આધુનિક સમયમાં મોટા ભાગના લોકો વયને છૂપાવવા માટે બનતા તમામ પ્રયાસો કરે છે. આ બાબતની નોંધ લઈને મહાકાય કોસ્મેટિક કંપનીઓ દ્વારા બજારમાં એવી દવાઓ ઉતારવામાં આવી છે જે દવાઓના ઉપયોગથી તાજગી દેખાય છે. સાથે સાથે ખૂબસુરતીમાં પણ વધારો થાય છે. પોતાની જે વય છે તે કરતાં નાની વય દેખાવવા માટે તમામ લોકોના પ્રયાસો હોય છે.
હવે તાજેતરમાં જ કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દ્રાક્ષ વધારે પડતી વહેલી તકે મોટી વય દેખાવાથી રોકવામાં ભૂમિકા અદા કરે છે. નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ ફ્રૂટ સ્કીન કેન્સર સામે રક્ષણ પણ આપે છે. સાથે સાથે મોટી વય નિર્ધાિરત સમય કરતા વહેલી તકે દેખાતા પણ રોકે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ ફ્રૂટમાં કેટલાક એવા ઘટક તત્વો છે જે અલ્ટ્રા વોયલેટ રેડીએશનથી સેલનું રક્ષણ કરે છે. સૂર્યના તાપના કારણે અલ્ટ્રા વોયલેટ રેડીએશન નીકળે છે જેનાથી સ્કીન ઉપર માઠી અસર થાય છે. આનાથી સ્કીન કેન્સર થવાનું સંકટ પણ રહે છે.
બ્રિટનના જાણીતા અખબાર ડેલી મેઇલે અહેવાલ આપતા જણાવ્યું છે કે અલ્ટ્રા વોયલેટ (યુવી) રિયેક્ટિવ ઓક્સિજન પ્રતિકૂળતાના સ્તરને વધારે છે જે સ્કીનમાં સેલને નુકશાન કરી શકે છે. યુનિવર્સિટી ઓફ બાર્સેલોના અને સ્પેનીંશ નેશનલ રિસર્ચ કાઉન્સિલના વૈજ્ઞાનિકોએ અભ્યાસ બાદ શોધી કાઢ્યું છે કે દ્રાક્ષની અંદર એવા ઘટક તત્વો છે જે મોટી વય દેખાતા રોકવામાં ભૂમિકા ભજવે છે. આ ઘટક તત્વો એવા સેલના ફેલાવાને રોકે છે જે વય વધવા માટે જવાબદાર રહે છે. આ અભ્યાસના પરિણામને ધ્યાનમાં લેવામાં આવ્યા બાદ આગામી દિવસોમાં તેનો સીધો ફાયદો થઈ શકે છે. હજુ વધુ અભ્યાસ હાથ ધરવામાં આવનાર છે.