દર સપ્તાહમાં ચોકલેટ ખાનાર મહિલાઓ માટે ખૂબ સારા સમાચાર છે. તાજેતરમાં જ કરવામાં આવેલાં એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, દર સપ્તાહમાં ચોકલેટ ખાનાર મહિલાઓમાં સ્ટ્રોકનો ખતરો ૨૦ ટકા સુધી ઘટી જાય છે. ૩૩,૦૦૦ સ્વીડીશ મહિલાઓને આવરી લઈને કરવામાં આવેલાં અભ્યાસનાં આધાર ઉપર આ તારણો આપવામાં આવ્યા છે. આ સ્વીડીશ મહિલાઓ મોટા પ્રમાણમાં ચોકલેટ ખાઈ રહી હતી પરંતુ નવા અભ્યાસનાં તારણો સપાટી પર આવ્યા બાદ ચોકલેટને લઈને યુવતીઓ અને મહિલાઓનો ક્રેઝ વધે તેવી શક્યતા છે.
અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીના જનરલમાં પ્રકાશિત થયેલાં અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, દર સપ્તાહમાં ૬૬ ગ્રામની આસપાસ ચોકલેટ ખાઈ જનાર લોકોમાં સ્ટ્રોકનો હુમલો થવાનો ખતરો આશરે ૨૦ ટકા સુધી ઘટી જાય છે જ્યારે સપ્તાહમાં ૮ ગ્રામ અથવા તો તેનાથી ઓછા પ્રમાણમાં ચોકલેટ ખાનાર લોકોમાં સ્ટ્રોકનો હુમલો થવાનો ખતરો વધી જાય છે. આ અભ્યાસનાં તારણો અગાઉનાં એવા તારણોને પ્રોત્સાહન આપે છે જે તારણમાં જણાવવામાં આવ્યું હતું કે, ચોકલેટ અને કોકા ખાવાથી ફાયદો થાય છે.
વર્ષની શરૂઆતમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીઓનાં નિષ્ણાંતોએ શોધી કાઢ્યું હતું કે, ચોકલેટ નિયમિત રીતે ખાનાર લોકોમાં હાર્ટ એટેકનો ખતરો ત્રણ ગણો ઘટી જાય છે જ્યાર અન્ય એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે, આરોગ્ય માટે કસરતની જેમજ ચોકલેટ પણ ઉપયોગી છે. સ્ટાકહોમમાં કેરોલિનકા ઈન્સ્ટીટ્યુટમાં વૈજ્ઞાનિકોએ આશરે ૩૩૩૭૨ મહિલાઓને તેમની ખાવા-પીવાની ટેવ અંગે પ્રશ્નો કરવામાં આવ્યા હતાં. આમાં ૧૬૦૦૦ જેટલી સ્ટ્રોકનો સામનો કરી ચૂકેલી મહિલાઓ પણ હતી. અભ્યાસના તારણોને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. ચોકલેટ સ્ટ્રોક સામે મદદ કરવામાં અસરકારક છે. બ્લડપ્રેશરને ઘટાડે છે, તે જોખમી પરિબળોમાં પણ ઘટાડો કરે છે.