અમદાવાદ : ગુજરાત કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પાકવીમા, મગફળી કૌભાંડ, ખાતર કૌભાંડ, તુવેર કૌભાંડ, નકલી બિયારણ, દવા કૌભાંડ, પાણી સહિતના વિવિધ પ્રશ્નો મુદ્દે ભાજપ સરકાર સામે આજે ગાંધીધામથી ગાંધીનગર સુધી ખેડૂત સંવેદના યાત્રાનો પ્રારંભ થયો હતો. ગાંધીધામ ખાતે સરદાર પટેલની પ્રતિમા પાસેથી ખેડૂત સંવેદના યાત્રાનો સવારે દસ વાગ્યે વિધિવત્ પ્રારંભ થયો હતો, જેમાં ટ્ર્ેકટરો સહિતના વાહનોમાં ખેડૂતો અને કોંગ્રેસના આગેવાનો-કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં જાડાયા હતા. ગુજરાત કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલી આ ખેડૂત સંવેદના યાત્રા તા.૨જી જૂલાઇએ ગાંધીનગર ખાતે પહોંચશે અને ત્યાં રાજય સરકારને ઘેરવાનો પ્રયાસ કરી પાટનગરમાં ઉગ્ર દેખાવો અને ધરણાં સહિતના કાર્યક્રમો યોજશે. તરફથી આ યાત્રાની સત્તાવાર જાહેરાત કરાઇ હતી.
આ યાત્રા ગાંધીધામથી ઉપડી બીજી તારીખે ગાંધીનગર પહોંચશે. આ અંગે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસની આ ખેડૂત સંવેદના યાત્રા ગાંધીધામથી શરૂ થઇ ભચાઉ, સામખિયાળી, માળીયા અને હળવદ પહોંચી હતી અને ત્યાં રાત્રિ રોકાણ કર્યું હતું. આવતીકાલે આ યાત્રા હળવદથી આગળ વધશે અને ધ્રાંગધ્રા, વિરમગામ થઇ સાણંદ પહોંચશે અને ત્યાં રાત્રિરોકાણ કરી તા.૨જી જૂલાઇએ સાણંદથી પ્રસ્થાન કરી અમદાવાદ થઇ ગાંધીનગર ખાતે પહોંચશે.
કોંગ્રેસ દ્વારા ભાજપના રાજમાં ખેડૂતોને બરબાદ કરનારા આચરાયેલા ખાતર કૌભાંડ સહિતના કૌભાંડોના પુરાવાઓ અને દસ્તાવેજા સાથે આ યાત્રાનું આયોજન કરાયુ છે, જે સરકારને આપી આ સમગ્ર મામલે ખેડૂતોને ન્યાય અને વળતરની માંગણી કરવામાં આવશે. ડો.મનીષ દોશીએ ઉમેર્યું કે, બીજી તારીખે જ ગુજરાત વિધાનસભાનું સત્ર શરુ થવાં જઈ રહ્યું છે અને આ દિવસે જ નાણાંમંત્રી ભવનમાં રાજ્યસરકારનું પૂર્ણ કદનું બજેટ રજૂ કરશે. આ પહેલાં કોંગ્રેસ આ યાત્રા દ્વારા સરકારને ભીંસમાં લેવા પ્રયત્નો કરશે. યાત્રા દરમિયાન કોંગ્રેસ ગુજરાતની ભાજપ સરકાર સામે મગફળી અને તુવેર ખરીદી, ખાતર અને બિયારણની ખેંચમાં જેવા મુદ્દા પર થયેલાં કૌભાંડો મુદ્દે અવાજ ઉઠાવશે.
રાજ્યસરકાર આ મુદ્દાઓ પર તપાસના નામે કૌભાંડીઓને બચાવીને વિપક્ષ પર દોષારોપણ કરી રહી છે. આવી ઘટનાઓના વિરોધમાં જ ગુજરાત કોંગ્રેસ રાજ્યના ખેડૂતોની પડખે રહી ખેડૂત સંવેદના યાત્રા કરી રહી છે. આ યાત્રામાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના અનેક મહાનુભાવો અને આગેવાનો ખેડૂતો સાથે જાડાશે અને તેમના ન્યાય માટે ગુહાર લગાવશે.