“આમ તો એક ગૃપમાં કવિ મિત્રો રમૂજમાં મને જુદાજુદા નામ લઈ બોલાવે.. ત્યારે હું કહું કે ભગવાનની જેમ જ મારા અનેક નામ છે . હરીને ગમે તે નામે ભજો તો એ આવી મળે એમ મારામાં નામના સંબોધન ને કારણે કશો ફેર ન પડે મિત્રો માટે લાગણી મુખ્ય- નામ નહીં…
આમ “હું ને હરિવર સરખા” – આ ધૃવ પંક્તિ મનમાં ઘૂમરાતી હતી- ગીત લખવા ઉશ્કેરતી હતી..
પણ પોત અને સંવેદનો અને રૂપકો કેમ ગૂંથવા ? એની મથામણ ચાલતી હતી.
છેવટે ઈશ્વરના માનવ તરીકેના સંવેદનો અને મૂલ્યો ઉજાગર કરવા તેવું નક્કી કર્યું પણ, એ માટેના ચમત્કૃતિ સભર રૂપકો નીપજાવી શકતો ન હતો અને બીજી તરફ ગીત ઝડપથી સર્જવાની ઉતાવળ રોકાતી ન હતી… છેવટે સરળ બાનીમાં ઉમદા ભાવો ગૂંથી આ ગીત વહેતું કર્યું ત્યારે નિરાંત થઈ.
હવે આ ગીત મૂલ્યાંકન માટે ભાવકોને હવાલે.”
હું ને હરિવર સરખા.
સબને હમકો અપને મતમેં અલગ-અલગ સે પરખા,
હું ને હરિવર સરખા.
રાજમહેલને છોડી હરિવર વનવનમાં જઈ ભટક્યા,
હું પણ મારી બ્હાર જ ભટકું , અંદરના સુખ ખટક્યા,
નિયતીના હાથે ફરતા રહેલા સુખદુ:ખના આ ચરખા,
સબને હમકો અપને મતમેં અલગ-અલગ સે પરખા,
હું ને હરિવર સરખા.
મારા હૃદયમાં હરિવર વસતા, દાનવ સાથે લડતા,
હરિના શરણે રહી હું લડતો , પડકારાઓ કરતા,
જીવનના આ સમરાંગણમાં ગાતા જઈએ કરખા,
સબને હમકો અપને મતમેં અલગ-અલગ સે પરખા,
હું ને હરિવર સરખા.
કોઈપણ નામ લઈને પોકારો હડી કાઢતા હાજર,
નામમોહને ત્યાગી દઈએ પ્રેમસુધારસ ખાતર,
લાગણીઓ બસ ફાલેફૂલે નામના ક્યાં છે અભરખા ?
સબને હમકો અપને મતમેં અલગ-અલગ સે પરખા,
હું ને હરિવર સરખા.
અમારા દ્વારે આવે સુદામો ચપટીક તાંદુલ લઈને,
પદ-મોભાનો અંચળો ફેંકી ભેટીએ આદર દઈને,
નેહક્યારી ખીલે લહેરાતી; નિશદિન બરસે બરખા.
સબને હમકો અપને મતમેં અલગ-અલગ સે પરખા,
હું ને હરિવર સરખા.
કાવ્યપત્રીનાં હપ્તા માટે પોતાની કાવ્યાવતરણ વખતની આ વાત કહી રહ્યા છે અમરેલીના કવિ મુકેશ દવે .
ભાગ્યે જ કોઇ કવિ મળે જેણે કૃષ્ણને પોતાના શબ્દોથી ન ભજ્યા હોય. હું તો ત્યાં સુધી કહીશ કે પ્રત્યેક વ્યક્તિમાં મીરાં ને નરસૈયો સુષુપ્ત અવસ્થામાં હોય જ છે. કૃષ્ણ સાથે એકરૂપતા અનુભવવા જેવી ભાવાવેશની ચરમસીમા બીજી કઈ હોઇ શકે !
ગઝલમાં શેરનાં બે મીસરાની હૂંફમાં તર્કનો આધાર લઇ એક સંવેદન સેવાતું હોય છે. પણ કૃષ્ણ કંઇ તર્કથી પામી શકાય એવું તત્વ નથી. એટલે જ કવિની આ સંવેદના ગીતનાં વાઘા પહેરી અવતરી હશે.
પોતાની સંવેદનાને ગાઢી કરવા માટે કવિએ ગુજરાતી ભાષા પર વ્રજબોલીનાં છાંટણા કરવાનો પ્રયોગ પણ સફળ રીતે કર્યો છે.
હું ને હરિવર સરખા..
સબને હમકો અપને મતમેં અલગ-અલગ સે પરખા !
‘હું’ શબ્દ એકલો આવે ત્યારે હુંકાર જ પડઘાય, પણ હરિવર સાથે જોડાય ત્યારે ગૌરવપૂર્ણ વિનમ્રતા છલકી રહે છે. ‘હું’ ને પ્રતિક સ્વરુપે લઈ કવિ સમગ્ર જનસમુદાયની વાત કાગળ પર ઉતારી રહ્યાં હોય એવું પ્રતિત થાય છે.
ઈશ્વરનાં વિરાટ સ્વરુપનું વર્ણન કરવા આપણે સક્ષમ નથી. સાથે જ એની સાપેક્ષે વામન હોવા છતા આપણું વ્યક્તિત્વ એટલું જટિલ બનતું જાય છે કે કોણ ક્યારે કેવું વર્તન કરી બેસે એનું અનુમાન લગાવવું મુશ્કેલ છે. આ હકીકત જાણવા છતાંય આપણે માનવથી લઈ ઈશ્વર સુધીને સમજવાને બદલે પારખું લેવાની ચેષ્ટા કરી લેતાં હોઇએ છીએ. આ વાત ઉજાગર કરવા કવિ લખે છે કે –
સબને હમકો અપને મતમેં અલગ-અલગ સે પરખા !
રાજમહેલને છોડી હરિવર વનવનમાં જઈ ભટક્યા,
હું પણ મારી બ્હાર જ ભટકું , અંદરના સુખ ખટક્યા,
નિયતીના હાથે ફરતા રહેલા સુખદુ:ખના આ ચરખા,
સબને હમકો અપને મતમેં અલગ-અલગ સે પરખા,
હું ને હરિવર સરખા.
પાંડવોએ જીવનનાં ઘણાં વર્ષો વનવાસી થઈને વિતાવ્યાં. વનવાસ દરમ્યાન દરેક મુશ્કેલીઓમાં કૃષ્ણ ખડેપગે એમની સહાયતા કરવા તત્પર રહ્યા છે એ તો આપણે બધા જાણીએ જ છીએ. કવિ અહીં પોતાના ભૌતિક સુખો પ્રત્યે અરૂચી દાખવી જાત વળોટી જવાની વાતનો અણસાર આપતા દેખાય છે. નિયતીનું કામ ભવોભવનાં કર્મોને અનુરૂપ સુઃખદુઃખનો ચરખો ફેરવીને જિવનનો તાર વણ્યા કરવાનું છે. આટલી સરળ અને સહજ સ્વીકાર્ય વાત પણ લોકો પોતાના મત પ્રમાણે જુદીજુદી રીતે પારખું કરતા રહે છે.
મારા હૃદયમાં હરિવર વસતા, દાનવ સાથે લડતા,
હરિના શરણે રહી હું લડતો , પડકારાઓ કરતા,
જીવનના આ સમરાંગણમાં ગાતા જઈએ કરખા,
સબને હમકો અપને મતમેં અલગ-અલગ સે પરખા,
હું ને હરિવર સરખા.
આખા ગીતમાં હરિવર જેવા થવાની વાત કરતા કવિ અહીં પાર્થની અસર પણ ચાહે છે એવું આ અંતરામા સ્પષ્ટ દેખાઈ આવે છે. મનનાં કામ, ક્રોધ, મદ, મોહ જેવા અસૂરો સાથે તો જ લડી શકાય, જો સાક્ષાત હરિ હ્યદયમાં નિવાસ કરતાં હોય. એનું શરણું લઈને ગમે તેવી વિકટ સ્થિતિ સામે પડકાર ફેંકી શકાય છે. ક્ષણેક્ષણ સંગ્રામ જેવા જિવનમાં કરખા(શૌર્યગીતો) ગાતા જઈ લડતા રહેવાનું છે. ભલે પછી સહુ પોતપોતાના મત પ્રમાણે આપણને પારખ્યા કરે..
કોઈપણ નામ લઈને પોકારો હડી કાઢતા હાજર,
નામમોહને ત્યાગી દઈએ પ્રેમસુધારસ ખાતર,
લાગણીઓ બસ ફાલેફૂલે નામના ક્યાં છે અભરખા ?
સબને હમકો અપને મતમેં અલગ-અલગ સે પરખા,
હું ને હરિવર સરખા.
ભક્તિભાવની જમીન પર લખાયેલી આ રચનાનો આ અંતરો હરિવર સાથે કોપીપેસ્ટ થવાની ચરમસીમા બતાવી રહ્યો છે. ઇશ્વર જેવું થવું સરળ નથી, પણ જરૂરિયાતમંદને મદદ કરવા ‘હડી’કાઢીને હાજર થઈ જઈએ, અને એ પણ નામનાનો કોઇ મોહ રાખ્યા સીવાય, તો લાગણીઓનો વિસ્તાર તો ફેલાવાનો જ છે.
અમારા દ્વારે આવે સુદામો ચપટીક તાંદુલ લઈને,
પદ-મોભાનો અંચળો ફેંકી ભેટીએ આદર દઈને,
નેહક્યારી ખીલે લહેરાતી; નિશદિન બરસે બરખા.
સબને હમકો અપને મતમેં અલગ-અલગ સે પરખા,
હું ને હરિવર સરખા
કવિ કવિતાને જિવવાની વાત અહીં કરી જાય છે. પણ એ કૃષ્ણપણું આજે એટલું જ પ્રસ્તુત રહ્યું છે ખરું ? કદાચ કૃષ્ણ ચપટી તાંદૂલ લઈને આવેલા સુદામાને ભેટી પડે, આદર આપે, ત્યારે બેશક સ્નેહક્યારી ખીલી જાય, પણ બધા પોતપોતાની ક્ષમતા પ્રમાણે આ ઘટનાનું મૂલ્યાંકન કરે જ, એ તો નક્કી !
સુંદર ગીત, જેમાં કવિ જાતને હરિવરમા ઢાળવાની વાત લઇને આવ્યા છે . આ કૉલમનો હેતુ એ છે કે કવિ પોતાની મનગમતી રચના આપે, અને એ કેવા સમયે, કેવા સંજોગોમાં લખાઈ એની વાત કરે. કવિતાનો લય, છંદ વગેરે શાસ્ત્રિય પાસાની ચર્ચાને અહીં સ્થાન નથી. મારો આસ્વાદ એ આ કવિતા સમજવાની મારી મથામણનું ફળ છે. અલગઅલગ ભાવકો આ આસ્વાદમાં નવા પરિમાણો ઉમેરી જ શકે.
મિત્રો, આ આસ્વાદ માટે આપનાં અભિપ્રાયોની મને રાહ રહેશે…
ફરી મળીશું
~ નેહા પુરોહિત