અમદાવાદ : મહિસાગર જિલ્લાના પાલ્લા ગામમાં ખોડિયાર માતાના મંદિરમાં મહાકાય મગર કયાંકથી આવી જતાં સ્થાનિક ગ્રામજનો સહિતના લોકોમાં ભારે કૌતુક અને આશ્ચર્ય સર્જાયું હતું. લોકો મગરના મંદિરમાં આવવાને લઇ ખોડિયાર માતાનો ચમત્કાર કરી મગરના દર્શન માટે ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. શ્રધ્ધાળુ લોકોએ મગરને કંકુ અને ફુલ ધરાવી પૂજા-પ્રાર્થના કર્યા હતા. ગુજરાતના વધુ એક ગામમાં ધાર્મિક આસ્થાનો કિસ્સો સામે આવતાં ભારે ચર્ચા જાગી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, મહિસાગર જિલ્લાના પાલ્લા ગામ ખાતે આવેલા ખોડિયાર માતાના મંદિરમાં અને ગામમાં બે દિવસ પહેલાં ચોરી થઇ હતી, જેના કારણે ગ્રામજનોમાં ખોડિયાર માતાના મંદિરમાં થયેલી ચોરીને લઇ ભારે દુઃખ અને અફસોસની લાગણી પ્રસરી હતી.
દરમ્યાન ગઇ મોડી રાતથી અચાનક ખોડિયાર માતાના મંદિરમાં કયાંકથી મહાકાય મગર આવી ગયો હતો અને મંદિરમાં અડીંગો જમાવી દીધો હતો. મગર એ ખોડિયાર માતાનું વાહન હોઇ આ પ્રકારે અચાનક મગરનું આગમન માતાજીની મંદિરમાં થતાં સ્થાનિક ગ્રામજનો અને શ્રધ્ધાળુ લોકોએ આ સમગ્ર ઘટનાને ધાર્મિક આસ્થા સાથે જાણે જોડી દીધી હતી અને મગરને ખોડિયાર માતાનો ચમત્કાર માની તેના દર્શનાર્થે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટયા હતા.
શ્રધ્ધાળુ લોકોએ તો, મગરને કંકુ અને ફુલ-હાર ચઢાવી તેની પૂજા પ્રાર્થના કર્યા હતા અને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. જા કે, ખોડિયાર માતાના મંદિરમાં મગર આવ્યો હોવાના સમાચાર વાયુ વેગે આસપાસના પંથકોમાં અને સમાચાર માધ્યમો થકી રાજયભરમાં ફેલાતાં ધાર્મિકતામાં માનનારા લોકોએ તેને માતાજીનો ચમત્કાર ગણાવ્યો હતો.