અત્યાર સુધી….
નૂર અને અંજામની વાતો અને મુલાકાતો વધતી જતી હતી પરંતુ હજી પણ અંજામને ખબર ન હતી કે તેને કેફેમાં મળવા આવતી વ્યક્તિ હતી. વાદ, વિવાદ અને સંવાદમાંથી શરૂ થયેલી એક યાત્રા હવે યાદ તરફ પ્રયાણ કરી રહી હતી. ફરી એક વાર એ છોકરી અંજામને મળવા કેફેમાં આવે છે અને આ વખતે તેમની વચ્ચે ગહન અને અર્થપૂર્ણ સંવાદ રચાય છે. અંજામની ઓફિસમાં તેની મિત્ર રાજશ્રીના રેફરન્સથી એક છોકરી ઈન્ટરવ્યૂ માટે આવે છે અને એ પછી સર્જાય છે એક અલગ જ ટ્વિસ્ટ, જે આ વાર્તામાં સંકળાયેલ તમામ પાત્રોની જિંદગી બદલી નાખશે. હવે આગળ…..
પ્રકરણ 8
સ્વીકૃતિ પટેલનું નામ સાંભળીને અંજામ ચોંકી ગયો હતો. તેનું અચરજ ચરમસીમા પર હતો. તેના ચહેરા પર એક અલગ પ્રકારના હાવભાવની રેખાઓ ઉપસી આવતી અને અદ્રશ્ય થઈ જતી હતી. સ્પષ્ટ કરવુ મુશ્કેલ હતું કે એ રેખાઓ આનંદની હતી કે અચરજની. ઘણી વાર જિંદગી આપણી સામે એવા ટ્વિસ્ટ રજૂ કરી દે છે કે આપણે થોડા સમય માટે શૂન્યમનસ્ક થઈ જતા હોઈએ છીએ. અંજામની સામે પણ આવું જ એક ટ્વિસ્ટ આવીને ખડું થઈ ગયું હતું.
“મે આઈ કમ ઈન, સર ???”, હજી અંજામ દ્વિધામાં જ હતો અને તેણે એક મધુર, કર્ણપ્રિય અવાજ સાંભળ્યો. તેની ખુરશી દિવાલ તરફ હતી પણ અવાજની માદકતાથી તેને અંદાજ આવી ગયો કે આ એ જ અવાજ છે, જે તેણે કેફેમાં સાંભળેલો હતો. તેની ધડકન વધુ તેજ થઈ ગઈ હતી.
“યેસ, કમ ઈન”, અને અંજામે જેવી પોતાની રિવોલ્વિંગ ચેર ફેરવી તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ.
“યુ ???, તમે તો એ જ છો ને જે…. ???”, અંજામની જીભ આશ્ચર્ય અને અન્ય ઘણા પ્રકારની મિશ્ર લાગણીઓને લીધે થોથવાઈ રહી હતી.
“હા, હુ એ જ છું જે તે દિવસે તમને કેફેમાં મળી હતી અને તમારી સામે આવીને બેઠી હતી”
“અને ઈન્સ્ટાગ્રામ પર મિસ નૂર…”
“હા, એ નૂર પણ હું જ છું, સ્વીકૃતિ પટેલ નૂર”, ઈન્ટરવ્યૂ માટે આવેલી છોકરીએ હસતા હસતા જવાબ આપ્યો. આશ્ચર્યની સાથે થોડી વાતો પછી અંજામે ઈન્ટરવ્યૂને લગતી તમામ ઔપચારિકતાઓ પૂરી કરી અને બીજા દિવસથી તથાગત જોઈન કરી લેવા કહ્યું.
“આપનો ખૂબ ખૂબ આભાર, સર”, સ્વીકૃતિએ અંજામ તરફ સસ્મિત ચહેરે હાથ લંબાવ્યો.
“અંજામ, નો સર, પ્લીઝ, અહીં બધા લગભગ મારી સાથે એકદમ ફ્રેંકલી વાત કરે છે તો એ જ કમ્ફર્ટેબલ રહેશે”, અંજામે જવાબ આપ્યો.
“ઓકે, સર. આઈ મીન અંજામ. હેવ અ નાઈસ ડે”, કહીને સ્વીકૃતિએ ત્યાંથી વિદાય લીધી.
*******
ધીમે ધીમે સમય બદલાઈ રહ્યો હતો. સ્વીકૃતિ અને અંજામ પોતપોતાના કામમાં વ્યસ્ત રહેવા લાગ્યા હતા. સ્ટાફમાં પણ તમામ લોકોએ સ્વીકૃતિને સ્વીકૃતિ આપી દીધી હતી. પહેલા મસ્તીભર્યા વાતાવરણમાં પણ ફક્ત કામ પૂરતી વાતચીત કરતો કે લંચ વખતે ભેગો થતો સ્ટાફ હવે આખો દિવસ સાથે મળીને કામ કરતો. પોતાની કેબિનમાં બેસીને કામ કરતો અંજામ પણ હવે ધીમે ધીમે બધા સાથે બેસીને કામ કરતો હતો. રાજશ્રી પણ ઘણી વાર ઓફિસની ઉડતી મુલાકાત લઈ લેતી. અંજામ, તેના સ્ટાફમાં અને ઓફિસના વાતાવરણમાં થયેલા ફેરફારને જોઈને તેને આશ્ચર્ય થયું પણ જ્યારે તેને જાણવા મળ્યું કે આ બધા પરિવર્તન પાછળ સ્વીકૃતિનો મળતાવડો સ્વભાવ જવાબદાર હતો ત્યારે તેને પોતાની દોસ્તી પર ગર્વ થઈ આવ્યો.
આવો ગર્વ તો અંજામને પણ હતો પણ બસ તેને વ્યક્ત કરવા નહોતું આવડતું. તેના અનુભવો પ્રમાણે તેનું માનવું હતું કે લાગણીઓની અને વિચારોની અભિવ્યક્તિ સંબંધોમાં દૂરી, તણાવ અને તિરાડો લાવી દે છે. ધીમે ધીમે સ્વીકૃતિ અને અંજામ પ્રોફેશનલી અને પર્સનલી નજીક આવી રહ્યા હતા. તેઓના ઘર એકબીજાની નજીક હતા તેથી ઘણી વાર તેઓ એક સાથે આવતા અને તે દરમિયાન તેમની વચ્ચે ઘણી બધી અંગત વાતો વ્યક્ત થતી. તે દરમિયાન સ્વીકૃતિને અંજામના આવા વર્તન અને વ્યવહાર પાછળનું કારણ જાણવા મળ્યું. ઘણી વાર ઘાવ એવી રીતે વાગ્યા હોય છે કે તેના નિશાન તો મટી જતા હોય છે પણ તેની તકલીફ લાંબા સમય સુધી એવી જ રહેતી હોય છે. બહુ મુશ્કેલ હોય છે આવી પીડામાંથી છૂટકારો મેળવવો. કહેવાય છે કે સમય એ હરેક દર્દનો મર્ઝ હોય છે પણ અમુક વાર આ સમય જ દર્દનું કારણ બનતું હોય છે. અમુક તારીખો, મહિનાઓ, વર્ષો, પળો, જે તમે કોઈ ખાસ વ્યક્તિ સાથે પસાર કરી હોય છે, એવા અમુક સંવાદો જે તમે તમારા એકાંતમાં એકમેક સાથે જીવ્યા હોય છે એ લાંબા ગાળાની તકલીફો બનીને સામે આવતા હોય છે. કોઈ ઓસડ નથી હોતું આવા દર્દનું, ના કોઈ ઈન્સાન કે ના કોઈ ભગવાન…
અને જ્યારે જ્યારે આવી વાતોની ચર્ચા થતી ત્યારે સ્વીકૃતિ બસ એક જ નજરે અંજામને સ્મિત આપતી આંખે જોયા કરતી. ઘણી વાર અંજામ કન્ફ્યુઝ થઈને કહેતો કે તારી આ જ વાત સમજાતી નથી કે તુ આ સ્માઈલ કેમ આપ્યા કરે છે અને સ્વીકૃતિ તેના જવાબમાં હસી કાઢતી. એક તરફ તે પોતાના સ્મિત પાછળ કઈંક એવો જ દર્દ છુપાવી રહી હતી, જેનો અંદાજો અંજામને આવી ચૂક્યો હતો તો બીજી તરફ અંજામના ચહેરા પર સ્મિત લાવવાનું બીડું તેણે ઝડપી લીધું હતું. અંજામ પણ મૂક રીતે સ્વીકૃતિના સ્મિત પાછળનું મૌન સમજવા પ્રયત્ન કરતો. તેની લોકોના મગજ વાંચવાની ટેવ અને કેરિંગ નેચરના લીધે સ્વીકૃતિ પણ તેની સાથે ઘણી વાર પોતાની તકલીફો શેર કરતી પરંતુ અસલ બાબત જાણવી અને તેના મગજમાંથી કઢાવવી એ અંજામ માટે લોઢાના નહિ, પરંતુ ડાયમંડમાંથી બનેલા ચણા ચાવવા જેવું કઠિન કામ હતું. સ્વીકૃતિને તથાગત જોઈન કરે લગભગ ચારેક મહિના થવા આવ્યા હતા.
*******
તે દિવસે ઓફિસમાં સવારથી ધડાધડ હતી. ખાન, જાનવી, અને નેહાએ આખી ઓફિસ સજાવી રાખી હતી. નૈનેશ કાર લઈને એરપોર્ટ પર પહોંચી ગયો હતો. રાજશ્રીએ પણ પોતાની ઓફિસમાં આજે તો સ્પેશિયલ રજા રાખી હતી અને વાતાવરણમાં 12 વાગતા પહેલા પોતપોતાને પ્લાન પ્રમાણે સોંપાયેલા કામ કરવાની બધાને ઊતાવળ હતી અને કેમ ન હોય વાચક મિત્રો, અંજામનો બર્થ ડે હતો એ દિવસે. આ પ્લાન માટેની યોજના છેલ્લા બે દિવસથી થઈ રહી હતી અને અંજામને તેની કાનોકાન ખબર ન હતી. જ્યારે રાજશ્રીએ અંજામના બર્થડેની વાત કરી તો પહેલા તો બધા ખુશ થઈ ગયા પરંતુ તરત જ યાદ આવ્યું કે અંજામને પોતાનો બર્થડે ઊજવવો નથી ગમતો. જાનવીએ અને નૈનેશ એ તરત પોતાની જૂની યાદો વાગોળી જ્યારે તેમણે ચારેક વર્ષ પહેલા જ્યારે અંજામનો જન્મદિવસ મનાવ્યો ત્યારે તેમને કેટલું કાઠું કાઢવું પડ્યું હતું પણ નૈનેશને પહેલેથી જ લોકોના બર્થ ડે મનાવવાનો કીડો હતો અને એમાં પણ આ વખતે રાજશ્રી અને સ્વીકૃતિ એની આ ગોરખધંધાવાળી ટુલ્લીમાં જોડાયા હતા. એથીયે ખાસ સરપ્રાઈસ તો અંજામને તેના આ જન્મદિવસ પર મળવાનું હતું. પોતાની સિલ્વર જ્યુબિલી પૂરી કરીને હવે ગોલ્ડન જ્યુબિલી તરફની તેની આ યાત્રા શરૂ થઈ રહી હતી ત્યારે જાનવીને અચાનક આ 55 મહિના જૂની ગિફ્ટ આપીને અંજામને કઈંક અલગ રીતે સરપ્રાઈઝ કરવાનો વિચાર આવ્યો અને એ જ સરપ્રાઈઝને લેવા માટે ડ નૈનેશ એરપોર્ટ ગયો હતો. ખાન કેક અને આલ્કોહોલલેસ બિયર, જે અંજામનું કોલ્ડ કોફી પછીનું ફેવરેટ સોફ્ટ ડ્રિંક હતું, તેની વ્યવસ્થા કરવા ગયો હતો. નેહા અને જાનવી ઓફિસમાં જ રહીને તેની કેબિનને ડેકોરેટ કરી રહ્યા હતા. નૈનેશ પણ એરપોર્ટ પહોંચી ગયો હતો અને ત્યાંથી પેલી 55 મહિના જૂની ગિફ્ટ લઈને ઓફિસે આવવા નીકળી ચૂક્યો હતો.
12.00 વાગી ચૂક્યા હતા. સવારથી અંજામના ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટા એકાઉન્ટ પર હજારો વાચકોના શુભેચ્છાના મેસેજ આવી ચૂક્યા હતા પણ તેણે એક પણ મેસેજનો રિપ્લાય આપવાની તસ્દી લીધી ન હતી. નૈનેશ પણ પાર્કિંગમાં આવી ચૂક્યો હતો પેલી લાઈવ ગિફ્ટ સાથે. પાછલા દરવાજેથી તે પોતાની ગિફ્ટ સાથે ઓફિસમાં પહોંચી ગયો હતો. હવે બસ અંજામની આવવાની જ વાર હતી.
(ક્રમશ:)