કાવ્યપત્રી
આ વખતે મારે એવી ગઝલ વિશે વાત કરવી છે જેની રચયિતા સતત પોતાનાં ભાવવિશ્વમાં જ રહેવાનું પસંદ કરે છે. વાસ્તવિક દુનિયામાં ખપ પૂરતું જ રહેવા પસંદ કરે છે. હું વાત કરું છું સુરતનાં કવયિત્રી દિવ્યા રાજેશ મોદીની.. એ સામાન્ય બોલચાલની ભાષામાં ગઝલ લખવાનું પસંદ કરે છે. રોજબરોજ મળતી ખુદની, સ્વજનોની તેમજ મિત્રોની સંવેદનાઓ એની ગઝલમાં શેર બનીને ઓગળ્યા કરે છે.
ગઝલનું સર્જન થાય એ વખતની અનુભૂતિ વિશે વાત કરતા જણાવ્યું કે એકવાર અચાનક ડરામણું સ્વપ્ન આવ્યું. ચારે તરફ વંટોળ વચ્ચે એક વૃક્ષનાં પાન ખરતાં જતાં હતાં. મધ્યરાત્રિએ ઊંઘ ઊડી ગઈ. મન ચકડોળે ચડ્યું. ડાયરીમાં મુક્તકે કંકુપગલાં કર્યાં.
સ્વપ્નમાં વંટોળ જ્યાં ફૂંકાય છે,
બંધ આંખો ત્યાં જ ઉઘડી જાય છે !
પાનખરની બાદશાહી તો જુઓ,
વૃક્ષનાં શમણા હવે લૂંટાય છે !
જિંદગીમાં સભાનતા કેટલી અગત્યની છે એ સાવ સરળ રીતે અહીં કવયિત્રીએ દર્શાવ્યું છે. આવનાર તકલિફનો સહેજ પણ અણસાર થતાં જ એનાં નિરાકરણ માટે સજાગ થઈ પગલાં ભરી લેવાં જરૂરી છે. બંધ આંખોનું સમયસર ઉઘડી જવું જ સમસ્યાનું ઓસડ છે. બાદશાહ તો આપીને ખુશ થાય, પણ અહીં ‘બાદશાહી’ શબ્દનું વ્યાજસ્તુતિ અલંકારમાં પ્રયોજન કરી વૃક્ષનાં શમણાં લૂંટી જતા પાનખરને કાવ્યમય ટોણો મારી લેવાનું કવયિત્રી પસંદ કરે છે.
આંગણાના ફૂલ પરની ઓસમાં
સૂર્યનાં હસ્તાક્ષરો વંચાય છે !
યે બાત ! આપણે અજાણપણે કેટલી સંકુચિતતામાં અટવાતા હોઈએ છીએ એ વાત અહીં સરસ રીતે ઉઘડે છે. આંગણામાં રોપ ઉછેર્યો હોય, ખાતર અને પાણીથી પુષ્ટ કર્યો હોય, પછી ફૂલ આવે એટલે મનમાં થાય કે આ અમારી મહેનતનું ફળ ! પણ અબજો જોજન દૂર રહેતા સૂર્યએ એનું તેજ વરસાવ્યું એની નોંધ લેવાનુ સહજ ચૂકી જઈએ છીએ. જીવનમાં પણ ઘણી વાર આવું થતું હોય છે. આપણી જાણ બહાર ઘણા લોકો આપણા વિકાસ માટે મદદરૂપ થતા હોય છે. આપણને ખબર હોતી નથી એટલે એને આપણે કરેલાં સદ્કર્મોનું ફળ માનીને પોરસાતા રહીએ છીએ.
કાવ્ય જ્યારે અવતરવા માટે કલમની પસંદગી કરે છે ત્યારે એ કલમ જે હાથમાં છે એ હાથ પ્રકૃતિમાંથી પ્રગટતી ચેતના, સર્જકનું હ્યદય અને કોરો કાગળ, આ ત્રણેયનું અનુસંધાન કરતું પવિત્ર માધ્યમ બની જાય છે. એ ક્ષણો અદ્ભુત હોય છે. જાણે દિલ ખુદ કાગળ પર પથરાઈ જવા બેચેન બની ગયું હોય એવી ભાવુકતાની ચરમ સીમાનું વર્ણન કરતા કવયિત્રી કહે છે કે
હું ગઝલ લખવા ઉઠાવું છું કલમ ,
આંગળીમાં દિલ ઉતરતું જાય છે !
બીનમુસલસલ ગઝલની મજા એ છે કે દરેક શેર પોતાનું આગવું સૌંદર્ય લઈને આવે છે. આ ગઝલના અંતિમ શેર લખતી વખતે કવયિત્રી પોતાનાં સ્ત્રી-તત્વની સંપૂર્ણ અસર નીચે હોય એવું સ્પષ્ટ જણાઈ આવે છે. મુશ્કેલ સમયમાં બધા કોઈ વિશ્વસનિય સાથ ઝંખતા હોય છે, જ્યાં એ પોતાના મનનો ભાર હળવો કરી શકે. પણ સામેની વ્યક્તિ પાસે એ સમયે રખાતી અપેક્ષા પુરૂષ અને સ્ત્રી માટે જુદીજુદી હોય છે. પુરૂષને સમસ્યાનું સમાધાન જોઈતું હોય છે, જ્યારે સ્ત્રીને ફક્ત મૌન રહીને આશ્વસ્ત કરનાર સાથીની જરૂર હોય છે. આવા વખતે સ્વજન એને શબ્દોથી દિલાસો આપવા માંડે તો એ વ્યક્તિ પણ એને સાંભળવા તૈયાર નથી એવી લાગણી થાય છે, જે એની વ્યથામાં વધારો કરી બેસે છે. આ લાગણી દિવ્યા મોદી અંતિમ શેરમાં આ રીતે કહે છે-
તું દિલાસો આપવા માંગે છે પણ,
દર્દમાં ધરખમ વધારો થાય છે !
મિત્રો, ગઝલનું અવતરણ અને આસ્વાદની આ શ્રેણી આપને કેવી લાગી એ બાબત આપનાં અભિપ્રાય આપી અમને પ્રોત્સાહિત કરતા રહેજો..
ફરી મળીએ..
નવી કવિતા સાથે…
નેહા પુરોહિત