અમદાવાદ ; વડોદરામાં કલાકોના ગાળામાં જ ૧૮ ઇંચથી વધુ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. વડોદરામાં આભ ફાટતા ચાર કલાકના ગાળામાં જ ૧૮ ઇંચથી વધુ વરસાદ થતાં જનજીવન સંપૂર્ણ ઠપ થઇ ગયું હતું. વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી ઉપર પહોંચી ગઈ હતી. વરસાદના પગલે આજે ખાનગી અને સરકારી સ્કુલોમાં રજા જાહેર કરવામાં આવી છે. વડોદરા જતી અનેક ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. વડોદરાના અનેક વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાઈ ગયા હતા. સોસાયટીઓમાં પાણી ઘુસી ગયા હતા. રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા. વડોદરામાં આજે બપોર બાદ આફ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ હતી. બપોરે બેથી ચાર વાગ્યા વચ્ચે એટલે કે બે કલાકમાં છ ઇંચ અને ત્યારબાદ ચારથી છ વાગ્યા વચ્ચે વધુ ચાર ઇંચ વરસાદ થતાં ચાર કલાકના ટુંકાગાળામાં ૧૮ ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો.
વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક સ્તરે પહોંચી છે. ભયજનક સપાટી વિશ્વામિત્રી નદીમાં ૨૨ ફૂટ ઉપર છે જ્યારે હાલમાં સપાટી ૨૦ ફૂટ ઉપર પહોંચી હતી જેથી લોકોના જીવ ઉંચા થઇ ગયા છે. સ્કુલ કોલેજામાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો વધુ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આજે સવારથી જ જારદાર માહોલ જામ્યા બાદ વડોદરામાં બપોર બાદ હાલત કફોડી થઇ હતી. વડોદરામાં આજે ચાર કલાકમાં ૧૮ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં આખુ વડોદરા જાણે જળમગ્ન બની ગયુ હતુ. ન્યાયમંદિર, પાણીગેટ, સ્ટેશન વિસ્તાર, સયાજીગંજ, અલકાપુરી, જેતલપુર, રાવપુરા, અકોટા, જેલ રોડ સહિતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. વડોદરામાં કેટલાક વિસ્તારોમાં તો પાંચથી છ ફુટ સુધીના ઉંડા પાણી ભરાઇ ગયા હતા, જેના કારણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રિ-મોન્સુન પ્લાનની ધજ્જિયાં ઉડી ગઇ હતી.
નીચાણવાળા વિસ્તારો તો જાણે બેટમાં ફેરવાઇ ગયા હતા. કેટલાક વિસ્તારોમાં વૃક્ષો, થાંભલા અને દિવાલો ધરાશયી થવાના છૂટાછવાયા બનાવો પણ સામે આવ્યા હતા, જેમાં પાંચથી વધુ લોકોને બચાવી લેવાયા હતા. જો કે, બે-અઢી કલાકમાં છ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં વડોદરામાં સર્વત્ર પાણી જ પાણી જાવા મળતુ હતુ, જેને લઇ વડોદરા મનપા સત્તાધીશો પર માછલા ધોવાયા હતા. પાદરામાં પણ ભારે વરસાદના કારણે લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ભરાયા હતા. તો, દક્ષિણ ગુજરાતમાં પણ સુરત, કામરેજ, પલસાણા, માંડવી, નવસારી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર સહિતના પંથકોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો. સુરતમાં ભારે વરસાદના કારણે તાપી નદી બે કાંઠી વહી રહી હતી. તો કીમ નદી પણ વરસાદી નીરના કારણે બે કાંઠે વહેતી થઇ હતી. જેના કારણે કાંઠાના વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવાયા હતા.
માંડવીના કાંકરાપોર ડેમ પણ નવા નીરના કારણે ઓવરફલો થયો હતો. નવસારીની અંબિકા નદી નવા નીરની આવક થતાં ભયજનક સપાટીએ વહેતાં તંત્રએ કિનારાના અને આસપાસના વિસ્તારના લોકોને એલર્ટ કર્યા હતા અને અગમચેતીના ભાગરૂપે સલામત સ્થળે ખસેડયા હતા. ઓઝત-૨ ડેમ પણ ઓવરફલો થતાં તેના દરવાજા ખોલવામાં આવતાં કિનારાના ગામોને એલર્ટ કરાયા હતા. આ જ પ્રકારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો, કચ્છના અનેક ગામડા અને પંથકોમાં પણ સારી એવી મેઘમહેર જારી રહી હતી. જેના કારણે કચ્છ-ભુજ, ગાંધીધામના અનેક પંથકો અને વિસ્તારો ત્રણથી ચાર ફુટ પાણીમાં ગરકાવ બન્યા હતા. તો, ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ સાર્વત્રિક વરસાદની કૃપા ચાલુ રાખી હતી. જેના કારણે ખેડૂતઆલમમાં ભારે ખુશીની લાગણી ફેલાઇ ગઇ છે.