“ પીડાનું પારેવું ના ફરકે મારા આંગણામાં ક્યાંયે,
ઓગાળી ઇચ્છાના ડુંગર હું મારામાં મોજ કરું છું.”
—- નીતિન વડગામા
કવિ કહે છે કે પીડાનું પારેવું એમના ઘરના આંગણામાં કદીય ફરકતું નથી કેમ કે એમણે એમની બધીજ ઇચ્છાઓ ઓગાળી દીધી છે. પીડા અથવા દુ:ખ ક્યારે આવે છે ? જ્યારે આપણે સેવેલ કોઇ સ્વપ્ન પૂરુ થતુ નથી. તમારી ઇચ્છાઓ અધૂરી રહે છે ત્યારે તમને અત્યંત પીડા અથવા તો કષ્ટ થાય છે. તમે બેચેન બની જાઓ છો , તમને કંઇ જ સૂઝતું નથી તમને નિરાશા ઘેરી વળે છે. ઘણા બધા વિધ્વાનોએ બોધ આપ્યો છે અને આપણા ધર્મ ગ્રંથોમાં પણ આપણે વાંચ્યુ છે કે ઇચ્છા જ સર્વ દુ:ખોની જનેતા છે. જો તમે કશી ઇચ્છા કે અપેક્ષા જ ન રાખો તો તમારે દુ:ખી થવાનું આવશે જ નહિ. માતા પિતા પોતાનાં સંતાનો પાસેથી અમુક ચોક્કસ પ્રકારની અપેક્ષા રાખે અને એ અપેક્ષા બાળકો દ્વારા પરિપૂર્ણ ન થાય ત્યારે મા બાપને દુ:ખ થાય એ ખૂબ જ સ્વાભાવિક છે.
તો પ્રશ્ન થાય કે શું આપણે આપણાં પોતાનાં માણસો અથવા તો એવી વ્યક્તિઓ જેમને માટે આપણે આપણી જીંદગીનો કીંમતી સમય વીતાવી દીધો છે તેમની પસે બદલામાં કંઇ જ ન ચાહવાનું ?? કવિ તો પોતાની તમામ ઇચ્છાઓ ઓગાળીને પોતાની જીંદગીમાં મોજથી જીવી રહ્યા છે અને એમ કહીને તે કદાચ આપણને પણ તેવા જ બનવાની શીખ આપી રહ્યા છે. અહીં ભગવદ ગીતામાં શ્રીક્રીષ્ણએ અર્જુનને કહેલ બોધ યાદ આવે છે. ભગવાન કહે છે કે તું તારુ કર્મ કરી દે બસ પછી તારે એના કશા જ ફળની અપેક્ષા રાખવાની નથી. તારા કર્મનું ફળ તો યોગ્ય સમયે તને મળવાનું જ છે. આમ કવિએ જે ઇચ્છાઓને ઓગાળી દેવાની જે સલાહ કે શિખામણ આપી છે તે સર્વથા યોગ્ય જ છે. આપણે એમ કરીશું તો આપણને કોઇ વાતનું દુ:ખ લાગશે જ નહિ.
- અનંત પટેલ