અમદાવાદ : છેલ્લા પંદર દિવસથી સરસપુર ખાતેના મોસાળમાં ગયેલા ભગવાન જગન્નાથજી ગઇ કાલે બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામ સાથે નિજ મંદિરે પરત ફરતાં ભારે આતુરતાપૂર્વક ભગવાનની રાહ જાઇ રહેલા હજારો શ્રધ્ધાળુ ભકતો ખુશીથી અને ભકિતસભર લાગણીમાં ઝુમી ઉઠયા હતા. વૈદિક મંત્રોચ્ચાર અને સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ સાથે ભગવાનનો ગર્ભગૃહમાં પ્રવેશ કરાવાયો હતો અને ભકિતસભર માહોલમાં તેમની નેત્રોત્સવ વિધિ સંપન્ન કરાઇ હતી.
જેમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામની આંખો પર પાટા બાંધવામાં આવ્યા હતા. હવે ભગવાનની આંખો પરથી આ પાટા રથયાત્રાના દિવસે મંગળાઆરતી પહેલાં ખોલવામાં આવશે. ગઇ કાલે ભગવાનના ગર્ભગૃહમાં પ્રવેશની સાથે હજારો શ્રધ્ધાળુ ભકતો દ્વારા જય જગન્નાથ..જય જગન્નાથનો જયઘોષ ગુંજી ઉઠતાં ભકિતનો માહોલ છવાઇ ગયો હતો. ગઇ કાલે વહેલી સવારે જમાલપુરસ્થિત સુપ્રસિધ્ધ જગન્નાથજી મંદિર ખાતે જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સહિતના મહાનુભાવોની હાજરીમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામનો ગર્ભગૃહમાં પ્રવેશ કરાવાયો હતો અને તેમને આંખે પાટા બાંધવાની નેત્રોત્સવ વિધિ પૂર્ણ કરાઇ હતી.
સરસપુર ખાતે મોસાળમાં મામાના ત્યાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામે ભારે મોજ કરવાની સાથે સાથે કેરીઓ વધુ પ્રમાણમાં આરોગવાના કારણે તેમને આંખો આવી ગઇ હતી અને તેની સારવારના ભાગરૂપે નેત્રોત્સવ વિધિ ગઇ કાલે સંપન્ન કરાઇ હતી, જેમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામની આંખો પર પાટા બાંધવામાં આવ્યા હતા. ત્યારબાદ સવારે ૯-૩૦એ નેત્રોત્સવ વિધિ બાદ ધ્વજારોહણ વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાતના રાજયપાલ ઓમપ્રકાશ કોહલી અને મેયર શ્રીમતી બીજલબહેન શાહ ઉપસ્થિત રહ્યા હતા. સવારે ૧૦-૦૦ વાગ્યે ભગવાન જગન્નાથજીન વિશિષ્ટ પૂજા અને આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ સાધુ-સંતો માટે ૧૧-૩૦એ ભંડારાનું અને સંતોના સન્માનનું આયોજન કરાયું હતું. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી મુખ્ય અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા.
મહંત શ્રી અને ટ્ર્સ્ટીઓ દ્વારા લગભગ ૨૫૦૦થી વધુ સાધુ-સંતોને ભંડારામાં જમાડી તેઓનું સન્માન કરાયું હતું. ભગવાનની વિશિષ્ટ પૂજા ઉપરાંત અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજયમાં સાર્વિત્રક સારા વરસાદ માટે ઇન્દ્રદેવની ખાસ પૂજા-અર્ચના કરી વરસાદની સીઝન ખેડૂતો માટે ખૂબ સારી રહે અને તેઓ ખુશહાલ બને તેવી પણ પ્રાર્થના કરાઇ હતી. હવે આજે તા. ૩જી જૂલાઇએ સવારે ૮-૦૦ વાગ્યે ભગવાનના સોનાવેશના દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા. જેમાં વિશેષ પ્રકારના આભૂષણો અને સાજ શણગાર મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હોય છે. બપોરે ૩-૦૦ વાગ્ય મંદિરના પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા વિધિ અને પૂજનવિધિ કરવામાં આવશે, એ પછી સાંજે ૪-૦૦ વાગ્યે શહેર શાંતિ સમિતિની મુલાકાત યોજાશે, સાંજે ૬-૦૦ વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા પરંપરા મુજબ, રથયાત્રાના આગલા દિવસે જગન્નાથજી મંદિર અને મહંતશ્રીની શુભેચ્છા મુલાકાત લેશે. આજે તેઓ ભગવાન જગન્નાથજી માટે ખાસ ખીચડીનો પ્રસાદ લાવશે. આજે સાંજે ૮-૦૦ વાગ્યે વિશેષ પૂજા અને સંધ્યા આરતી યોજાશે. જેમાં રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મહેસૂમંત્રી કૌશિક પટેલ, કૃષિમંત્રી આર.સી.ફળદુ, ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના મહાનુભાવો હાજર રહેશે.