અમદાવાદ : અમદાવાદ શહેરમાં તા.૪થી જૂલાઇના રોજ નીકળનારી ભગવાન જગન્નાથજીની ૧૪૨મી રથયાત્રાને લઇ સુરક્ષા અને સલામતી વ્યવસ્થાના ભાગરૂપે અને તેની ખરાઇ કરવા શહેર પોલીસ દ્વારા રથયાત્રાના ૧૮ કિલોમીટર લાંબા સમગ્ર રૂટ પર આજે ફાઇનલ ગ્રાન્ડ રિહર્સલ યોજાયું હતું. જેમાં ખુદ શહેર પોલીસ કમિશનરથી લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓ જોડાયા હતા અને પગપાળા ચાલી રૂટના કેટલાક માર્ગો પર સુરક્ષા ચેકીંગ અને સલામતીના મુદ્દે રિહર્સલ કર્યું હતું. તો, ૧૨૫થી વધુ ગાડીઓનો કાફલો, પોલીસ વાન, સુરક્ષા વાન સહિતના વાહનો પણ રિહર્સલમાં જોડાયા હતા.
તા.૪થી જૂલાઇએ નીકળનારી રથયાત્રા દરમ્યાન પોલીસ જવાનો, સુરક્ષા એજન્સીઓ, અર્ધલશ્કરી દળો સહિતના ૨૫ હજારથી વધુ જવાનો સુરક્ષામાં હાઇએલર્ટ પર તૈનાત કરાયા છે. રથયાત્રાને લઇ ખાસ કંટ્રોલરૂમો પણ ઉભા કરવામાં આવ્યા છે તો બીજીબાજુ, ૯૪થી વધુ હાઇફ્રિકવન્સીવાળા સીસીટીવી અને ડ્રોન મશીનની મદદથી બાજ નજર રાખવામાં આવી રહી છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇ કોઇપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ના બને અને શાંતિપૂર્ણ વાતાવરણમાં રથયાત્રા પસાર થાય તે માટે શહેર પોલીસ તંત્ર દ્વારા અન્ય સુરક્ષા એજન્સીઓ અને પેરામેલેટ્રી ફોર્સની મદદથી શહેરભરમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કર્યું છે. જેમાં રથયાત્રાના ૧૮ કિલોમીટરના લાંબા રૂટ પર ૨૫૦૦૦ પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
તો જમાલપુર ખાતેના જગન્નાથજી મંદિર પરિસર અને તેની ફરતે પણ લોખંડી સુરક્ષા કવચ ખડકી દેવાયું છે. સમગ્ર રૂટની સુરક્ષા ૨૬ ભાગોમાં વહેંચવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થામાં એસઆરપી, સીઆરપીએફની ૨૭ ટુકડી તૈનાત કરાઈ છે. રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામના એમ ત્રણ રથ, ૧૮ હાથી, ૧૦૦ ટ્રક, ૩૦ અખાડા, ભજનમંડળી-બેન્ડ સહિત સાત મોટરકાર રથયાત્રામાં જોડાશે. મુવિંગ બંદોબસ્તની જવાબદારી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ છે. રથ, હાથી, ટ્રકો, અખાડા અને ભજનમંડળીની સુરક્ષાની જવાબદારી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને શિરે હોય છે. મુવિંગ બંદોબસ્તમાં ક્રાઈમ બ્રાન્ચ જેસીપી, ૫ ડીસીપી, ૧૫ એસીપી, ૩૭ પીઆઇ, ૧૭૭ પીએસઆઇ સહિત રથયાત્રાનો બંદોબસ્ત અલગ અલગ રેન્જમાં વહેંચી દેવાયો છે., જેમાં દરેક રેન્જમાં એસપી કક્ષાના અધિકારીને જવાબદારી સોપાઈ છે. જેમાં ૮ આઇજી, ૨૩ ડીસીપી, ૪૪ એસીપી, ૧૧૯ પીઆઇ અને હજારો પોલીસ જવાનો અને સુરક્ષા કર્મચારીઓ એમ મળી કુલ ૨૫૦૦૦ પોલીસકર્મીઓ રથયાત્રાની સુરક્ષા માટે તૈનાત રહેશે. તો, રથયાત્રા દરમ્યાન શહેરની એકેએક શંકાસ્પદ ગતિવિધિ કે હિલચાલ પર ચાંપતી નજર રાખવા રથયાત્રાના ૪૫ સ્થળો પર ૯૪ સીસીટીવી કેમેરાથી મોનીટરીંગ કરવામાં આવશે.
આ જ પ્રકારે રથયાત્રાના સમગ્ર રૂટ પર ડ્રોનથી પણ નીરીક્ષણ કરાશે. ૧૫ કવીક્ રિસ્પોન્સ ટીમ પણ રથયાત્રામાં તૈનાત રહેશે. રથયાત્રાને લઇ મુખ્ય કંટ્રોલરૂમની સાથે સાથે શહેરના ૮ પોલીસ સ્ટેશનમાં મીની કંટ્રોલરૂમ બનાવવામાં આવ્યા છે. આ સિવાય ૧૭ જનસહાયતા કેન્દ્ર બનાવાયા છે, જયારે સમગ્રગ રૂટ પર સીસીટીવી વાન પણ સતત સાથે ને સાથે રહેશે. આજે શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સુરક્ષાને લઇ ફાઇનલ ગ્રાન્ડ રિહર્સલ કરાયું હતુ, જેમાં ૧૨૫થી વધુ પોલીસ જીપ, વાહનો, સુરક્ષા વાન સહિતના વાહનો પણ સામેલ કરાયા હતા. રથયાત્રાના સમગ્ર રૂટ પર સુરક્ષાને લઇ ઝીણામાં ઝીણી બાબતોનું બારીકાઇથી નીરીક્ષણ કરાયું હતું. રથયાત્રાને લઇ હાલ સમગ્ર પોલીસ તંત્ર હાઇએલર્ટ પર રખાયું છે અને તમામ સુરક્ષા જવાનોને રથયાત્રા પૂર્ણ ના થાય ત્યાં સુધી ખડેપગે કોઇપણ ચૂક વિના ફરજ બજાવવા કડક સૂચના અપાઇ છે.