અમદાવાદ : રાજકોટના લોધિકાની દેવીપૂજક મહિલા વનિતા કેશુભાઇ વાઘેલાને જામનગર રહેતા યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો. ગઇકાલે રાત્રે વાજડી ખંભાલાની સીમમાં યુવક તેની પ્રેમિકા વનિતાને લઇ ગયો હતો. બાદમાં બંને વચ્ચે પૈસા માટે ઝઘડો થયો હતો. પૈસાની માથાકૂટમાં ઉશ્કેરાયેલા પ્રેમીએ વનિતાના કાન, નાક અને માથાના વાળ કાપી નાખ્યા હતા અને બાદમાં વનિતા પાસે રહેલા રોકડ રૂપિયા બે લાખ પડાવી ત્યાંથી પલાયન થઇ ગયો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ દોડી ગઇ હતી અને વનિતાને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
બીજીબાજુ, પોલીસે આરોપી પ્રેમીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. લોધિકા ખાતે રહેતી વનિતાબેન કેશુભાઇ વાઘેલા (ઉ.૪૫)એ પોલીસને જણાવ્યું હતું કે, મારા લગ્ન લોધીકાના કેશુ વાઘેલા સાથે થયા છે અને સંતાનમાં પાંચ પુત્ર તથા ચાર પુત્રી છે. અમે સાવરણી વેચવા સહિતની છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવીએ છીએ. મારા માવતર જામનગર ગુલાબનગરમાં રહેતાં હતાં અને હાલમાં મોરબી રહે છે. હું અવાર-નવાર માવતરે જતી હોય એ વિસ્તારમાં જ રહેતાં સલીમ સાથે પરિચય થયા બાદ અમારી વચ્ચે સાતેક વર્ષથી પ્રેમસંબંધ હતો. અમે રોજબરોજ ફોનમાં વાતોચીતો કરતાં હતાં અને ક્યારેક મળતાં પણ હતાં.
ગત મોડી રાત્રે સલીમને ફોન કરીને હવે આપણે બેયને ભાગી જવું છે તેમ કહ્યું અને અને પોતે જામનગરથી તેડવા આવી રહ્યો છે એવું કહ્યું હતુ, તેણે મને ઘરમાં જે પૈસા હોય તે સાથે લઇ લેવાનું કહેતાં મેં ઘરમાં કટકે-કટકે ભેગા કરેલા રૂપિયા બે લાખ કબાટમાંથી કાઢ્યા હતાં અને બહાર નીકળી ગઇ હતી. પછી સલીમ મને તેના બાઇકમાં બેસાડીને નજીકના ખંભાળા વાજડીની વાડીમાં લઇ ગયો હતો. ત્યાં પહોચતા મેં તેને આપણે ભાગી જ જવું છે તો આ બાજુ શું કામ લઇ આવ્યો? તેમ પુછતાં સલીમે ભાગવું નથી, મારે તો પૈસાની જરૂર છે એટલે તને બોલાવી છે એવું કહ્યું હતું. જેથી મેં કહ્યું કે, જો ભાગવું ન હોય તો મારે પૈસા નથી આપવા મને પાછી મુકી જા તેમ જણાવતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને મારે તો તારા પૈસા જ જોઇએ છે કહી મને પછાડી દીધી. ત્યારબાદ છાતી ઉપર બંને પગ મુકી દઈ છરી કાઢી મારું નાક વાઢી નાંખ્યું હતું અને પછી બંને કાન કાપી નાંખ્યા હતાં. એટલુ જ નહીં માથાના વાળ પણ કાપી નાંખ્યા હતાં. મેં ખુબ બૂમો પાડી હતી પણ રાત્રીના સમયે જંગલ જેવા વિસ્તારમાં મને બચાવવા આવે એવું કોઇ નહોતું. ખુબ લોહી નીકળી જતાં હું બેભાન જેવી થઇ ગઇ હતી.
સવારે હું ભાનમાં આવી પગપાળા મારા ઘરે પહોંચી હતી અને પતિને જાણ કરતાં તે મને દવાખાને લાવ્યા હતાં. વનિતાની ઉપરોક્ત કેફીયતને આધારે પોલીસે ફરિયાદ નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી અને ફરાર થયેલા જામનગરના પ્રેમી સલીમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.