આધુનિક સમયમાં લોકો તબીબો પાસે સલાહ લીધા વગર એન્ટી બાયોટિક્સ દવા લેતા થયા છે. આ બાબતની નિષ્ણાંતો અને તબીબોએ ગંભીર નોંધ લીધી છે. તબીબોએ કહ્યું છે કે નિષ્ણાંતોની જરૂરી સલાહ વગર કોઇ પણ દવા જાતે લઇ લેવાની બાબત ખતરનાક સાબિત થઇ શકે છે. તેની અનેક આડ અસર પણ થઇ શકે છે. આજે મોટા ભાગના લોકો ખુબ વ્યસ્ત લાઇફ જીવી રહ્યા છે. આવા સમયમાં આરોગ્યને જાળવી શકતા નથી. બિમાર થવાની સ્થિતીમાં તરત જ કામચલાઉ દવા જાતે જ લઇ લે છે. આ દવાથી ચોક્કસપણે રાહત મળે છે પરંતુ આ દવા કોઇ ઇલાજ નથી. આ દવા ખુબ ખતરનાક સાબિત થઇ શકે છે. કોઇ તકલીફ અંગે જાણ નહી હોવા છતાં જે તે તકલીફ અથવા તો પીડામાં દવા જાતે જ લઇ લેવામા આવે છે. તબીબો પાસે જવાનો સમય પણ કાઢી શકતા નથી. જેથી તાવ, સરદી ગરમી, ગળામાં દુખાવાની જાતે જ દવા લોકો લઇ લે છે.
પરંતુ આવી દવા જાતે લઇ લેનાર લોકો દવાની અસર કેટલી હદ સુદી થઇ શકે છે તે જાણતા નથી. જાણીતા તબીબોનું કહેવુ છે કે એન્ટીબાયોટિક્સ એન્ટીમાઇક્રોબાઇલ એજન્ટ તરીકે પણ જાણીતી છે. આ પ્રકારની દવાનું કામ શરીરમાં કોઇ પણ પ્રકારના ઇન્ફેક્શનને દુર કરવા માટેનુ હોય છે. અલબત્ત એન્ટીબાયોટિક્સ બેક્ટિરિયા, પેરાસાઇટ જેવા માઇક્રો ઓર્ગેનિઝમને ટાર્ગેટ બનાવે છે. પરંતુ વાઇરસ સામે તે દવાઓ અસરકારક હોતી નથી. નિષ્ણાંત લોકોનું કહેવુ છે કે નિષ્ણાંત તબીબો દ્વારા લખવામાં આવેલી દવા જ લેવામાં આવે તે જરૂરી છે. ચોક્કસ ઓન્ટીબાયોટિક્સ જે ઉપલબ્ધ છે તે ચોક્કસ ઓર્ગનમાં ચોક્કસ બેક્ટિરિયા પર પ્રહાર કરે છે.
તબીબો મોટા ભાગે ચકાસણી કર્યા બાદ દવા નક્કી કરે છે જેથી આ દવા યોગ્ય પ્રમાણમાં હોય છે.તાજેતરમાં કરવામાં આવેલા એક રસપ્રદ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આડેધડ દવા લેવાથી ખતરો ઉભો થઇ શકે છે. શરીરને નુકસાન પણ થઇ શકે છે.