ઐશ્વર્યા મજમુદાર, અરવિંદ વેગડા પણ ભાજપમાં સામેલ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : લોકગાયિકા કિંજલ દવે ભાજપમાં જોડાઇ છે, ત્યારે આજે ગુજરાતના લોક સંગીત સાથે સંકળાયેલ અને લોકપ્રિય ગરબા કવીન ઐશ્વર્યા મજમુદાર, ભાઇ ભાઇ ફેમ અરવિંદ વેગડા સહિતના કેટલાક વધુ ગુજરાતી કલાકારો ભાજપમાં જોડાઈ ગયા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આ તમામ કલાકારોને ભાજપનો કેસરિયો ખેસ પહેરાવી તેમનું પક્ષમાં સ્વાગત કર્યું હતુ અને આજે એસજી હાઇવે પર રાજપથ કલબ સામે આવેલા અમદાવાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ગુજરાતી કલાકારોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગરબા ક્વિન ઐશ્વર્યા મજમુદાર, ચાર ચાર બંગડી ફેમ કિંજલ દવે, ભાઈ ભાઈ માટે જાણીતા અરવિંદ વેગડા, સૌરભ રાજ્યગુરૂ સહિતના ગુજરાતી કલાકારો ભાજપમાં જોડાયા તેનું મને ગર્વ છે. આગામી દિવસોમાં વધુ ને વધુ લોકો ભાજપમાં કાર્યકર તરીકે જોડાશે અને પક્ષની કાર્યકર નોંધણી ઝુંબેશને સફળ બનાવશે. આ ગુજરાતી કલાકારોએ માત્ર ગુજરાત જ નહી પરંતુ દેશ અને વિદેશમાં તેમના ગીત-સંગીત અને પ્રતિભાથી ગુજરાતનું નામ રોશન કર્યું છે અને એક ગુજરાતી તરીકે આપણા સૌનું ગૌરવ વધાર્યું છે ત્યારે આવા ગુજરાતી કલાકારોને પક્ષમાં આવકારતાં મને ઘણો આનંદ થાય છે.

આજના પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડયા સહિતના મહાનુભાવો પણ ખાસ હાજર રહ્યા હતા અને તેઓએ ગુજરાતી કલાકારોને પક્ષમાં ઉમળકાભેર આવકાર આપ્યો હતો. ભારતીય જનતા પાર્ટીમાં વધુને વધુ સેલિબ્રિટીઓ સામેલ થઇ રહી છે. હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં પાર્ટીની શાનદાર જીત થયા બાદ ભારતીય જનતા પાર્ટીમાં જુદા જુદા સમુદાયના લોકો ઝડપથી એન્ટ્રી કરી રહ્યા છે. આ સિલસિલો હજુ જારી રહે તેવી સંભાવના છે.

Share This Article