અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાધીશો દ્વારા કુમારિકાઓના આગામી જૂલાઇ માસમાં આવનારા ગૌરીવ્રત અને જયાપાર્વતી વ્રતના જાગરણને લઇ આ વ્રતના દિવસો દરમ્યાન કાંકરિયા લેકફ્રન્ટમાં કુમારિકાઓ, મહિલાઓ અને તેમના બાળકોને મફત પ્રવેશ આપવાની જાહેરાત કરવામાં આવી છે તો, આ વ્રતના દિવસોને લઇ શહેરના તમામ મ્યુનિસિપલ બગીચાઓ પણ જાગરણના બંને દિવસોએ ઉજવણીને ધ્યાનમાં લઇને આખી રાત સુધી ખુલ્લા રાખવામાં આવશે.
અમ્યુકોની સ્ટેન્ડીંગ કમીટીની મળેલી બેઠકમાં સભ્ય બિંદુબહેન પટેલ દ્વારા તા.૧૨મી જૂલાઇથી શરૂ થતાં ગૌરી વ્રત અને તા.૧૪ જૂલાઇથી શરૂ થતાં જયાપાર્વતી વ્રતને અનુલક્ષીને તા.૧૬ જૂલાઇના ગૌરીવ્રતના જાગરણ અને તા.૧૮મી જૂલાઇના જયાપાર્વતી વ્રતના જાગરણ નિમિતે આ બંને દિવસોએ કુમારિકાઓ, મહિલાઓ અને તેમના બાળકોને કાંકરિયા લેકફ્રન્ટ ખાતે વિનામૂલ્યે પ્રવેશ આપવા અંગે તાકીદની દરખાસ્ત રજૂ કરી હતી. જેને સ્ટેન્ડીંગ કમીટીએ પણ લીલીઝંડી આપી હતી અને મંજૂર કરી હતી.
જેને પગલે કુમારિકાઓના આગામી જૂલાઇ માસમાં આવનારા ગૌરીવ્રત અને જયાપાર્વતી વ્રતના જાગરણને લઇ આ વ્રતના દિવસો દરમ્યાન કાંકરિયા લેકફ્રન્ટમાં કુમારિકાઓ, મહિલાઓ અને તેમના બાળકોને મફત પ્રવેશ મળશે. તો, આ બંને વ્રતના પર્વ નિમિતે શહેરના તમામ મ્યુનિસિપલ બગીચાઓ દરરોજ રાતના ૧૧ વાગ્યા સુધી અને જાગરણના બંને દિવસોએ તમામ બગીચાઓ આખી રાત ખુલ્લા રાખવામાં આવશે.