નવી દિલ્હી : તાજેતરમાં જ કરવામાં આવેલા એક ચિંતાજનક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ૧૭ ટકા શહેરી ભારતીયો કિડનીના રોગથી ગ્રસ્ત છે. ડાયાબિટીસ અને હાઈપર ટેન્શનના કેસો શહેરી ભારતમાં વધી રહ્યા છે. ૧૨ શહેરોને આવરી લઈને કરાયેલા અભ્યાસમાં આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે. આમા જણાવવામાં આવ્યું છે કે દરેક ૧૦૦ લોકો પૈકી ૧૭ લોકો કિડનીના રોગથી ગ્રસ્ત થયેલા છે જે પૈકી છ ટકા લોકો તબક્કા ત્રણ કિડની રોગમાં પહોંચે છે જેમાં તબીબી સારવાર અતિ જરૂરી બની જાય છે. કેટલાક કેસોમાં ખૂબ જ ખર્ચાળ સારવાર જેમ કે ડાયાલિસીસ અથવા ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે છે.
અભ્યાસમાં ૧૩ હોસ્પિટલ પાસેથી આંકડા લેવામાં આવ્યા છે જેમાં ખાનગી અને સરકારી હોસ્પિટલનો સમાવેશ થાય છે. દેશમાં કિડનીના રોગ અંગે સૌથી મોટા અભ્યાસના ભાગરૂપે આ અંગેનો દાવો કરવામાં આવ્યો છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે મોટાભાગના વ્યક્તિગતો ક્લોનીક કિડની ડિસીઝ (સીકેડી)ના જુદા જુદા તબક્કામાં સારવાર માટે પહોંચે છે. તે પહેલા કોઈપણ કિડની કામગીરીની સારવાર કરાવતા નથી. ભારતમાં યુવા લોકો પણ અટકાયતી ચેકઅપમાં વિશ્વાસ રાખતા નથી જે ખૂબ જ ખરાબ બાબત છે. વિલંબથી સારવારના પરિણામ સ્વરૂપે પણ જટિલ સ્થિતિ ઉભી થાય છે. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે સીકેડીથી પિડાતા ૬૪.૫ ટકા દર્દીઓ હાઈપરટેન્શનથી પણ ગ્રસ્ત છે જ્યારે ૪.૭ ટકા લોક એનેનીયાથી ગ્રસ્ત છે.
૩૧.૬ ટકા લોકો ડાયાબિટીશથી ગ્રસ્ત છે. નવી દિલ્હીમાં રામમનોહર લોહીયા હોસ્પિટલમાં નેફ્રોલોજી વિભાગના વડા ડા. શામસુંદરનું કહેવું છે કે સીકેડીથી ગ્રસ્ત મોટાભાગના દર્દીઓ એવા સમયે હોસ્પિટલ પહોંચે છે જ્યારે તેમની કિડનીની કામગીરી તેની ક્ષમતાની અડધીમાં આવી જાય છે. જો આ રોગને તબક્કા એક અને તબક્કા બેમાં સારવાર માટે હાથ ધરવામાં આવે તો તેની ખતરનાક અસર ઘટી જાય છે અને દવાથી તેની અસર ઘટી જાય છે. કિડની ફેલિયરના પારિવારિક ઇતિહાસ ધરાવતા લોકોમાં આ અસર પહેલા દેખાય છે. વારણસી, કાનપુર, દિલ્હી, લુધિયાણા, ભોપાલ, નડિયાદ (ગુજરાત), મુંબઈ, મૈસુર, બેંગ્લોર, કોચીન અને વિશાખાપટ્ટનમને આવરી લઈને કરાયેલા અભ્યાસમાં આ મુજબનો દાવો કરાયો છે. સીકેડીના સૌથી વધુ કેસ વિશાખાપટ્ટનમમાં ૪૬.૮ ટકા નોંધાયા છે.