અમદાવાદ : ગુજરાતના કુલ ૨૦૪ જળાશયોમાં ૪૩.૦૪ ટકા પાણીનો જથ્થો હાલ રહેલો છે. ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૧૬.૪૫ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૫૩.૫૬ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૫૩.૭૩ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૧૮.૫૪ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૨૦.૩૪ એમ રાજયમાં કુલ ૨૦૪ જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૪૩.૦૪ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. ગુજરાતમાં સાર્વિત્રક વરસાદના લીધે હજુ સુધી સિઝનનો ૬૩.૩૮ ટકા સુધીનો વરસાદ થયો છે. ગુજરાતમાં ગત વર્ષની સરખામણીમાં વરસાદમાં સતત ફેરફારની સ્થિતિ જાવા મળી રહી છે.
છેલ્લા ૨૪ કલાકની વાત કરવામાં આવે તો ૨૨ જિલ્લાઓના ૮૪ તાલુકામાં હળવો વરસાદ થયો છે. આજે સવારે છ વાગ્યાથી ૧૦ વાગ્યા વચ્ચેના ગાળામાં લીમખેડામાં ૪૦ મીમી, ક્વાંટમાં ૩૨ અને છોટાઉદેપુરમાં વધુ ૨૯ મીમી વરસાદ થયો હતો. ગુજરાતમાં વરસાદનો આંકડો સતત વધી રહ્યો છે. ૩૬ જળાશયો હવે ૨૫થી ૫૦ ટકા સુધી ભરાયા છે. ૧૦ જળાશયો છલકાઈ ગયા છે. અન્ય ૧૦ જળાશય ૭૦ ટકાથી વધુ ભરાઈ ગયા છે. ૧૭ જળાશયો ૫૦ ટકાથી ૭૦ ટકા ભરાયા છે.
સરદાર સરોવરમાં કુલ સંગ્રહશક્તિના ૬૯.૪૨ ટકા પાણી ભરાયું છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૯૦.૫૨ ટકા વરસાદ થયો છે. પુરગ્રસ્ત જિલ્લાઓમાં એનડીઆરએફની ટુકડી તૈનાત કરવામાં આવી છે. ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં હવે બીજાદોર વરસાદ શરૂ થઇ રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ માટે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પુરગ્રસ્ત જિલ્લાઓમાં બચાવ કામગીરીમાં એનડીઆરએફની ૧૭ ટીમ સ્ટેન્ડબાય કરાઈ છે.