આજે એકાદશીની સાથે ચાતુર્માસ અને ચોમાસાની શરૂઆત થઇ જાય છે, હિન્દુ ધર્મ અનુસાર આ ચાર માસ દરમિયાન સારા કાર્યો કરવામાં આવતા નથી.
એવું કહેવામાં આવે છે કે આ દિવસે દેવતા પુરા ચાર મહિના માટે નિંદ્રા માટે ચાલ્યા જાય છે, જેના કારણે સારા કાર્યો માટે આ ચાર મહિના દરમિયાન વિરામ લાગી જાય છે, ચાર માસ પછી જે દેવઉઠી અગિયારસ આવે છે ત્યારથી સારા કાર્યો કરવાની શરૂઆત થાય છે.
માન્યતા અનુસાર દેવશયની એકાદશીની રાત્રિથી ભગવાન વિષ્ણુનો સુવાનો સમય પ્રારંભ થાય છે. જેને ‘ચાતુર્માસ’ અથવા ‘ચોમાસાની શરૂઆત’ પણ કહેવામાં આવે છે.
દેવશયની એકાદશીથી સૂર્ય દક્ષિણાયણ થઇ જાય છે, આવામાં મુંડન, ગૃહપ્રવેશ, તથા લગ્ન પ્રસંગ જેવા સારા માંગલિક કાર્યો કરવામાં આવતા નથી, દેવ શયન દરમિયાન માત્ર દેવી દેવતાઓના પૂજા-પાઠ, ભક્તિ, અને આરાધના જ કરવામાં આવે છે .
આ સમય દરમિયાન ધાર્મિક આયોજન, કથા, પૂજા પાઠ, હવન, કરવાનો વિશેષ મહત્વ હોય છે. તે ઉપરાંત આ સમય દરમિયાન શ્રાવણ માસ પણ આવે છે જેમાં એક મહિના સુધી ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્વ હોય છે. ત્યારબાદ ગણેશ ચતુર્થી આવે છે અને તેમાં ગણપતિની સ્થાપના કરી તેમની પૂજા કરવામાં આવે છે. તથા ત્યારબાદ દેવી દુર્ગાની આરાધનાના નવ દિવસ એટલે કે નવરાત્રીની શરૂઆત થાય છે.