પુરુષની જાત…..

KhabarPatri News
By KhabarPatri News 5 Min Read

અનંત પટેલ

આજે તો સંજય સવારથી જ ખુશ ખુશાલ હતો. આજ તો એની મનડાની માનેલી કેતકી એના મામાના ગામેથી પાછી આવવાની હતી. પુરુષને સ્ત્રીનું કેટલુ જબરદસ્ત  આકર્ષણ હોય છે ? એ સામે હોય છે ત્યારે એનું જેટલું મહત્વ હોય છે તેના કરતાં એની  ગેરહાજરીમાં અનેકગણું વધી જાય છે. કેતકી સવારની વહેલી બસમાં મામાના ઘેરથી પોતાના ઘેર આવી ગઇ . તે પણ સંજયને મળવા ઉત્સુક તો હતી જ એટલે તેણે પણ આવતાં વ્હેંત સંજયને એક મિસ્ડ કોલ આપી દીધો. સંજયને પણ આ મિસ્ડ કોલથી ખાતરી થઇ ગઇ કે કેતકી આવી પહોંચી છે. તેથી ઘેરથી  બહાર જઇ સંજયે કેતકીને ઉપરા ઉપરી બે ત્રણ વાર રીંગ કરી પણ કેતકીનો ફોન વ્યસ્ત આવતો હોવાથી તે રઘવાયો થઇ ગયો, થોડી વારે તેણે ચોથી વાર રીંગ કરી તો રીંગ વાગી, પણ કેતકી એ તો ફોન ઉપાડીને તેને જાણે કે રીતસરનો ધમકાવી  જ નાખ્યો,

” અરે યાર ક્યારનો મંડી પડ્યો છે ? તને ખબર છે ને મેં આવતાં વ્હેંત પહેલો મિસ્ડ કોલ તને આપ્યો છે તો પછી હવે શાંતિ રાખને…. હવે અહીંથી હું ક્યાંય જવાની તો નથી…. ખરો છે યાર તું તો સમજતો જ નથી….”

સંજયને કેતકીના આવા શબ્દો સંભળીને પહેલાં તો આઘાત લાગ્યો પછી ગુસ્સો ચઢ્યો  એણે તુરત જ ફોન કટ કરી દીધો. એ સૂન મૂન થઇ ગયો. સોસાયટીમાં  બે ત્રણ આંટા મારી ઘેર આવ્યો. તેનું પડી ગયેલું મોંઢુ જોઇ મમ્મીએ પૂછ્યું,

” શું થયુ? કેમ આમ ઢીલો દેખાય છે ? તબિયત તો બગડે એવું નથી ને ?  ”

” નારે  મમ્મી એવું કાંઇ નથી…” બોલતો તે એના સ્ટડીરૂમમં ગયો. એ વિચારવા લાગ્યો કેતકીએ મને શું કામ આવું કહ્યું ? એ મારા પર કેમ ગુસ્સે ભરાઇ હશે ? શું મારી કંઇ ભૂલ છે ? પછી એક સામાન્ય પુરુષની જેમ તે પણ વિચારવા લાગ્યો શું કેતકીને મામાના ગામમાં  કોઇ બીજો સારો દોસ્ત મળી ગયો હશે ?

તર્ક વિતર્ક કરીને સંજયે આખો દિવસ માંડ કાઢ્યો. સાંજે કેતકીને ફોન આવ્યો ને તેણે એને તેમની કાયમની મળવાની જગાએ બોલાવ્યો….સંજયે કેતકી સાથે બિલકુલ ઉષ્મા વગર જ  વાત કરી…

” એ સારુ આવી જઇશું..”

એમ બોલી તે એને મળવા જવાના સમયની રાહ જોવા લાગ્યો. સાથે સાથે કેતકીને રુબરૂમાં શું કહેવું ? કેવી રીતે કહેવું તે પણ વિચારવા લાગ્યો. મારે હવે કેતકીને  વધારે પડતો  પ્રેમ નથી દર્શાવવો, હું એની  પાછળ બહુ લટ્ટુ થઇ ગયો છું એટલે જ એ મને આવું બોલી ગઇને ? ભવિષ્યમાં લગ્ન પછી એ મને કોણ જાણે કેવી ટ્રીટમેંટ આપશે ? એમ વિચારી તે થોડોક ચિંતામાં પણ પડી ગયો.

સાંજે સાતે ક વાગે એ કેતકીને તેમની મળવાની નિશ્ચિત જગાએ મળ્યો. કેતકીએ તેને મળતાં જ કહ્યું,

” આઇ એમ સોરી હોં સંજુ ! પણ શું કરું હું યાર,  તું ય જાણે મને વાત કરવા કેટલો બધો ઘેલો થઇ જાય છે ? તને ખબર તો છેને કે મારા ઘરે મારાં ભાઇ ભાભી હોય, મને થોડું એકાંત મળે તો તારો ફોન ઉપાડુંને ? વળી મારા મામાની દીકરીનો ફોન એ વખતે ચાલતો હતો…… તું થોડી તો ધીરજ  રાખ…”

” મને શું ખબર કે ભાઇ ભાભી ઘેર હશે ?મને એમ કે એ તો જોબ પર જતાં રહ્યાં  હશે ! અને તને ખબર તો છે ને કે મને તારી માયા એટલી બધી બંધાઇ ગઇ છે ને કે તું મને એટેન્ડ ન કરે ને એટલે જાત જાતના વિચારો આવે છે…!!!!…” સંજયે પોતાનો બચાવ કરતાં કહ્યું.

” અરે ના હોય યાર એવું, તું એક વાત તારા દિમાગમાં કે દિલમાં  તારે જ્યાં લખવી હોય ત્યાં લખી રાખ, આ કેતુડી તારા સિવાય કોઇ રાજાનો કુંવર આવશે ને તો ય એની સામે નહિ જૂએ બસ !! ..હવે આપણે લગ્ન કરીએ ત્યાં સુધી રઘવાયો ના થતો.. હું આખી જીંદગી તારી જ છું ને તારે જ રહેવાની છું બસ .. ! ”

કેતકીના આવા શબ્દો સાભળી સંજયે તેને ઉષ્માભર્યા આલિગનમાં લઇ લીધી !! તેની આંખો લાગણીથી સહેજ ભીની પણ થઇ ગઇ ..!!!!..

કેતકીએ કરેલી ચેષ્ટા ઘણી બધી સ્ત્રીઓએ કરવી પડતી હોય છે, આ પુરુષની જાત છે ને તે ભઇ બહુ ઉતાવળી હોય છે હોં…..એને તો કેતકી જેવી સ્ત્રીઓ જ સરખો કરી શકે છે…….

Share This Article