સરકારની બેદરકારીથી બે વર્ષમાં ગુજરાતમાં 184 સિંહોના થયા મોત

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ગુજરાતના સાસણગીરના જંગલમાં જોવા મળતા એશીયાઇ સિંહો સમગ્ર દેશનું ગૌરવ માનવામાં આવે છે. ખાસ કરીને
રાજ્ય સરકાર અને રાજ્યના ટૂરિઝમ વિભાગ પોતાના પ્રસારમાં સિંહોનો ઉલ્લેખ વારંવાર કરે છે, પરંતુ સિંહોની સુરક્ષા
અને સંરક્ષણ માટે સરકાર કેટલી બેદરકાર છે એ છતું થઈ આવ્યું છે. છેલ્લા બે વર્ષમાં ગીરમાં 184 સિંહોના મૃત્યુ થયા છે.
આમાંથી 152 સિંહના કુદરતી જ્યારે 32 સિંહના અકુદરતી રીતે મૃત્યુ થયા હોવાનું સરકારે સ્વીકાર્યું છે.
ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસના દરિયાપુર વિસ્તારના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા પૂછવામાં આવેલા જવાબમાં વન
મંત્રીએ જવાબ આપતા જણાવ્યું કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 184 સિંહ-સિંહણ અને સિંહબાળના મૃત્યુ થયા છે.
આમાંથી 2016માં 104 અને 2017માં 80 સિંહના મૃત્યુ થયા હતા. મૃત્યુ પામનારા સિંહોમાં 79 સિંહણ, 39 સિંહ
બાળ અને 71 નર સિંહ હોવાનું જવાબમાં જાણવા મળ્યું છે.
બીજું બાજુ વન મંત્રીએ સિંહના અપ્રાકૃતિક મૃત્યુને અટકાવવા પોતાની તરફથી કરવામાં આવેલા કાર્યો ગણાવતા કહ્યું કે,
ગીર રક્ષિત વિસ્તારમાં આવેલા રેવેન્યુ વિસ્તારમાં ખુલ્લા કુવાઓ ફરતે નાની દિવાલો ચણવામાં આવી છે. અમરેલીમાંથી
પસાર થતા રેલવે ટ્રેકની બંને બાજુએ ફેન્સિંગ કરવામાં આવ્યું છે, જેથી સિંહ રેલ અકસ્માતનો ભોગ ન બને. આ ઉપરાંત
આજુબાજુના ગામોમાં વન્ય પ્રાણી મિત્રોનું નિમણૂંક પણ કરવામાં આવી છે જેઓ સંકટમાં ફસાયેલા સિંહ માટે તાત્કાલિક
પ્રાથમિક બચાવની કામગીરી કરે છે.

Share This Article