અમદાવાદ : ભગવાન જગન્નાથ નગરયાત્રાએ નીકળે ત્યારે દરવર્ષે તેમના અવનવા ઠાઠ જોવા મળતા હોય છે. આ વખતે અમદાવાદમાં નીકળનારી રથયાત્રામાં ભગવાન રજવાડી વેશમાં ભક્તોને દર્શન આપશે. ભગવાનની રથયાત્રામાં દર વર્ષે ભગવાનના સાજ-શણગાર અલગ અલગ હોય છે અને તેના માટે વાઘા બનાવનારા દ્વારા ઘણા મહીનાઓ પહેલાથી તૈયારી કરાતી હોય છે. આ વખતે રજવાડી વેશમાં જગતનો નાથ નગરચર્યાએ નીકળશે અને તેમાં પણ લાલ રંગના વાઘા પહેરીને. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામ માટે આ વર્ષે પણ બહુ આકર્ષક અને નયનરમ્ય વાઘા અને સાજ-શણગાર તૈયાર કરવામાં આવ્યા છે. રથયાત્રાને લઇ ભાવિકભકતોમાં અત્યારથી જ ભકિત અને ઉત્સાહનો માહોલ છવાયો છે.
નોંધનીય છે કે, લાલ રંગ કોઈપણ કામમાં ખુબ જ શુભ માનવામાં આવતો કલર છે, ત્યારે આ વર્ષે સૌ પ્રથમ વખત ભગવાન રથયાત્રાના દિવસે લાલ રંગના વાઘા સાથે નગરયાત્રાએ નીકળશે. સુનીલભાઈ છેલ્લા ૧૭ વર્ષથી ભગવાનના વાઘા તૈયાર કરતા હોય છે તેમના દ્વારા દર વર્ષે કંઈક નવુ અને અલૌકીક વાઘામાં તૈયાર કરાતુ હોય છે ત્યારે ભગવાન મોસાળથી પરત ફર્યા બાદ નેત્રોત્સવ વિધિ, સોનાવેશ વિધિ તથા મંગળા આરતી તમામમાં અલગ અલગ વાઘા જે પહેરવાના છે, તે વાઘાઓ અને સાજ-શણગાર સુનિલભાઈ દ્વારા અદભુત બનાવવામાં આવ્યા છે.
સોનાવેશના દિવસે વેલવેટના વાદળી રંગના વાઘા જોતા જ અત્યારથી થાય કે ક્યારે ભગવાનના દર્શન કરવા મળે. તેની સાથેસાથે આ વખતે ભગવાનની સૌથી પ્રિય એવી ગાયો પણ તેમના વાઘાઓમાં મુકવામાં આવી છે. તો એક વાઘો કે જે લીલા રંગનો વાઘો સ્પેશ્યલી મોર, પોપટના આભલા દ્વારા અભીભુત કરીને બનાવવામાં આવ્યો છે. સાથેસાથે તેની પાઘ પણ એક એકથી સુંદર તૈયાર કરવામાં આવી છે. ત્યારે હવે બસ એ જ રાહ છે કે ક્યારે અષાઢી બીજ આવે અને ભગવાન લાલ રંગના જાકમજોળ વાઘા સાથે ભક્તોને દર્શન આપે તેવી શ્રધ્ધાળુ ભકતોમાં લાગણી બની છે.
રથયાત્રાને લઇ શહેરીજનોમાં અત્યારથી જ ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે ખાસ કરીને કોટ વિસ્તારના શ્રધ્ધાળુઓ ભારે આતુરતાથી રથયાત્રામાં નગરચર્યાએ નીકળે ત્યારે તેમના દર્શન કરવાની રાહ જાઇને બેઠા છે.