અમદાવાદ : જૂનાગઢના આરટીઆઈ એકટીવીસ્ટ ૩૫ વર્ષીય અમિત જેઠવાની જૂલાઇ-૨૦૧૦માં ગુજરાત હાઇકોર્ટની સામે જ પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી સનસનાટીભરી હત્યાના ચકચારભર્યા કેસમાં આજે સીબીઆઇ સ્પેશ્યલ જજ એમ.કે.દવેએ ભાજપના ભૂતપૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી સહિત સાત આરોપીને સીબીઆઈ જજ કે. એમ. દવેએ હત્યા અને ગુનાઇત કાવતરા હેઠળ દોષિત ઠરાવ્યા હતા અને આજે આ તમામ સાતેય દોષિતોને આજીવન કેદની આકરી સજા ફટકારી હતી.
કોર્ટે કયા પુરાવાઓના આધારે સજા ફટકારી ?
સીબીઆઇ સ્પેશ્યલ કોર્ટે મહ¥વના સાક્ષી રામા હાજા અને સમીર વોરાની ૧૬૪ હેઠળની જુબાની, ઘટના પાસેથી મળેલું બાઇક, રિવોલ્વર, કારતૂસ, મેડિકલ પુરાવો, મોબાઇલ ફોન કોલ ડિટેઈલ્સ સહિતના પુરાવાને ધ્યાને રાખી આરોપીઓને દોષિત ઠરાવ્યા હોવાનું કાનૂનવિદો માની રહ્યા છે. જેમાં દિનુ બોઘાના ફાર્મ હાઉસના નોકર રામા હાજાની જુબાની જ તેમને ભારે પડી ગઇ હતી. કોર્ટે મર્ડર અને આર્મ્સ એકટ હેઠળ સહિતના ગુનામાં આરોઓઓને સજા કરી હતી.
શું હતો જેઠવાના મર્ડરનો ચકચારભર્યો કેસ ?
જૂનાગઢના આરટીઆઇ એક્ટિવિસ્ટ ૩૫ વર્ષીય અમિત જેઠવાની ગત તા.૨૦ જુલાઇ, ૨૦૧૦ના રોજ હાઇકોર્ટ સામે આવેલા સત્યમેવ કોમ્પ્લેક્સની નીચે જ સાંજના સુમારે પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી સનસનાટીભરી હત્યા કરાઈ હતી. પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું હતું કે, અમિત જેઠવાએ હાઇકોર્ટમાં જૂનાગઢના ગીરના જંગલોમાં ચાલી રહેલા ગેરકાયદે ખનન અંગે પીઆઇએલ કરી હતી, જેને લઇ દિનુ બોઘાની ખનન પ્રવૃત્તિમાં મોટી હેરાનગતિ અને અડચણો ઉભી થતાં જેઠવાનું કાસળ કાઢવાનું ષડયંત્ર રચાયુ હતુ. અમિત જેઠવાની હત્યા પાછળ, દિનુ બોઘા સોલંકીનો હાથ છે તેવો આક્ષેપ અમિત જેઠવાના પિતા ભીખાભાઇએ કર્યો હતો. આ ઘટનામાં પોલીસે ભાજપના પૂર્વ સાસંદ દિનુ સોલંકી અને તેના ભત્રીજા શિવા સોલંકીની ધરપકડ કરી હતી. પરંતુ ક્રાઇમ બ્રાન્ચે દિનુ બોઘા સોલંકીને કલીન ચીટ આપી દેતા, કેસની તપાસ સુરેન્દ્રનગરના એસપી રાઘવેન્દ્ર વત્સને સોંપાઇ હતી. રાઘવેન્દ્ર વત્સે પણ દિનુ બોઘા સોલંકીને કલીન ચીટ આપતા ૨૦૧૨માં તેને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. હાઇકોર્ટે ત્યારબાદ સમગ્ર કેસની તપાસ સીબીઆઇને કેસ સુપ્રત કરવાનો હુકમ કર્યો હતો. ૨૦૧૩માં સીબીઆઇએ તપાસ કરી દિનુ સોલંકીની ધરપકડ કરી હતી.સીબીઆઇએ આ કેસની તપાસ હાથ ધરી ભાજપના જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી, તેના ભત્રીજા શિવા સોલંકી સહિત ૭ આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કર્યું હતું.