અમદાવાદ : અમદાવાદ શહેરમાં બુધવારના દિવસે સરેરાશ ત્રણ ઇંચની આસપાસ વરસાદ થયા બાદ આજે ગુરૂવારના દિવસે પણ વરસાદી માહોલ અકબંધ રહ્યો હતો. સવારથી જ વરસાદ જારી રહેતા વાતાવરણમાં જોરદાર ઠંડક રહી હતી. ભારે વરસાદના એક દિવસ બાદ પણ નીચાણવાળા વિસ્તારોમાં કેટલીક જગ્યાએ તો પાણી સંપૂર્ણ રીતે ઉતર્યા નથી. સાથે સાથે પાણીના કારણે ચારેબાજુ ગંદકી અને કાદવ કિચડની સ્થિતી જોવા મળી રહી છે. બુધવારના દિવસો તો કેટલાક વિસ્તારોમાં ચાર ઇંચ કરતા પણ વધારે વરસાદ થઇ ગયો હતો. સરખેજ વિસ્તારમાં સૌથી વધારે વરસાદ થયો હતો. આજે સવારથી પણ વરસાદ જારી રહ્યો હતો.
અમદાવાદ શહેરમાં હજુ સુધી સાત ઇંચની આસપાસ વરસાદ રહ્યા બાદ વધુ ચાર ઇંચથી વધારે વરસાદ થતા સિઝનમાં વરસાદી આંકડો ૧૦ ઇંચ કરતા વધારે થઇ ગયો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી લગભગ રાત-દિવસ સતત વરસાદ વરસી રહ્યો છે. જેમાં ગઇકાલથી શરૂ થયેલો ધીમી ધારનો વરસાદ ગઇકાલે રાતભર અને આજે પણ દિવસ દરમ્યાન લગભગ ચાલુ રહ્યો હતો. જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.
છેલ્લા ચાર દિવસથી અમદાવાદ શહેરમાં મેઘમહેરના કારણે નાગરિકો પણ ચોમાસાની મોજ માણી રહ્યા છે ત્યારે ત્રણ દિવસના સતત વરસાદને લઇ શહેરમાં ભેજ, ઠંડક અને ચોમાસાની જમાવટનો માહોલ સર્જાયો છે. બીજીબાજુ, શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં ભુવા અને ખાડા પડવાના બનાવો પણ ચાલુ રહ્યા છે. તો, કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા છે. અમદાવાદમાં સાઉથ વેસ્ટ ઝોનમાં ગઇકાલે સૌથી વધારે ૧૧ મીમી વરસાદ હતો. રાણીપમાં પણ જળબંબાકારની સ્થિતી રહી હતી.