અમદાવાદ : શ્રમ રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું છે કે, ખેતરમાં કામ કરતા ખેત મજુરોને રાજ્ય સરકાર દ્વારા સામુહિક જૂથ વીમા અકસ્માત યોજના હેઠળ અકસ્માતે મૃત્યુ પામનાર ખેત મજૂરને ૧ લાખની સહાય ચુકવવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં પાટણ, તાપી, સુરેન્દ્રનગર, અને નવસારી જિલ્લામાં ૬૦ ખેત મજુરોના અકસ્માતે મોત થયા છે, તેઓને રૂપિયા ૬૦ લાખની સહાય ચૂકવી દેવાઇ છે. ગુજરાત વિધાનસભા ખાતે આ ચારેય જિલ્લામાં નોંધાયેલ ખેત મજૂરોના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી ઠાકોરે ઉમેર્યું કે, આ ચારેય જિલ્લામાં ૩,૮૬,૨૮૨ ખેત મજુરો નોંધાયા છે. જેમાં ૨૩૫ ખેત મજુરોના અકસ્માતે મોત નીપજ્યા છે. તે પૈકી ૬૦ ખેત મજૂરોના વારસદારોને રૂપિયા ૬૦ લાખની સહાય ચૂકવાઇ છે.
જેમાં પાટણ જિલ્લાના ૨૭, તાપી જિલ્લાના ૩, સુરેન્દ્રનગર જિલ્લાનાં ૨૮ અને નવસારી જિલ્લાના ૦૨ ખેત મજુરોને આ સહાય ચૂકવાઇ છે. મંત્રી ઠાકોરે વધુમાં ઉમેર્યું કે, ખેત મજુરોને અકસ્માત સમયે સહાય માટેની આ યોજના હેઠળ મૃત્યુના કિસ્સામાં ૧૦૦ ટકા સહાય એટલે કે રૂપિયા એક લાખની સહાય બે અંગ ગુમાવ્યા હોય તો પણ સો ટકા સહાય એટલે કે રૂપિયા એક લાખ ચૂકવાય છે. જેમાં બે હાથ હોય, બે પગ હોય એક હાથ – એક પગ ગુમાવ્યો હોય તો પણ એક લાખની સહાય ચુકવવામાં આવે છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૯ કરોડની રકમ વીમા કંપનીને ચૂકવવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે, આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા ખેત મજુરોએ ૯૦ દિવસમાં અરજી કરવાની હોય છે. જેમાં ઉંમરના પુરાવા, ડ્રાઇવિંગ કરતાં મોત થયું હોય તો લાયસન્સ, અકસ્માતનું કારણ, મરણનું સર્ટિિફકેટ જેવા પુરાવા રજૂ કરવાના હોય, મૃત્યુમાં પોસ્ટમોર્ટમ કરાવવું ફરજિયાત છે સહાય ચૂકવવામાં વિલંબ થવાનાં અનેક કારણો છે તેમ તેમણે ઉમેર્યું છે. કોઇપણ જમીન-મિલકત ખરીદવામાં કે વેચવામાં આવે ત્યારે તેની કાયદેસરની નોંધણી થાય તે જરૂરી છે.
આવી નોંધણી દ્વારા કાયદેસરની મિલકતમાં દબાણ, ભાગ, હિસ્સો ખોટી રીતે કોઇ નોંધાવી ન જાય કે પોતાનો કાયદેસરનો હક્ક અન્ય કોઇ વ્યક્તિ ખોટી રીતે છીનવી ન જાય તે રીતે સુરક્ષિત કરી શકાય છે. સમયાંતરે સરકાર દ્વારા સ્ટેમ્પ ડ્યૂટીનાં નિર્ધારીત કરેલ દરે પોતાની અસ્કયામતોની નોંધણી કરાવી પોતે જે તે મિલકતનાં કાયદેસરનાં હક્કદાર બની પોતાની મિલકત માટે નિશ્ચિત બની શકાય છે. વિધાનસભામાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલ લેખિત પ્રશ્નનાં જવાબમાં મહેસૂલ મંત્રી વતી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું કે, વર્ષ ૨૦૧૭-૧૮માં અમદાવાદ જિલ્લામાં ૨,૦૯,૭૪૭ દસ્તાવેજો, વર્ષ ૨૦૧૮-૧૯માં ૨,૩૧,૭૩૮ દસ્તાવેજો મળી કુલ ૪,૪૧,૪૮૫ દસ્તાવેજોની નોંધણી કરાવવામાં આવી છે.