अनगिनत अपमान को भूलना पडता है,
महादेव एऔऔएअरऐसे ही नही बने वो,
कई जहर को हलक से नीचे उतारना पडता है ||
એ અઘોરી છે, એ વૈરાગી છે, એ સ્મશાનમાં રહેનારો છે તેમ છતાંય સંસારના સમસ્ત જીવો જેની પાછળ પાગલ છે એવા આરાધ્ય દેવોના દેવ મહાદેવનો પ્રિય શ્રાવણ માસ આવી ગયો છે અને ખબરપત્રીના સહયોગથી હું આ શ્રાવણમાં આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું “મહાદેવ કી કહાની, અંજામ કી જુબાની”
ના તો એવી કોઈ કલમ છે જે મહાદેવનો મહિમા લખી શકે કે ના તો એવું કોઈ પુસ્તક જે મહાદેવનો મહિમા સંગ્રહી શકે, ના તો એવી કોઈ વાણી છે કે જે મહાદેવનો મહિમા ઊચરી શકે કે ના તો એવી કોઈ શાહી છે જે મહાદેવનો મહિમા ચીતરી શકે કારણ કે મહાદેવનો મહિમા પણ તેમની જેમ શાશ્વત અને અનંત છે. મહાદેવનો તેમના ભક્તો પ્રત્યેનો પ્રેમ અમાપ છે, કોઈ જ અપેક્ષા વગરનો. ભક્તોની ઈચ્છા પૂરી કરવી એ તેમની આદત છે પછી ભલે એ ભક્ત તે ઈચ્છાને પૂરી કરવા લાયક હોય કે ન હોય. શરત બસ એટલી કે દિલથી યાદ કરો અને એ અઘોરી તમારી સામે હશે.
સંસારની તમામ તર્જય બાબતો કે જેને જગતે ધૂત્કારી છે, એને મહાદેવે સ્વીકારી છે અને એટલે જ એ દેવાધિદેવ મહાદેવ છે. સાપ, સ્મશાન, મૃતદેહ, ઝેર, ભસ્મ, ચાંડાળ, મલેચ્છ, બળદ – આ તમામને જ્યારે દુનિયાએ ધૂત્કાર્યા ત્યારે મહાદેવે તેમને સ્વીકાર્યા. આજે તમારી સમક્ષ એક એવી જ વાર્તા રજૂ કરી રહ્યો છું જેમાં મહાદેવ પોતાને નફરત કરતા વ્યક્તિને પણ સ્વીકારીને તેને એક અગત્યનું સ્થાન આપે છે.
નાટ્યાચાર્ય એ મહાદેવના નિસ્વાર્થ ભક્ત હતા અને વર્ષોથી મહાદેવની પૂજા કરતા હતા. અસંખ્ય વાર મહાદેવે તેમને વરદાન માંગવા કહ્યું પણ તેઓ હંમેશા એ બાબતને નકારતા. એક વાર તેમણે મહાદેવ સમક્ષ તાંડવ નૃત્ય શીખવાની માંગ કરી. મહાદેવે એ વાતને સ્વીકારી તો લીધી પરંતુ જો મહાદેવ તાંડવ કરે તો સૃષ્ટિનો સંહાર થાય એમ હતું તેથી પાર્વતી દેવીએ તેમની સાથે લાસ્ય નૃત્ય કરવાનું નક્કી કર્ય. નૃત્યમાં મગ્ન એવા શિવના શરીરમાંથી એક પ્રસ્વેદબિંદુ નીકળ્યું, જેમાંથી મહાદેવની ઊર્જાના પરિણામ સ્વરૂપ એક શિશુનો જન્મ થયો. આ શિશુ મહાદેવના તાંડવાગ્નિનું હોવાને લીધે લોહ(રક્ત)વર્ણું હતું, જેને ધરતીમાતા (પૃથ્વીદેવી)એ સ્વીકારીને લોહિતાંગ નામ આપ્યું.
થોડા સમય બાદ અંધકાસુર નામના રાક્ષસે મહાદેવ અને પૃથ્વીને આશ્વસ્ત કરીને લોહિતાંગને દત્તક લેવા વિનંતી કરી. મહાદેવની આજ્ઞા પછી અંધકાસુર તેને પાતાળ લોકમાં લઈ તો ગયો પરંતુ તેણે લોહિતાંગના મગજમાં મહાદેવ અને તમામ દેવો વિશે નફરત ભરવાનું શરૂ કર્યુ જેથી તે ત્રિલોક પર રાજ કરવાના પોતાના મનસૂબામાં કામયાબ થાય. બીજી તરફ વિષ્ણુ યોગનિદ્રામાં જતાની સાથે જ અંધકાસુરે માતા લક્ષ્મી પર પોતાની કુદ્રષ્ટિ કરી અને ત્રણ વાર તેમનો હાથ પકડીને પાતાળલોકમાં આવવા જબરદસ્તી કરી, જેના પરિણામે મા લક્ષ્મીએ તેને શાપ આપ્યો કે તારા શરીરમાં ત્રણ ઘાથી મોત થશે અને મર્યા પછી પણ તને કળ નહિ વળે. તેમ છતા અંધકાસુરે પોતાની મર્યાદા લાંઘતા મહાદેવ અંધકાસુરનો ત્રિશૂળથી વધ કરે છે અને અંધકાસુરનું શરીર દૂર પર્વત પર ત્રિશૂળના ટેકે લટકી જાય છે. આ જાણીને લોહિતાંગ વધુ ક્રોધિત થાય છે અને કૈલાસ પર આક્રમણ કરવાનું નક્કી કરે છે.
મહાદેવ જાણતા હતા કે લોહિતાંગ તેમનો જ અંશ હતો અને તેને નકારાત્મક બનાવવામાં આવ્યો હતો એટલે તેનો વધ કરી શકાય એમ ન હતો. બીજી તરફ મહાદેવની દુખતી રગ જાણવાની ફિરાકમાં મહર્ષિ દધીચીના પુત્ર પિપ્પલાદ પાસે ગયેલો લોહિતાંગ જાણે અજાણે બાર જ્યોતિર્લિંગની વાર્તા જાણીને મહાદેવ તરફ આકર્ષિત થાય છે. પોતાની નફરત, મહાદેવના અંશ તરીકેનું પોતાનું અસ્તિત્વ, મહાદેવ તરફનું આકર્ષણ આ તમામ દ્વિધાની વચ્ચે તે કૈલાસ પર આક્રમણ કરે છે જ્યારે સામા પક્ષે મહાદેવ શસ્ત્ર તરીકે ડમરું અને સંગીતના વાદ્યોનો ઉપયોગ કરે છે. ડમરૂના નાદમાં અને સંગીતની સૂરાવલિ વચ્ચે ઘેરાયેલા લોહિતાંગની તમામ નકારાત્મકતા દૂર થઈ જાય છે અને તેને તેના તમામ સવાલોના જવાબ મળે છે.
છેલ્લે લોહિતાંગ મહાદેવને એક પ્રશ્ન પૂછે છે કે હે શિવ, હું આજીવન તમને નફરત કરતો રહ્યો, આટલો ગલત સમજતો રહ્યો તેમ છતાં તમે મારા ગુનાને માફ કરીને મને સ્વીકારી રહ્યા છો, કેમ… શા માટે….. અને મારું અસ્તિત્વ શુ… મારું મહત્વ શુ…. એક શિવાંશ હોવા છતા મારામાં આટલી નકારાત્મકતા કેમ…. શુ કોઈ સમાધાન નથી આ નકારાત્મકતા દૂર કરવાનું… શુ હું હંમેશા આટલો ઉગ્ર રહીશ…
ત્યારે મહાદેવ કહે છે કે, “હે લોહિતાંગ, પ્રેમ કે નફરત એ સામેવાળી વ્યક્તિના સમજવા પર આધારિત બાબત છે. તારી નફરત એ તારી પોતાની ન હતી, એ તારામાં ભરવામાં આવી હતી. તે મને એવો જ જાણ્યો છે જેવો તને હું જણાવવામાં આવ્યો હતો પણ જ્યારે પિપ્પલાદ પાસે તે બાર જ્યોતિર્લિંગની કથા જાણી અને તારામાં લેશમાત્ર મારા તરફ આકર્ષણ જાગ્રત થયું, તું શિવમય થવા લાગ્યો હતો. રહી વાત તારા ગુનાઓની તો જાણબહાર કે નાદાનીમાં કરેલી ભૂલ ગુના નથી કહેવાતી. તને સાચા રસ્તે લાવવા માટે અને તારી નકારાત્મકતા દૂર કરવા મારે સકારાત્મક ઊર્જાની જરૂર હતી, જે સંગીતમાં હતી. જો હું ફરી ત્રિશૂળ ઉપાડતો તો મહાદેવ પોતાના જ અંશને અન્યાય કરતા. વરસોથી તને ધૂત્કારવામાં અને અવગણવામાં આવ્યો છે તો એની ભરપાઈ સ્વરૂપે હું તને બ્રહ્માંડમાં ગ્રહમંડળમાં મંગળ ગ્રહની પદવી પર સ્થાપિત કરું છું. મેષ અને વૃશ્ચિક રાશિ પર તારું આધિપત્ય હશે. મારા તમામ ભૂતાદિક પ્રેતગણોનો તું સ્વામી બનીશ. સ્વભાવમાં ઊગ્રતા, નકારાત્મક શક્તિઓ અને વિચારો, ક્રોધ, હિંમત, હિંસા અને પરાક્મ આ તમામ બાબતોનો તું કારક બનીશ. વ્યક્તિના જન્મ સમયે ગોચરમાં રહેલુ તારું સ્થાન મહત્વપૂર્ણ ગણાશે. જન્મસમયે જો તું કુંડળીના પહેલા, ચોથા, સાતમા, આઠમા કે બારમા ભાવ પરથી પસાર થતો હોઈશ તો તે વ્યક્તિ માંગલિક કહેવાશે અને તેમના જીવનમાં તારો નકારાત્મક પ્રભાવ મહદંશે જોવા મળશે.”
તો આ હતી લોહિતાંગની વાર્તા જેને આપણે મંગળ ગ્રહ તરીકે ઓળખીએ છીએ અને આવા જ છે મારા શિવ જેને આપણે મહાદેવ તરીકે ઓળખીએ છીએ તો ચાલો ભજી લઈએ મહાદેવ ને ક્યોંકિ “શિવ મિલતે હૈ સાવન મેં”
- આદિત શાહ