજામ બાકીની ફોર્માલિટિઝ પૂરી કરવા ગયો. તમામ કામ પતાવીને કાર ઘરે પાર્ક કરીને હંમેશ પ્રમાણે તે પોતાનું એક્ટિવા લઈને બહાર જવા નીકળ્યો.
*******
(અનુસંધાન પ્રકરણ-1થી ચાલુ….)
ચાલીસ સેકન્ડમાં સ્વીકૃતિએ એક જ ઝાટકે એણે ત્રણેય મેસેજ વાંચી નાખ્યા અને એક આછા સ્મિત સાથે તેના ડિમ્પલ વાળા ગાલ પર એક આંસુ સરકી પડ્યું અને એ ખંજનના ખાડા પાસે આવીને અટકી ગયું.
પહેલા મેસેજે તો સ્માઈલ લાવી દીધી એના હોઠ પર પણ બાકીના બે ફિલ્મી ડાયલોગ ટાઈપ મેસેજ વાંચતાની સાથે જ સ્વીકૃતિના મનમાં ફાળ પડી. અંજામ લગભગ પોતાના હસમુખા સ્વભાવથી એને હસાવવાનો પ્રયાસ કરતો અને ઘણી વખત એ જ રીતે મજાક મજાકમાં કડવું સત્ય પણ ટપકાવી દેતો. છેલ્લા મેસેજનું છેલ્લું વાક્ય વાંચતા જ તેની આંગળીઓ ફોનના ડાયલર સુધી પહોંચી ગઈ અને બરાબર એ જ સમયે ફરી વાર એ જ અજાણ્યા નંબર પરથી તેને ફોન આવ્યો. ખિજાઈને તેણે જેવો ફોન રિસીવ કર્યો અને તેનો ફોન એમ્બ્યુલન્સની સાયરનના અવાજથી ધ્રૂજી ગયો.
“હલો…હલો… કોણ છે ??… કોનું કામ છે….??”, ચિડાયેલી સ્વીકૃતિએ વીજળીવેગે સવાલોનો મારો ચલાવ્યો.
“સ્વીકૃતિ મેડમ બાત કર રેલે હૈ…??” સામેથી કોઈએ લુખ્ખા છાપ ભાષામાં વાત કરી.
“હા. મૈ હી હૂં.. બોલો ક્યા કામ હૈ..”
“ઈધર વિરાટનગર ક્રોસ રોડ પે કોઈ સાહબ હૈ, ઊનકા એક્સિડેન્ટ હો ગયા હૈ… ઊનકો 108 મેં સવિતાબેન હોસ્પિટલ લે જા રહે હૈ ઔર મૈં ઈલ્માઝભાઈ બાત કર રહા હૂં, વો હી ચાર રસ્તે પે મેરી મટન કી દુકાન હૈ ઔર મેં સાહબ કા વોલેટ ઔર મોબાઈલ ફોન પુલિસ સ્ટેશન મેં જમા કરવા રહા હૂં. આપ વહાં સે લે લેના…
ઔર સાહબ કા નામ હૈ…”
“ઈધર વિરાટનગર ક્રોસ રોડ પે કોઈ સાહબ હૈ, ઊનકા એક્સિડેન્ટ હો ગયા હૈ… ઊનકો 108 મેં સિવિલ હોસ્પિટલ લે જા રહે હૈ ઔર મૈં ઈલ્માઝભાઈ બાત કર રહા હૂં, વો હી ચાર રસ્તે પે મેરી મટન કી દુકાન હૈ ઔર મેં સાહબ કા વોલેટ ઔર મોબાઈલ ફોન પુલિસ સ્ટેશન મેં જમા કરવા રહા હૂં. આપ વહાં સે લે લેના…
ઔર સાહબ કા નામ હૈ…” ઈલ્માઝભાઈના એક એક શબ્દ સાથે સ્વીકૃતિની ધડકન તેજ થઈ રહી હતી અને એના મનમાં એક જ ડર હતો કે અંજામે મજાકમાં કહેલી એ છેલ્લા મેસેજ વાળી વાત ક્યાંક સાચી ન પડી જાય.
“ઔર સાહબ કા નામ હૈ……અંજામ…”
અને સ્વીકૃતિના હાથમાંથી મોબાઈલ સરકી ગયો.
*******
થોડી વારમાં તથાગતનો આખો સ્ટાફ અને સ્વીકૃતિ સિવિલ કેમ્પસમાં હતા. 108 વાળા ડોક્ટર્સની ટીમે તેને તાકીદે ટ્રોમા સેન્ટરમાં શિફ્ટ કરી દીધો હતો જ્યાં અંજામની ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ હતી. હેલ્મેટના લીધે કોઈ ગંભીર ઈજા તો ન હતી પરંતુ જમણા હાથમાં થયેલા ફ્રેક્ચરના લીધે હાથમાં સળિયો આવેલો જ્યારે કપાળમાં જમણા ભાગે ઉપરની બાજુ ચારેક ટાંકા આવેલા હતા. નૈનેષે કેસની અને દવાની બધી ભાગદેડ સંભાળી હતી તો જાનવી અને સ્વીકૃતિ તેના વોર્ડની બહાર જ હતા. ખાને ઈલ્માઝભાઈની લારી પરથી બાકીની માહિતી મેળવી પોલિસ સ્ટેશનમાંથી તેનું વોલેટ અને આઈ.ડી પ્રૂફ કલેક્ટ કરી લીધા હતા. ધીમે ધીમે અંજામને હોશ આવી રહ્યો હતો. એનેસ્થેશિયાની અસર ધીમે ધીમે ઓછી થઈ રહી હતી અને સૂકાયેલા હોઠે તેણે ધીમે રહીને એક ઉચ્ચાર કર્યો…”સ્વીકૃતિ”.
અને પાસે જ બેઠેલી સ્વીકૃતિએ તેનો હાથ પોતાના હાથમાં લઈ લીધો. તેનો એક હાથ અંજામના હાથમાં હતો અને બીજો હાથ અંજામના કપાળે ફેરવી રહી હતી. અર્ધજાગૃતાવસ્થામાં પણ અંજામે સ્વીકૃતિનો હાથ એ રીતે મજબૂતીથી પકડ્યો હતો જાણે કે હવે તે ક્યારેય છૂટશે જ નહિ. સ્વીકૃતિ પણ હવે અંજામને એક નવા સફર પર પોતાની સાથે જોડીને લઈ જવા તત્પર હતી અને બે દિવસના આરામ બાદ એક નવા સફરની શરૂઆત થવાની હતી….
સફર એક યોગાનુયોગ બનેલા પ્રેમ સંબંધની,
સફર એક Unexpected Unbelievable Accidental Relationshipની…..
(ભાગ-1 સમાપ્ત)
- આદિત શાહ