અમદાવાદ : વડોદરાના ડભોઇ તાલુકાના ફરતીકુઇ ગામ પાસે આવેલી દર્શન હોટેલના ખાળકુવામાં સફાઇ માટે ઉતરેલા એક પછી એક સાત લોકોના મોત થતા ખળભળાટ મચી ગયો છે. મૃત્યુ પામેલામાં પિતા અને પુત્ર સહિત સાતનો સમાવેશ થાય છે. ઝેરી ગેસના કારણે તમામના મોત થયા હોવાનુ પ્રાથમિક રીતે જાણવા મળ્યુ છે. વડોદરા અને ડભોઇ ફાયર બ્રિગેડના જવાનોએ છ કલાકથી વધારે સમય સુધી ભારે જહેમત ઉઠાવ્યા બાદ તમામના મૃતદેહો બહાર કાઢ્યા હતા. ઝેરી ગેસની અસર થતા એક પછી એકનુ મોત થયુ હતુ. મોડી રાત્રે બનેલી ઘટનાના કારણે તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો.
પિતા પુત્ર સહિત ચાર અને હોટેલના ત્રણ મજદુરો સફાઇ કરવા માટે ઉતર્યા હતા. ખાળકુવામાં ઉતરતાની સાથે જ તમામને ઝેરી ગેસની અસર થઇ હતી અને એક પછી એક તમામ મોતને ભેંટ્યા હતા. સમગ્ર ઘટના અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ દુખ વ્યક્ત કર્યુ છે. સાથે સાથે મુખ્યપ્રધાને મૃતકોના પરિવારને ચાર ચાર લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. લોકોમાં હોટેલ માલિકની સામે જોરદાર નારાજગીનુ મોજુ ફરી વળ્યુ છે.મૃત્યુ પામેલા તમામ લોકોની ઓળખ કરી લેવામાં આવી છે.
જે પૈકી મોટા ભાગના વાંટા ફળીયુ , થુવાવીના હોવાનુ જાણવા મળ્યુ છે. મુખ્યપ્રધાન હાલમાં નિતી આયોગની બેઠકમાં હાજરી આપવા માટે દિલ્હી પહોંચેલા છે. મૃતક શ્રમજીવીના પરિવારમાં આઘાતનુ મોજુ ફરી વળ્યુ છે.બીજી બાજુ હોટેલના સંચાલકની સામે કાર્યવાહી કરવા માટેની તૈયારી પણ કરી લેવામાં આવી છે. આમાં લાપરવાહી તો સ્પષ્ટપણે દેખાઇ આવે છે.