અમદાવાદ : કાંકરિયાના બાલવાટિકામાં મેન્ટેનન્સની બેદરકારીના કારણે ગઇકાલે સર્જાયેલી ગમખ્વાર રાઈડ દુર્ઘટનામાં આખરે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ પ્રકરણમાં સંડોવાયેલા જવાબદારો સામે કડક કાર્યવાહીના નિર્દેશો આપ્યા છે. જેને પગલે રાજયભરમાં પણ હવે ઘેરા પ્રત્યાઘાત પડયા છે. બીજીબાજુ, આજે મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ આ સમગ્ર મામલે એક ડિટેઇલ્ડ રિપોર્ટ રાજયના શહેરી વિકાસ વિભાગને સુપ્રત કર્યો હતો. ગઇકાલે કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્ક ડિસ્કવરી નામની રાઇડ તુટી પડતાં બે લોકોના મોત નીપજયા હતા, જ્યારે ૨૯ લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી.
રાઈડની દુર્ઘટના ટેકનીકલ ખામીને પગલે સર્જાઈ હોવાનું પ્રાથમિક રીતે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું. બીજીબાજુ, આ પ્રકારની દુર્ઘટના ફરીથી ન સર્જાય તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સતર્કતા અને ચકાસણી કર્યા બાદ મંજૂરી આપવાની સૂચના આપી છે. ખાસ કરીને આ દુર્ઘટના પાછળ જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા ખાસ તાકીદ કરાઇ છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ઘટે નહિ તેની સતર્કતા રાખવાની સૂચના આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં અનેક સ્થળોએ એમ્યુઝમેન્ટ-એન્ટરટેઇનમેન્ટ પાર્કમાં આવી રાઇડસ ચાલતી હોય છે.
એટલું જ નહિ, આવનારા દિવસોમાં જન્માષ્ટમીના લોક મેળાઓ પણ યોજાશે ત્યાં પણ આવી નાની-મોટી રાઇડસ આવતી હોય છે. આવી રાઇડસના પરિણામે કોઇની જિંદગી જોખમાય નહિ તેમજ દુર્ઘટનાઓ થાય નહિં તે માટે પૂરતી ચકાસણી સાથે મંજૂરી આપવામાં આવે તેમજ વખતો વખત ઇન્સ્પેકશન થાય એવી ઝીણવટભરી તકેદારી ધ્યાનમાં લઇ પગલાં ભરવામાં આવશે. મુખ્યમંત્રીએ અમદાવાદની રાઇડ દુર્ઘટના સંદર્ભમાં સંચાલકો સામે પૂરતાં પગલાં રાજ્ય સરકારે લીધા છે તેની પણ જાણકારી આપી હતી.