અમદાવાદ : જગન્નાથ રથયાત્રાને લઇને તૈયારીઓ ચરમસીમા ઉપર પહોંચી ગઈ છે. અમદાવાદ શહેરમાં ચોથી જુલાઈના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજનાર છે. રથયાત્રાને ધ્યાનમાં લઇને તંત્ર દ્વારા જુદાજુદા પગલા લેવામાં આવી રહ્યા છે. જે વિસ્તારમાંથી રથયાત્રા પસાર થનાર છે તે વિસ્તારમાં સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. પેટ્રોલિંગની પ્રક્રિયા પણ ઝડપી બનાવી દેવામાં આવી છે. સુરક્ષા જવાનો પહેલાથી જ સુરક્ષાના ભાગરુપે મોરચા સંભાળી ચુક્યા છે. બીજી બાજુ જગન્નાથમંદિરમાં પણ રથયાત્રાને લઇને તૈયારી અંતિમ તબક્કામાં પહોંચી ચુકી છે.
મંદિરની બહાર અને મંદિરના આસપાસના વિસ્તારમાં પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા દર વર્ષની જેમ જ આ વર્ષે પણ નગરયાત્રાએ ચોથી જુલાઈના દિવસે નિકળનાર છે જેને લઇને શ્રદ્ધાળુઓમાં એકબાજુ અભૂતપૂર્વ ઉત્સાહ જાવા મળી રહ્યો છે ત્યારે બીજી બાજુ પ્રસાદને લઇને પણ તૈયારીઓ ચાલી રહી છે. મગની સાફસફાઈની કામગીરીમાં મોટી સંખ્યામાં બહેનો સામેલ થઇ રહી છે. સ્વૈÂચ્છકરીતે શ્રદ્ધાના ભાવ સાથે મોટી સંખ્યામાં બહેનો અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી પહોંચી રહી છે. પ્રસાદરુપે વિતરિત કરવામાં આવતા મગની સાફસફાઈની કામગીરી હજુ કેટલાક દિવસ સુધી ચાલશે. કારણ કે જંગી પ્રમાણમાં અમદાવાદ શહેરમાં શ્રદ્ધાળુઓ માટે પ્રસાદનું વિતરણ કરવામાં આવનાર છે.
ભગવાનના તમામ રથને શણગારવાની કામગીરી પણ ચાલી રહી છે. બીજી બાજુ આ વખતે રજવાડી વેશમાં જગતનો નાથ નગરચર્યાએ નીકળશે અને તેમાં પણ લાલ રંગના વાઘા પહેરીને. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામ માટે આ વર્ષે પણ બહુ આકર્ષક અને નયનરમ્ય વાઘા અને સાજ-શણગાર તૈયાર કરવામાં આવ્યા છે. રથયાત્રાને લઇ ભાવિકભકતોમાં અત્યારથી જ ભકિત અને ઉત્સાહનો માહોલ છવાયો છે. નોંધનીય છે કે, લાલ રંગ કોઈપણ કામમાં ખુબ જ શુભ માનવામાં આવતો કલર છે, ત્યારે આ વર્ષે સૌ પ્રથમ વખત ભગવાન રથયાત્રાના દિવસે લાલ રંગના વાઘા સાથે નગરયાત્રાએ નીકળશે. રથયાત્રાને લઇ શહેરીજનોમાં અત્યારથી જ ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે ખાસ કરીને કોટ વિસ્તારના શ્રધ્ધાળુઓ ભારે આતુરતાથી રથયાત્રામાં નગરચર્યાએ નીકળે ત્યારે તેમના દર્શન કરવાની રાહ જોઇને બેઠા છે.