” હુ મારે કાજ શું માગું દુવાઓ ,
કોઇ તરસ્યાને શીતળ જળ લખી દે. “
–શ્રી જીગરટંકારવી
પરોપકારની વાતો દરેક ધર્મમાં કરવામાં આવી છે. જગતનો સૌથી મોટો ધર્મ છે માનવ ધર્મ. આ માનવ ધર્મમાં પણ પરોપકારની જ વાત વારંવાર દોહરાવાય છે.અહીં શાયર પોતાને માટે ઇશ્વર કે ખુદા પાસે કશું માગતા નથી પણ કહે છે કે હે પ્રભૂ તું તરસ્યાની તરસ છીપાવજે. તેને માટે ઠંડાજળની વ્યવસ્થા કરજે .સંસ્કૃતમાં એક શ્ર્લોકમાં પણ પરોપકારનો મહિમા ગવાયેલો છે. નદીઓ પરોપકારને માટે વહે છે, વૃક્ષો પોતાનાં ફળ પોતે ખાતાં નથી. આમ કુદરતનાં દરેક તત્વ બીજાને માટે જ સર્જાયેલાં છે.
માણસે સ્વાર્થવૃત્તિને ત્યાગવાની વાત આડકતરી રીતે કહેવાઇ છે. સાધુ સંતો અને આપણાં તમામ શાસ્ત્રો પણ પરોપકારનો જ મહિમા ગાય છે. કવિનો કહેવાનો અર્થ એ પણ જણાય છે કે હે પ્રભૂ મારે મારા માટે તારી કોઇ દુવાની જરુર નથી. જો તારે મને કશું આપવું હોય તો તું આ જગતના દુ:ખીજનો પર તારી કૃપા વરસાવજે. તું એમના પર તારી કૃપા વરસાવીશ તો મને તેનો અતિ આનંદ થશે.
મારા એક મિત્ર ભગવાનમાં ખાસ માનતા નથી પણ પાછા દરરોજ મંદિરે અવશ્ય જાય તેથી મેં એક વખત એમને તેનું કારણ પૂછ્યુ તો એ કહે,
” જો ભઇ મારે તો ભગવાન પાસે કશું માગવાનુ છે જ નહિ પણ આટલા બધા લોકો ભગવાનને પગે લાગવા આવે છે તે જોઇ હું ભગવાનને એવું કહું છું કે જો તારું અસ્તિત્વ હોય તો તું આ બધા જ લોકોનું કલ્યાણ કરજે. આમ એ નાસ્તિક ભાવ વાળા હતા તો ય અન્યનું કલ્યાણ જ ઇચ્છતા હતા. તો ચાલો અપણે પણ અન્યના કલ્યાણને માટે પ્રાર્થના વંદના કરવાનો સંકલ્પ કરીએ.
- અનંત પટેલ