” મોત વેળાની આ ઐયાશી નથી ગમતી “મરીઝ”
હું પથારી પર રહું ને ઘર આખું જાગ્યા કરે. “
— મરીઝ
શાયરે અહી સંસાર પ્રત્યેનો સાધુ ભાવ વ્યક્ત કરવાનો પ્રયાસ કરેલ છે. તેમની ઉંમર થઇ છે અને હવે તે જ્યારે મરણ પથારી પર પડ્યા છે ત્યારે તે જાણે કે પથારીમા મોજથી સૂઇ રહ્યા છે અને ઘરના બધા સભ્યો તેમના માટે રાતોની રાતો તેમને જીવાડવા માટે જાગી રહ્યા છે તે તેમને જરા ય ગમતું નથી તેવું તેઓ દર્શાવવા માગે છે. બિમારી અથવા દુર્બળતાને કારણે એ પથારીમાં પડ્યા છે તેને માટે તેમણે “ઐયાશી” એવો શબ્દ પ્રયોગ કર્યો છે. ખરેખર કવિ પોતે પોતાના જીવન અને પોતાના કુટુંબીઓ અથવા તો સ્વજનો પ્રત્ય કેવી નિખાલસતા અને સૌજન્યતા ધરાવે છે તેનું એક ઉત્તમ ઉદાહરણ આ શેરની પંક્તિઓમાંથી મળે છે.
કવિ તેમની અંતિમ અવસ્થામાં પણ કોઇની પાસે કશું કામ કરાવવા કે કોઇપણ પ્રકારની સેવા લેવા નથી માગતા એ તેમણે અહીં સ્પષ્ટ કરી દીધું છે. પોતાના જીવન દરમિયાન તેમણે ઘણાં બધાં કામ તેમનાં સ્વજનો કે પ્રિયજનો પાસે કરાવેલ છે પણ હવે જ્યારે તેમનો આખરી સમય નજીક આવી ગયો છે ત્યારે તે કોઇની પાસે કશું કરાવવા માગતા નથી. ઐયાશ વ્યક્તિ તો એને કહેવાય કે જે પોતાનું ધન દોલત મનફાવે તે રીતે વાપરે, દારુ જુગાર તેમ જ વ્યભિચાર તરફ વળી ગયો હોય . અહીં તો કવિએ માંદગી કે નિર્બળતાને લીધે પથારીમાં સૂવુ પડ્યુ છે તેને માટે ઐયાશી જેવો ખૂબ જ ભારે શબ્દ વાપરેલ છે તે એમ બતાવે છે કે એમને આવી રીતે પથારીમાં પડ્યા રહેવાનું જરીકે ય ગમ્યુ નથી. આ એમની લાચારી છે. પરંતુ આવી બધી પરિસ્થિતિ વ્યક્તિના જીવનમાં આવે છે તે કુદરતી રીતે આવતી હોય છે કોઇ જાતે ધારીને આવી સ્થિતિનું નિર્માણ કરી શકતું નથી. ખરેખર અંતિમ ક્ષણોમાં પણ પોતાના પ્રિયજનો પાસેથી કોઇપણ પ્રકારની સેવા નહિ લેવાની કવિની ભાવના દાદ માગી લે છે. આપણે પણ આવી જ સૌજન્યતા માટેનો બોધ લેવો રહ્યો.
- અનંત પટેલ