” ઉત્સીદેયુ: ઇમે લોકા: કુર્યામ કર્મ ચેત અહમ II
સંકરસ્ય ય કર્તા સ્યામ ઉપહન્યામ ઇમા: પ્રજા: II ૩/૨૪II “
અર્થ –
” જો હું કર્મ ન કરું તો આ લોક નાશ પામે, અને હું વર્ણસંકરનો કર્તા થાઉં અને હું જ પ્રજાનો નાશ કરું.”
અહીં કર્મનો મહિમા કહેવાયો છે. ભગવાન કહે છે કે તેઓ પોતે પણ જો કર્મ નહિ કરે તો આ સૃષ્ટિના ત્રણે લોકનો નાશ થઇ જશે, બીજુ એવું ય કહ્યું છે તે પ્રમાણે જો ભગવાન કર્મ નહિ કરે તો તે વર્ણસંકર પ્રજાના કર્તા થશે. વર્ણસંકર એટલે કે વ્યભિચાર દ્વારા ઉત્પન્ન થયેલ મનુષ્યો અથવા તો એકજ જાતિને બદલે અનેક જાતિઓના સંવનનથી જન્મેલ જીવો. અને આવી પ્રજાતિઓ સરવાળે જગતનો નાશ કરે છે. આવું ક્યારે બની શકે ? ત્યારે કે જો ભગવાન તેમનું કર્મ ન કરે તો. આમ ભગવાને પણ પોતાનું કર્મ કરવાનું જ છે. કર્મ નહિ કરવાથી તેનું ખરાબ પરિણામ આવે છે.
સંસારમાં કેટલાક લોકો આળસુ અને બેદરકાર હોય છે, જે તેમણે કરવાનું થતુ કર્મ અથવા તો તેમણે બજાવવાની થતી ફરજો નિભાવતા નથી. આ શ્ર્લોક દ્વારા ભગવાને દરેક વ્યક્તિએ તેણે બજાવવાની થતી ફરજો અવશ્ય બજાવવા પર ભાર મૂકેલ છે. જો ભગવાન પણ તેમને સોંપાયેલ કર્મ ન કરે તો અનર્થ થઇ શકે છે, તો આપણે તો ભગવાને સર્જેલા પામર જીવો છીએ. એટલે આપણે પણ આપણાં કર્મ નિષ્ઠા પૂર્વક બજાવવાનાં જ છે. ભગવાન જ્યારે અવતાર ધારણ કરે છે ત્યારે તે અવતાર તેમણે કોઇ ચોક્કસ કાર્ય કે હેતુ પાર પાડવા માટે જ લીધો હોય છે. જો તે અવતાર દરમિયાન તે તેમનું નિયત કરેલ કર્મ ન કરે તો તે અવતારનો કોઇ અર્થ રહેતો નથી.સાર એટલો જ કે દરેક વ્યક્તિએ તેને ફાળે આવતી ફરજો નિષ્ઠા પૂર્વક બજાવવી જ જોઇએ. જો તેઓ એમ નહિ કરે તો તેમણે તેનાં વિનાશક પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. અસ્તુ.
- અનંત પટેલ