– અનંત પટેલ
જીવનમાં મનુષ્ય ઘણી વાર એવી-એવી સામાજિક અને માનસિક વિટંબણાઓમાંથી પસાર થતો હોય છે કે તેને આધારે તે કશીક ચોક્કસ માન્યતા પણ ધરાવતો થઇ જાય છે. મારા એક મિત્ર આવી જ સામાજિક સમસ્યાથી ઘેરાઇ જવાને કારણે એમ માનતા થઇ ગયેલા કે જીવનનાં બધાં જ દુઃખ કે સમસ્યાઓનું કારણ સ્ત્રી જ હોય છે. મને પણ તેમણે જ્યારે કહ્યું કે સર્વ દુઃખનું કારણ નારી છે ત્યારે હું ય થોડી વાર માટે વિચારમાં પડી ગયેલો ! આવી માન્યતા કોઇ વ્યક્તિ જ્યારે ધારવા લાગે તો તેની પાછળ સ્ત્રીઓ તરફથી એને ઘણા બધા દુઃખદ અનુભવો થયા હોય તે કારણભૂત હોઇ શકે છે. તો શું આ માણસને સ્ત્રીઓ તરફથી સુખદ અનુભવ થયા જ નહીં હોય ? શું એના જીવનમાં આવેલી સ્ત્રીઓએ એને કશું સુખ-શાંતિ આપ્યા જ નહીં હોય ? ના, એવું તો નથી હોતું. સ્ત્રી મા, પત્ની, બહેન, દીકરી, પુત્રવધૂ, ભાભી, માસી, કાકી, ભાણી વગેરે જુદાં-જુદાં સ્વરૂપો ધરાવે છે. એક જ સ્ત્રીએ લગભગ આ બધાં જ રૂપ નિભાવવાના હોય છે, જ્યારે એક જ પુરુષ માટે આ બધાં સ્વરૂપો વાળી સ્ત્રીઓ અલગ અલગ હોય છે. એટલે પુરુષ તો હંમેશાં સારી માતા, સારી પત્ની, સારી બહેન, સારી ભાભી કે સારી માસીની અપેક્ષા રાખે છે, આ અપેક્ષા જ્યારે જ્યારે પરિપૂર્ણ ન થાય ત્યારે-ત્યારે એને એમ લાગે કે જગતમાં સ્ત્રીઓ જ દુઃખનું કારણ છે.
ઘણાં કુટુંબો એવાં પણ હોય છે કે જેમાં એકાદ જવાબદાર પુરુષે ઘણી-બધી સ્ત્રીઓ પ્રત્યે સામાજિક જવાબદારી નિભાવવાની હોય છે. કચેરીમાં મુખ્ય વહીવટ કરનાર અધિકારી હોય તે પોતાની હાથ નીચેના બધા જ અધિકારીઓને સરખો સંતોષ આપી શક્તો નથી. એણે ઘણા નિર્ણય એવા કરવા પડે છે જેનાથી કોઇની નારાજગી પણ વહોરવી પડે છે. ભલે કોઇ નારાજ થાય પણ કુશળ વહીવટકર્તા તેની પરવા કરતો નથી. સારો વહીવટ કરવો હોય તો દરેક સમયે દરેકને ખુશ રાખી શક્તા નથી. આવું કદાચ દરેક સ્ત્રીને માટે પણ બનતું હોય છે.
અહીં ચર્ચા કરવી છે કે શું સાચે જ સ્ત્રી દુઃખનું કારણ છે ? આ વિધાનને સનાતન સત્ય જેવું કહી શકાશે નહીં પરંતુ દરેક પુરુષના જીવનમાં જુદા-જુદા પ્રસંગે તેની આજુબાજુનાં સ્ત્રીપાત્રો દ્વારા ભરવામાં આવતાં પગલાં ઘણી વખત તેને દુઃખદાયક લાગતાં હોય છે ને તેને લીધે તે આવું વિચારવા લાગે છે. પરંતુ આવું શાથી બને છે ? આવું એટલા માટે બને છે કે પુરુષ હંમેશાં દરેક સ્ત્રી પાસેથી સુખ અને શાંતિની જ અપેક્ષા રાખે છે અને જ્યારે આવી અપેક્ષા નથી સંતોષાતી ત્યારે કંટાળીને તેના મુખેથી ઉદગાર સરી પડે છે. “ સ્ત્રી એટલે જ સર્વ દુઃખોનું કારણ ! ” પરંતુ હું કંઇક જુદું જ કહેવા માગું છું. સ્ત્રી કદાચ ક્યારેક દુઃખનું કારણ લાગે પરંતુ સ્ત્રી જ સાચા અર્થમાં દુઃખનું મારણ છે. માતાના નિસ્વાર્થ પ્રેમથી, પત્નીના નિખાલસ પ્રેમથી, બહેનના અમીભરેલા પ્રેમથી કે ભાભીના ખાટા-મીઠા પ્રેમની અનુભૂતિ દરેક પુરુષને થયેલી હોય છે જ ! કોઇક ઘટનાથી ઘડીભર દુઃખી થઇ જનાર પુરુષે એ વિચારવું જોઇએ કે અત્યાર સુધીની એની જિંદગીમાં જે સુખ અને શાંતિ મળી છે તે આ સ્ત્રીઓના કારણે જ મળેલી છે. સ્ત્રીનો સહવાસ કે સંગાથ ન હોય તો પુરુષનું જીવન સૂનું-સૂનું થઇ જાય છે. પત્ની સાથે અવારનવાર થતી ટક-ટકથી કંટાળેલો પુરુષ પત્ની બહાર જાય તો પહેલો દિવસ કદાચ શાંતિથી પસાર કરતો હશે પણ બીજા દિવસથી જ તેને ઘરમાં પત્નીની ઊણપ વરતાવા લાગે છે. આમ સ્ત્રી વિના પુરુષનું જીવન અધુરું છે. સ્ત્રીને દુઃખનું કારણ કહેનારા એ જ પુરુષને સમયાંતરે સત્ય સમજાઇ જાય છે કે સ્ત્રી ભલે ક્ષણવાર માટે દુઃખ થાય એવું બોલતી હોય કે કરતી હોય પણ સરવાળે તો એ દુઃખનું મારણ જ છે. સવાલ છે માત્ર દરેક ઘટનાને મૂલવવાની રીતનો ! આપણે નારીના અદભુત ગુણોને જ નજરમાં રાખીએ ને યાદ કરીએ તો હંમેશને માટે તે દુઃખનું મારણ જ લાગશે.