નવી દિલ્હી : સંરક્ષણ મંત્રાલય દ્વારા સાફ શબ્દોમાં જણાવવામાં આવ્યું છે કે, જ્યાં સુધી પાકિસ્તાન ત્રાસવાદી સંગઠનો સામે વિશ્વસનીય કાર્યવાહી કરશે નહીં ત્યાં સુધી ભારત પોતાની રાષ્ટ્રીય સુરક્ષાની ખાતરી કરવા કઠોર પગલા લેતું રહેશે. સાથે સાથે આતંકવાદની સામે પ્રભાવી એક્શન લેવામાં ખચકાટ અનુભવ કરશે નહીં. એર સ્ટ્રાઇક જેવા મોટા પગલાપણ લેતા પણ ભારત ખચકાશે નહીં. સંરક્ષણ મંત્રાલયના વાર્ષિક અહેવાલમાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે, પુલવામા હુમલાથી સાબિત થાય છે કે, ભારત સતત પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓના નિશાના ઉપર છે.
આવી સ્થિતિમાં ત્રાસવાદીઓ સામે કાર્યવાહી કરવા ભારત ખચકાશે નહીં. સંરક્ષણ મંત્રાલયના વાર્ષિક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાની સેના જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પાર ગોળીબાર કરીને આતંકવાદીઓને ભારતમાં ઘુસાડવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે.
આવી સ્થિતિમાં ઘુસણખોરીને રોકવા અને આતંકવાદનો ખાત્મો કરવા ભારત સંપૂર્ણપણે કટિબદ્ધ છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, જૈશે મોહમ્મદ દ્વારા પુલવામા હુમલાથી સ્પષ્ટ થાય છે કે, ભારત પર હુમલા કરવા માટે આતંકવાદીઓ સતત તૈયારી કરતા રહે છે. ભારતને ટાર્ગેટ બનાવવા માટે ત્રાસવાદીઓ ઇચ્છુક રહે છે. ભારતના જવાબમાં બાલાકોટમાં જૈશના સૌથી મોટા ટ્રેનિંગ કેમ્પ ઉપર હવાઈ હુમલા કરાયા હતા. આવા હુમલાઓનો દોર ભવિષ્યમાં પણ જારી રાખવામાં આવશે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારત પોતાની રાષ્ટ્રીય સુરક્ષા માટે કઠોર પગલા લેવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. પાકિસ્તાને ત્રાસવાદી સંગઠનોને સમર્થન આપવાનું બંધ કરવું જોઇએ. સાથે સાથે તેના દેશમાં રહેલા આતંકવાદી માળખાઓને નષ્ટ કરવાની દિશામાં પહેલ કરવી જાઇએ.